મોદીના આઠ વરસના સત્તાકાળ પછી પણ કોંગ્રેસને ક્યારેય બુદ્ધિયોગ પ્રાપ્ત ન થયો ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરુવારે આઠ વર્ષ પૂરાં કર્યાં. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ૨૬ મેના દિવસે પહેલીવાર દેશના વડા પ્રધાન  બન્યા હતા ને પાંચ વર્ષ પૂરા કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરી ભવ્ય જીત મેળવીને ફરી ગાદી પર બેઠાં તેને પણ ત્રણ વર્ષ પૂરાં થવા આડે ગણતરીના દિવસો બચ્યા છે. જો કે મોદી પહેલીવાર ગાદી પર બેઠાં એ વાતને ગુરુવારે ૮ વર્ષ પૂરાં થયા તેથી મોદી સરકારે ૮ વર્ષ પૂરાં કર્યાં એવું જ કહેવાય. મોદીએ ૨૦૧૪માં ઝળહળતો વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. લોકસભાની ચૂંટણીમાં ૧૯૮૪ પછી પહેલીવાર કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. અલબત્ત ૨૦૧૪ની ચૂંટણીથી પણ ભવ્ય વિજય ૨૦૧૯માં ભાજપ અને તેના સાથી પક્ષોએ મેળવ્યો અને મોદી સળંગ બીજીવાર વડાપ્રધાન બન્યા. ભારત જેવા મોટા દેશમાં પોતાના પક્ષને સળંગ બે વાર જીત અપાવીને સત્તા હાંસલ કરવી મોટી વાત છે તેથી મોદીની સિદ્ધિ મોટી છે તેમાં બેમત નથી.

મોદી સામાન્યરીતે કોઈપણ પ્રસંગની ભવ્ય ઉજવણી કરે છે પણ સરકારમાં આઠ વર્ષ પૂરા કરવા નિમિત્તે કોઈ ઉજવણી ન થઈ. ભાજપનાં કાર્યાલયો પર મીઠાઈ વહેંચવા જેવા કાર્યક્રમો દ્વારા અંદરખાને ખુશી વ્યક્ત કરાઈ પણ કોઈ મોટો કાર્યક્રમ ન થયો. તેના બદલે મોદી સરકારની યોજનાઓનો ભાજપે જોરશોરથી પ્રચાર કર્યો. આયુષ્યમાન ભારત યોજના, જન ધન યોજના. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધી સહિતની બહુમતી મતદારોને આવરી લેતી યોજનાઓનો પ્રચાર કરીને ભાજપે આઠ વર્ષની ઉજવણી કરી.
ભાજપ ૩૦ મેથી ૧૪ જૂન સુધી જુદા જુદા પ્રજાલક્ષી કાર્યક્રમો કરીને મોદી સરકારનાં આઠ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરવાનો છે પણ તેમાં ભપકો નહીં હોય. છેલ્લા કેટલાક સમયથી ભાજપ લોકોની વચ્ચે જઈને, લોકો સાથે સંવાદ અને લોકોને મદદરૂપ થવાના કાર્યક્રમો વધારે કરે છે. ભાજપની આ વખતની પખવાડિયાની ઉજવણી પણ એ જ પ્રકારની હશે.

લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ સાબિત કરેલું કે, આ દેશનાં લોકો ભાજપ સાથે છે. બલ્કે ભાજપ સાથે છે તેમ કહેવા કરતાં નરેન્દ્ર મોદી સાથે છે તેમ કહેવું વધારે યોગ્ય છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રસ્થાને નરેન્દ્ર મોદી હતા અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં કરેલી કામગીરી હતી. ભાજપના ચૂંટણી પ્રચારના સેનાપતિપદે પણ  મોદી હતા. ચૂંટણીમાં ભાજપે ક્યા મુદ્દા ગજવવા એ પણ મોદીએ જ નક્કી કર્યું હતું. ભાજપના બીજા નેતા અને સંગઠન બેકગ્રાઉન્ડમાં હતાં. એ રીતે આ આખો શો વન મેન શો હતો ને લોકોએ આ વન મેન શોને વધાવી લીધો હતો. મોદીનો વન મેન શો ચાલ્યો કેમ કે મોદીએ અનેક એવી યોજનાઓ અમલી બનાવી કે જેનો સીધો લાભ સામાન્ય અને ખાસ તો સમાજના ગરીબમાં ગરીબ પરિવારને મળે.

