મોદીના સદભાગ્યે મમતા અને સોનિયા વચ્ચે હવે ખરાખરીની દુશ્મની જામી છે

રાજકારણમાં ક્યારે કોણ દોસ્ત બની જાય ને ક્યારે દુશ્મની થઈ જાય એ નક્કી નહીં. આજે એક થાળીમાં ખાનારા કાલે એ જ થાળીની ઝૂંટાઝૂંટ કરીને એકબીજાને મારવા માટે મેદાનમાં આવી જાય એવું રાજકારણમાં બહુ સામાન્ય છે ને મમતા બેનરજી તથા કોંગ્રેસીઓ વચ્ચે અત્યારે એવી જ જામી છે. હજુ પાંચ-છ મહિના પહેલાં જ એટલે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી મમતા બેનરજી ને કોંગ્રેસ ભાજપ સામે એક થઈને લડવાની વાત કરતાં હતાં. ભાજપ વિરોધી બધા પક્ષોને ભેગા કરીને ભાજપને ભોંયભેગો કરી દેવાની દુહાઈઓ આપતાં હતાં ને બેઠકો પણ કરતાં હતાં. ગસ્ટ મહિનામાં સોનિયા ગાંધીએ ભાજપને પછાડવા માટે વિપક્ષી મોરચો બનાવવા બેઠકમાં બોલાવી ત્યારે વિપક્ષી નેતાઓનાં ધાડાં ઉમટેલાં.
મમતા બેનરજી આ બેઠકનાં પ્રેરણાસ્રોત હતા તેથી એ તો હાજર હોય જ પણ ઉદ્ધવ ઠાકરે, એમ. કે. સ્ટાલિન જેવા ભાજપ વિરોધી પક્ષોના મુખ્યમંત્રીઓ અને શરદ પવાર જેવા વિપક્ષી દિગ્ગજો પણ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સોનિયાએ ભાજપને પછાડવા એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બધા વિપક્ષોએ એકસૂરમાં આ વાતને વધાવી લીધી હતી. તમામ વિપક્ષો એક થઈને ભાજપને ટક્કર આપે તો ભાજપ સામે પડકાર ઊભો કરી શકાય એ મુદ્દે બધાં સહમત હતાં. સૈદ્ધાંતિક રીતે બધાં એ વાતે સહમત પણ થયાં હતાં કે, દેશનાં બધાં રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોએ એક થઈને ભાજપને લડત આપવી જોઈએ. મમતા અને કોંગ્રેસી નેતાઓ એ વખતે એક જ રાગ અલાપતાં હતાં ને એકબીજાના સૂરમાં સૂર પુરાવતાં હતાં.
આ વાત ને હજુ ચાર મહિના પણ થયા નથી ત્યાં મમતા ને કોંગ્રેસીઓ સામસામે આવી ગયાં છે. મમતા અને કોંગ્રેસીઓ વચ્ચે મહેણાં-ટોણાં તો બે મહિના પહેલાંથી જ શરૂ થઈ ગયેલાં. મમતાએ તૃણમૂલ કોંગ્રેસનો ફેલાવો વધારવા માટે કોંગ્રેસના નેતાઓને તોડી તોડીને ભરતી શરૂ કરી ત્યારથી જ કોંગ્રેસીઓ ઊંચાનીચા થવા માંડેલા ને મમતા સામે ચણભણાટ શરૂ થઈ ગયેલો. મમતાની છાવણીમાંથી પણ તેની સામે એ જ ભાષામાં જવાબ અપાતા હતા પણ આ સામસામું વાકયુદ્ધ બહુ ગંભીર નહોતું. ગમે તે કારણોસર બંને છાવણી થોડોક સંયમ રાખીને વર્તતી હતી. મમતા નવેમ્બરમાં દિલ્હી આવ્યાં એ વખતે સોનિયા ગાંધીને ના મળ્યાં તેના કારણે કોંગ્રેસીઓને મરચાં લાગેલાં.
