મોડા છૂટા થયેલા શિક્ષકોને જૂની તારીખથી લાભ મળી રહેશે

  • પ્રાથમિક શિક્ષકો માટે ગુજરાત સરકારે આપ્યા ખુશખબર

રાજ્યના પ્રાથમિક સ્કૂલના શિક્ષકો માટે આજે સારા સમાચાર મળી રહૃાા છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને જિલ્લા ફેરથી મોડા છૂટા થયેલા હોય તેવા શિક્ષકોને રાજ્ય સરકારે લાભ આપ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે મોડા છૂટા થયેલા શિક્ષકોને જૂની તારીખથી લાભ મળી રહેશે. એટલું જ નહીં, મર્જ શાળાના શિક્ષકોની પણ સિનિયોરિટી ગણાશે. બદલી વખતે મર્જ શાળાની સિનિયોરિટી ધ્યાને લેવાશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અગાઉ રજૂઆત કરી હતી જેનું સરકારે ધ્યાને લઈ આ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે અગાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો.

નવા નિયમ પ્રમાણે ધોરણ.૧થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.૬થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યારસુધીમાં ધોરણ.૧થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ.૮નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું. બે ભાગમાં વહેચાયેલી પ્રાથમિક શાળામાં ધોરણ.૧થી ૫ના શિક્ષકોની ભરતીમાં પીટીસીની લાયકાત નક્કી કરાઈ હતી,

જ્યારે ધોરણ.૬થી ૮માં બી.એડ અથવા તો પીટીસી સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું. આ પહેલાં માત્ર પીટીસીની લાયકાતથી ભરતી થતી હતી, જેથી ધોરણ.૬થી ૮માં જે-તે સમયે લાયકાતવાળા શિક્ષકો પૂરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો.