મૂળ નક્ષત્રનો સ્વભાવ મૂળ સુધી જવાનો છે

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

સેનાપતિ મંગળ મહારાજ ધન રાશિ અને મૂળ નક્ષત્રમાં પ્રવેશી ચુક્યા છે. અગાઉ લખ્યા મુજબ મૂળ નક્ષત્રનો સ્વભાવ મૂળ સુધી જવાનો છે માટે જે ગ્રહ અને સ્થાન મૂળ નક્ષત્રમાં હોય ત્યાં વ્યક્તિ ઊંડાણપૂર્વક જોતો હોય છે, તપાસતો હોય છે માટે મંગળ મૂળમાં જવાથી મંગળને લગતી બાબતોમાં ઊંડું સંશોધન જોવા મળે જેમાં સેના,પોલીસ,મેડિકલ ક્ષેત્ર,સ્પોર્ટ્સ,જમીન, ખનીજ અને તેલ, શરીર વિગેરે બાબતોનો સમાવેશ થાય છે જેથી આ બાબતોમાં ઘણા અગાઉ ના આવેલા તથ્ય બહાર આવે. આ સમયમાં સેના દ્વારા અનેક મહત્વના કિસ્સાની તપાસ આગળ વધે તો મેડિકલ ક્ષેત્રે પણ ઘણા સંશોધન થતા જોવા મળે. સ્પોર્ટ્સ બાબતમાં પણ ખેલાડીઓના જીવનમાં અનેક ઘટનાઓ બનતી સામે આવે જેમ કે ઓસ્ટ્રેલિયાના ટેનિસ ખેલાડી યોકોવિચની ઓસ્ટ્રેલિયામાં થી હકાલપટ્ટી કરવામાં આવી છે તો ઘરઆંગણે પણ ક્રિકેટ જગતનું રાજકારણ સામે આવી રહ્યું છે. જમીન નીચેથી પ્રાપ્ત થતી વસ્તુઓ એટલે કે ખાણ, ખનીજ, પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર થાય અથવા તેને લગતા મોટા સમાચાર પ્રાપ્ત થતા જોવા મળે. મંગળ મૂળમાં હોય ત્યારે એ પૃથ્વી પર જીવનને સમજવામાં વધુ મદદ કરે છે અને આપણી ઉત્ક્રાંતિ વિષે અને જીવન વિષે આ સમયમાં વધુ પ્રકાશ પડતો જોવા મળે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે ઘણા વૈજ્ઞાનિકો, વૈદ્ય અને ડોક્ટરોની જન્મકુંડળીમાં મને મૂળના મંગળ મહારાજ જોવા મળ્યા છે જે તેમને જીવનમાં સંઘર્ષ પછી સંશોધનમાં સફળતા અપાવે છે.

  • રોહિત જીવાણી