પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષણ દિવસના બરાબર એક દિવસ પહેલા જ ’શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા શિક્ષક તેમજ વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ભણાવનારા એવા મનસુખભાઈ હરજીવનભાઈ મહેતાનું ૮૧ વર્ષની વયે અવસાન થયું છે. મનસુખભાઈ મહેતા રાજકોટની ખૂબ જ પ્રસિદ્ધ વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હતા. અમદાવાદની ખાનગી હૉસ્પિટલ ખાતે કોરોનાની સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે.
તેમના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દૃુ:ખ વ્યક્ત કર્યું છે. મનસુખભાઈ મહેતાનું નિધન આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે થયું છે. આવતીકાલે એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ છે. કોરોના સામે હારી જનારા મનસુખભાઈને વર્ષ ૧૯૯૦માં રાજ્ય સરકાર અને વર્ષ ૧૯૯૪માં કેન્દ્ર સરકારે ’શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માનિત કર્યાં હતાં. તેઓ વર્ષ ૧૯૯૦માં વિરાણી હાઇસ્કૂલ સાથે જોડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક હસ્તીઓ તેમના વિદ્યાર્થી રહી ચુક્યા છે.
વિજય રૂપાણીએ પાંચમાં ધોરણથી ૧૧માં ધોરણ સુધી વિરાણી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. શિક્ષક ઉપરાંત તેઓ રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહૃાા હતા. તેમના નજીકના લોકોના કહેવા પ્રમાણે તેઓ અંતિમ સમય સુધી સક્રિય રહૃાા હતા. આચાર્ય તરીકેની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ તેઓ રામકૃષ્ણ મિશન માટે કામ કરતા રહૃાા હતા.