કોંગ્રેસીઓએ કટાક્ષ કરેલો કે, સોનિયાને મળવા જાય તો મોદી નારાજ થઈ જાય તેથી મમતા સોનિયાને ના મળ્યાં. સામે મમતાએ જવાબ આપ્યો કે, સોનિયાને મળવું એ મારી બંધારણીય ફરજ નથી કે દરેક વાર દિલ્હી જાઉં તો સોનિયાને મળવા જાઉં. મમતાના જવાબથી કોંગ્રેસીઓ સમસમી ગયેલા ત્યાં મમતાએ મેઘાલયમાં માજી મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિત કોંગ્રેસના 12 ધારાસભ્યોને તોડ્યા તેમાં કોંગ્રેસીઓ ગાંગરી ગયા. મમતાના આ વારના કારણે બધો સંયમ તૂટી ગયો ને બધી શરમ છોડીને બંને પક્ષ સામસામે આવી ગયા છે. આ ઓછું હોય તેમ મમતાએ મુંબઈમાં પધરામણી દરમિયાન શરદ પવારને મળ્યા પછી કોંગ્રેસને નિશાન બનાવીને બેફામ બેટિંગ કરી નાંખી.
મમતાએ કોંગ્રેસને નિશાન બનાવીને ટોણો માર્યો કે, શરદ પવારે તેમને કહ્યું છે કે હવે યુપીએ જેવું કંઈ છે જ નહીં અને ભાજપનો સામનો કરવા માટે એક મજબૂત વિકલ્પ ઊભો કરવાની જરૂર છે જ. મમતાએ એવું પણ કહ્યું કે, બધા વિપક્ષો એક થાય તો ભાજપને પછાડવો અઘરો નથી. મમતાની વાતથી અકળાયેલા કોંગ્રેસીઓએ મમતા ભાજપનાં દલાલ હોવાની વાતો શરૂ કરી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની પિન કાવતરાં પર અટકેલી છે. મેઘાલયમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું ત્યારે ચૌધરીએ ડહાપણ ડહોળેલું કે, મેઘાલય જ નહીં પણ આખા ઉત્તર-પૂર્વમાં કોંગ્રેસને તોડવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્રના સૂત્રધાર તરીકે મમતા બેનરજીના ખાસ મનાતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને હમણાં જ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લુઈઝિયાનો ફલેરો છે.
ચૌધરીએ તો નરેન્દ્ર મોદીના ઈશારે મમતા બેનરજી આ તોડફોડ કરાવી રહ્યાં હોવાનું પણ આડકતરી રીતે કહેલું.
આ વખતે પણ તેમણે એવી જ વાત કરી છે ને જાહેર કર્યું છે કે, પવાર અને મમતાની બેઠક કોંગ્રેસને નબળી પાડવા માટેના કાવતરાંનો ભાગ હતી. ચૌધરીએ તો મમતા ભાજપનાં ઓક્સિજન સપ્લાયર હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સામે મમતાની છાવણીમાં પણ પ્રહારો થવા માંડ્યા છે. કોંગ્રેસ ભૂતકાળના દિવસોમાંથી બહાર આવે ને કોઈ ભ્રમમાં ના રહે એવી સલાહોનો મારો પણ ચાલુ થઈ ગયો છે. મમતા અને પ્રશાંત કિશોર બંનેએ રાહુલ ગાંધીને નિશાન બનાવીને પ્રહાર કરતાં કોંગ્રેસ પણ જવાબ આપવાના મૂડમાં છે તેથી આ લડાઈ હમણાં નહીં અટકે એ નક્કી છે. આ લડાઈ એ વાતનો પુરાવો છે કે, કોંગ્રેસીઓ હજુય ભ્રમમાં જીવે છે ને તેમનામાં વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત જ નથી.
શરદ પવારે યુપીએ મરી પરવાર્યો છે એવું ખરેખર કહ્યું કે નહીં એ ખબર નથી. મમતાએ પોતાની રીતે પવારના નામે આ ગપ્પું ચલાવ્યું હોય એવું પણ બને પણ આ વાત સો ટકા સાચી છે. કોંગ્રેસની આગેવાનો હેઠળનો મોરચો યુનાઈટેડ્ પીપલ્સ એલાયન્સ (યુપીએ) એક સમયે દેશમાં સૌથી મોટું રાજકીય જોડાણ હતું પણ હવે તેના દાડા ભરાઈ ગયા છે. અત્યારે યુપીએમાં સાવ ફાસફૂસિયા કહેવાય એવા પક્ષો જ છે ને તેમાં કોંગ્રેસ પણ આવી ગઈ. કોંગ્રેસ ઉપરાંત આરજેડી, ડીએમકે, જેએમએમ વગેરે તેના મુખ્ય સભ્યો છે પણ તેમનો પ્રભાવ મર્યાદિત છે. ગણતરીનાં રાજ્યોમાં તેનો પ્રભાવ છે ને આ પ્રભાવ એટલો નથી જ કે, તેમના જોરે કેન્દ્રમાં સરકાર રચી શકે. બીજું એ કે, આ પક્ષો પણ સ્વતંત્ર રીતે વર્તે છે ને વાસ્તવમાં તો ભાજપ વિરોધના કારણે કોંગ્રેસ સાથે છે. રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે.
