મૃગશીર્ષ નક્ષત્ર ના જાતકો તરવરિયા અને ઉર્જાવાન હોય છે

તા. ૮.૬.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ આઠમ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, સિદ્ધિ યોગ, બાલવ  કરણ આજે સવારે ૧૦.૦૩ સુધી  જન્મેલાંની ચંદ્ર રાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) .

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ બુધવારને અષ્ટમી એટલે બુધાષ્ટમી, દુર્ગાષ્ટમી છે. સૂર્ય મહારાજ આજે મૃગશીર્ષ નક્ષત્ર માં પ્રવેશ કરી રહ્યા છે જે વાતાવરણમાં પલટો આપી રહ્યા છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મેલા જાતકો પહોળી છાતી અને પહોળા ખભા ધરાવતા હોય છે. એકંદરે જીવનમાં સુખી થતા હોય છે પણ તેઓ અનેક વાર સ્થાન પરિવર્તન કરતા જોવા મળે છે. જો મૃગશીર્ષ નક્ષત્ર આજીવિકાના દશમાં સ્થાન સાથે કે તે ગ્રહ સાથે સંકળાયેલ હોય તો આજીવિકા માટે અહીં તહીં જવાનું બને છે. મૃગશીર્ષ નક્ષત્રના જાતકો બિનજરૂરી વિવાદમાં આવતા નથી પોતાના કામથી કામ રાખે છે વળી તેમની કાર્યશૈલી ઝડપી હોય છે.મૃગશીર્ષ નક્ષત્ર ના જાતકો તરવરિયા અને ઉર્જાવાન હોય છે પરંતુ વિરોધમાં ચાલવું કે બળવો કરવો તેમના મૂળભૂત સ્વભાવમાં હોતું નથી. મૃગશીર્ષ નક્ષત્રના મિત્રો ડ્રોઈંગ રૂમમાં મૃગ કે મૃગના મસ્તકનું ચિત્ર રાખે તો તેમના માટે ભાગ્યશાળી ગણાય. ગોચર ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર મહારાજ આજે સિંહમાં થી કન્યા રાશિમાં જઈ રહ્યા છે. જ્યાં ગુરુ અને મંગળ સાથે પ્રતિયુતિમાં આવી સારું પરિણામ આપશે. ગુરુ અને ચંદ્ર ગજકેસરી યોગ બનાવે છે જયારે મંગળ અને ચંદ્ર માંગલ્ય યોગની રચના કરે છે આ બંને શુભ યોગ બને છે.