મધ્યમવર્ગનાં લોકોને રાહત દરે ઘરનું ઘર બનાવવામાં મદદરૂપ થવા માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબો બૅંકોમાં એક પણ રૂપિયો મૂક્યા વિના ખાતું ખોલાવી શકે તે માટેની જન ધન યોજના, ગ્રામીણ વિસ્તારોમાં ચોવીસ કલાક વીજળી આપવા માટેની દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, લોકોને રાહત દરે દવાઓ પૂરી પાડવા માટેની જનૌષધિ યોજના, સામાન્ય લોકોને રાહત દરે દાક્તરી સારવાર આપવા માટેની આયુષ્યમાન ભારત યોજના, ગરીબ પરિવારોને રાંધણ ગેસની સુવિધા આપતી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ તેમાં કેન્દ્રસ્થાને હતી.

ભાજપ અત્યારે પણ એ જ વાતોને પ્રાધાન્ય આપી રહ્યો છે. ભાજપના પ્રચાર સામે કૉંગ્રેસે પણ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. કૉંગ્રેસના મહામંત્રીઓ અજય માકેન અને રણદીપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદ કરીને મોદી સરકાર ક્યા ક્યા મોરચે નિષ્ફળ ગઈ છે તેનો હિસાબ રજૂ કરી દીધો. અર્થતંત્રની માંડીને વધતી મોંઘવારી અને વિદેશી નીતિથી માંડીને કોમી સંવાદિતા સુધીના મોરચે મોદી સરકાર સાવ નિષ્ફળ ગઈ છે એવો દાવો કૉંગ્રેસે કરી નાંખ્યો. કૉંગ્રેસે કરેલા આક્ષેપોની વાત માંડવી શક્ય નથી ને તેનો અર્થ પણ નથી પણ આ આક્ષેપો કૉંગ્રેસની નકારાત્મક માનસિકતા છતી કરે છે. કૉંગ્રેસ સાવ પતી જવાના આરે છે અને ફરી બેઠી થવા માટે ફાંફાં મારે છે છતાં નકારાત્મક માનસિકતા છોડી નથી શકતી તેનો આ પુરાવો છે.

આ નકારાત્મક માનસિકતાના કારણે જ કૉંગ્રેસ પોતાની લીટી મોટી કરીને લોકોને આકર્ષવાના બદલે ભાજપની લીટી ભૂંસીને નાની કરવાનાં હવાતિયાં મારે છે. પોતે લોકો માટે શું કરી શકે છે તેની વાત કરવાના બદલે મોદી સરકારે ફલાણું ના કર્યું ને ઢીકણું ના કર્યું તેની વાતો કરે છે. કૉંગ્રેસ વિપક્ષમાં છે ને વિપક્ષ તરીકે કૉંગ્રેસનું કામ સરકારની ખામીઓ તરફ ધ્યાન દોરવાનું છે એ વાત સાચી છે પણ વિપક્ષ માત્ર સરકારની ખામીઓ તરફ ધ્યાન દોર્યા કરે એ ન ચાલે. કૉંગ્રેસ ભાજપનો વિકલ્પ બનવા માગતી હોય તો તેણે પોતે કેમ ભાજપનો વિકલ્પ બની શકે છે તેની વાત પણ કરવી જ પડે. ભાજપ સળંગ બે ટર્મથી જીતે છે. એ પહેલાં ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સળંગ દસ વર્ષ માટે કૉંગ્રેસ સત્તામાં હતી. એ વખતે કૉંગ્રેસ પોતાનાં કાર્યો દ્વારા પોતે સત્તા માટે લાયક હોવાનું સાબિત ના કરી શકી તેથી ફેંકાઈ ગઈ.

હવે વિપક્ષમાં રહીને પણ એ પોતે ભાજપ કરતાં સારો વિકલ્પ બની શકે છે એવું સાબિત કરવા કોંગ્રેસ પાર્ટી કોઈ પ્રયત્ન નથી કરતી. દેશના દરેક રાજકીય પક્ષે લોકોની તકલીફો દૂર કરવાની ભૂમિકા ભજવવાની હોય છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, બધાંએ દેશ માટે વિચારવાનું હોય છે, દેશનાં લોકો માટે વિચારવાનું હોય છે ને દેશ માટે દેશનાં લોકો માટે શું કરી શકે તેમ છે એ સાબિત કરવાનું હોય છે. કૉંગ્રેસ એ સાબિત કરવા કશું કરતી નથી ને માત્ર મોદી સરકારની ભૂલોની વાત કર્યા કરે છે. માત્ર ભાજપની ભૂલો વિશે બોલ્યા કરવાથી કૉંગ્રેસ કદી પણ ભાજપનો વિકલ્પ ન બની શકે એટલી સાદી વાત કૉંગ્રેસીઓને સમજાતી નથી.