તમિલનાડુ, ઝારખંડ અને મહારાષ્ટ્ર એ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે. આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ સાવ પાંગળી છે ને સાથી પક્ષોના કારણે અસ્તિત્વ ટકાવીને બેઠી છે. યુપીએનું કોઈ નક્કર માળખું હોય ને કોઈ ચોક્કસ નીતિને બધા અનુસરતા હોય એવું નથી. તેની બેઠકો પણ નિયમિત રીતે મળતી નથી એ જોતાં યુપીએ માત્ર નામ પૂરતું જ રહી ગયું છે. યુપીએ નામશેષ છે કેમ કે કોંગ્રેસમાં સક્ષમ નેતૃત્વ આપવાની ક્ષમતા નથી. અહીં કોંગ્રેસ કહીએ એટલે નહેરુ-ગાંધી ખાનદાન સમજવાનું કેમ કે કોંગ્રેસમાં તેમનું જ રાજ છે. કોંગ્રેસમાં સોનિયા ગાંધી પ્રમુખ છે પણ એ બીમાર હોવાથી પાછલા બારણે તેમનો દીકરો-દીકરી નિર્ણયો લે છે તેથી અસલી નેતૃત્વ રાહુલ અને પ્રિયંકા ગાંધીનું છે. પ્રિયંકા અને રાહુલ ગાંધી બંનેના નેતૃત્વની અક્ષમતા વારંવાર સાબિત થયેલી છે.
છેલ્લે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં નેતૃત્ત્વની અક્ષમતા ફરી છતી થઈ ગઈ. આ સંજોગોમાં યુપીએ સાથે કોઈ નવા પક્ષો આવતા નથી.
યુપીએની વાત છોડો પણ કોંગ્રેસ પોતે એક પક્ષ તરીકે નામશેષ થઈ રહ્યો છે કેમ કે કોંગ્રેસમાં મતદારોને આકર્ષવાની ક્ષમતા જ નથી. કોંગ્રેસની છાપ મુસ્લિમ પાર્ટી તરીકેની થઈ ગઈ હોવાથી હિંદુ મતદારોને તેનામાં રસ પડતો નથી. બીજું એ કે, કોંગ્રેસ પોતાનું શાસન છે એ રાજ્યોમાં પણ કોઈ છાપ છોડી શકી નથી. આ રાજ્યોમાં કોંગ્રેસ એવો કોઈ વિકાસ કરી શકી નથી કે જેના કારણે લોકો તેના પર ઓળઘોળ થઈ જાય. તેથી વિકાસના મુદ્દે પણ કોંગ્રેસ ઝીરો છે.
કોંગ્રેસને ભાજપ વિરોધી મોરચાના નેતા બનવાના અભરખા છે પણ ભાજપ સામે લડવામાં કોંગ્રેસ સૌથી નબળી સાબિત થઈ છે. આ વાત પણ કોંગ્રેસના નેતાઓએ સમજવાની જરૂર છે. ભાજપ કોંગ્રેસના ભોગે તાકાતવર બન્યો છે તેથી કોંગ્રેસ તાકાતવર બનીને ભાજપને હરાવવામાં મોટું યોગદાન આપી શકે પણ કોંગ્રેસ એ કરી શકતતી નથી. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, આસામ વગેરે રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે પણ આ રાજ્યોમાં કોંગ્રેસ ભાજપને પછાડી શકતી નથી.લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોટા ભાગની બેઠકો જીતી જાય છે.
કોંગ્રેસ કમ સે કમ ચાલીસ ટકા બેઠકો જીતે તો પણ ભાજપની સત્તા ના આવે પણ કોંગ્રેસ એ પણ કરી શકતી નથી. આ રાજ્યોમાં લોકસભાની 160 આસપાસ બેઠકો છે ને તેમાંથી કોંગ્રેસ વીસ બેઠકો પણ જીતી શકતી નથી. કોંગ્રેસ આવો શરમજનક દેખાવ કર્યા પછી ભાજપને પછાડવા માટે બનનારા મોરચાની આગેવાની લેવા માગે તેનાથી હાસ્યાસ્પદ વાત બીજી કઈ કહેવાય?