રશિયા-યુક્રેન યુદ્ધના મામલે ભારતે તટસ્થ રહીને અમેરિકાની તરફદારી ના કરી ત્યારથી અમેરિકા ઊંચુંનીચું થયા કરે છે. ભારતે અમેરિકાની દાદાગીરી સામે ઝૂંકવાના બદલે પોતાનાં હિતો જાળવવા માટે તટસ્થ રહેવાનું પસંદ કર્યું તેના કારણે અમેરિકાને ભારે મરચાં લાગેલાં પણ ભારતને જેટલી ગરજ અમેરિકાની છે એટલી જ ગરજ અમેરિકાને ભારતની છે તેથી બોલી શકતું નહોતું. હવે અમેરિકા અસલિયત પર આવ્યું છે ને ભારતને ધમકીઓ જ આપવા માંડ્યું છે. ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ખરીદવાનું નક્કી કર્યું ત્યારે પણ અમેરિકાએ ન્યાયી હોવાનો દેખાવ કરીને એમ કહેલું કે, રશિયા પાસેથી ભારત સસ્તા ભાવે ક્રૂડ ખરીદે તેમાં અમને કંઈ વાંધો નથી કેમ કે ક્રૂડનો વેપાર અમેરિકા તથા તેના સાથી દેશોએ રશિયા પર મૂકેલા પ્રતિબંધોના દાયરામાં નથી આવતો.
ભારતે હવે પોતાનાં હિતો જાળવવા રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ લેવા ઉપરાંત આર્થિક મોરચે પણ સહકાર વધારવા માંડ્યો છે. તેના ભાગરૂપે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારત આવી ગયા એ સાથે જ અમેરિકા તેની જાત પર આવી ગયું છે. લાવરોવ ભારત આવ્યા એ પહેલાં અમેરિકાએ ભારતને ડરાવવાની, ધમકી આપવાની કોશિશ કરેલી. અમેરિકાનાં વ્યાપાર મંત્રી ગિના રાઈમોંડોએ ભારત-રશિયાના વધતા સંબંધોના અહેવાલને “અત્યંત નિરાશાજનક’ ગણાવીને ડહાપણ ડહોળેલું કે, આ સમય યુનાઈટેડ નેશન્સ તથા બીજા સંખ્યાબંધ દેશોની જેમ સત્યને પડખે સાથે ઉભા રહેવાનો છે.
રશિયાના પ્રમુખ પુતિનની લડાઈને આર્થિક મદદ, સહાય કે મદદ કરવાનો નહીં પણ યુક્રેનિયન પ્રજાની આઝાદી, લોકશાહી અને સાર્વભૌમત્ત્વના રક્ષણ માટે લડત આપવાનો આ સમય છે. ગિનાએ સીધા શબ્દોમાં ભારતને રશિયા સાથેના સંબંધો મજબૂત નહીં કરવા ધમકી આપી દીધેલી પણ ભારત તેને ઘોળીને પી ગયું એટલે ભારતે તેને ના ગણકારી એટલે અમેરિકાના પ્રમુખ જો બાઈડને અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહને ભારત મોકલ્યા. દલિપ સિંહે ભારતને સીધી ધમકી આપતાં કહેલું કે, રશિયા પર પ્રતિબંધોને રોકવાનો પ્રયાસ કરનારા દેશોએ તેનાં પરિણામ ભોગવવા પડશે. ચીન લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)નો ભંગ કરીને આક્રમણ કરશે ત્યારે રશિયા ભારતને બચાવવા નહીં આવે. ચીન-રશિયા વચ્ચે હવે “નો લિમિટ્સ પાર્ટનરશિપ’ છે તેથી ચીનના આક્રમણ વખતે રશિયા ફરકશે જ નહીં ને અમેરિકા જ ભારતની મદદ કરશે.
ભારતે આ વાતને પણ કાને ના ધરી એટલે હવે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન કૂદ્યા છે. ઓસ્ટિને બધી શરમ બાજુ પર મૂકીને કહી દીધું છે કે, ભારત લશ્કરી સંરજામ-ઉપકરણો માટે રશિયા પર અવલંબન ઘટાડે એવું અમેરિકા ઈચ્છે છે. રશિયાનાં ઉપકરણોમાં રોકાણ ભારતના ફાયદામાં નથી અને ભારતે અમેરિકા પાસેથી પણ લશ્કરી સામગ્રી ખરીદવી જોઈએ એવું ભારતને સમજાવવા અમેરિકા પ્રયત્નશીલ હોવાનો પણ ઓસ્ટિને દાવો કર્યો. આડકતરી રીતે ઓસ્ટિને ભારતને ધમકી આપી કે, રશિયા સાથે સંબંધ ગાઢ બનાવ્યા તો ખરાબ પરિણામ ભોગવવાં પડશે. ઓસ્ટિને અમેરિકાની સંસદમાં આ નિવેદન આપ્યું છે. અમેરિકાનું આ વલણ એ વાતનો પુરાવો છે કે, અમેરિકાને બીજા કોઈની પડી જ નથી.
અમેરિકાને પોતાનાં હિતોની ચિંતા છે, પોતાનાં આર્થિક ફાયદાની ચિંતા છે, વિશ્ર્વમાં પોતાનો દબદબો જળવાય તેની ચિંતા છે ને એ માટે સાવ બેશરમ બનીને ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશને પણ એ ધમકાવી શકે છે. અમેરિકાની આ માનસિકતા જૂની છે ને તેનું પ્રદર્શન કરવામાં તેને શરમ નથી આવતી ત્યારે ભારતે પણ બધી શરમ બાજુએ મૂકીને યોગ્ય વલણ લીધું છે. ભારત અમેરિકા તથા તેના પીઠ્ઠુ દેશોએ રશિયા પર મૂકેલા પ્રતિબંધોને ઘોળીને પી ગયું છે તેમાં કશું ખોટું નથી કેમ કે ભારતમાં હિતો રશિયા સાથે રહેવામાં છે. અત્યાર સુધી અમેરિકા સામે ઝૂકી જતા ભારતે મર્દાનગી બતાવીને રશિયા સાથેના બધા વ્યવહારો યથાવત્ રાખ્યા યોગ્ય જ છે. ભારત-રશિયા વચ્ચે વરસોથી સંરક્ષણ ક્ષેત્રે સહકાર છે ને ભારતની 70 ટકા જરૂરીયાતો રશિયા પૂરી કરે છે ત્યારે અમેરિકાના કહેવાથી ભારત અચાનક રશિયા પર નિર્ભરતા ઓછી ન જ કરી શકે.
રશિયાએ ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં બેરલ દીઠ 35 ડોલર ઓછા ભાવે ક્રૂડ આપવાની ઓફર કરી છે. ભારતની ક્રુડની જરૂરીયાત બહુ મોટી છે ને આપણી મોટા ભાગની કમાણી ક્રૂડ ખરીદવામાં વપરાય છે ત્યારે ભારત આ ઓફરને પણ ના જ નકારી શકે. રશિયાએ બીજા પણ ઘણા મોરચે ભારતના ફાયદાની વાત કરી છે તેથી ભારત રશિયા ભણી ઢળે તેમાં કશું ખોટું નથી. રશિયા પણ ભારત પર વગર કારણે મહેરબાન નથી. રશિયાના યુક્રેન પરના આક્રમણને પગલે અમેરિકા તથા તેના પીઠ્ઠુ દેશોએ રશિયા પર જાતજાતના પ્રતિબંધ મૂક્યા છે. આ પ્રતિબંધોના કારણે યુરોપના દેશોએ રશિયા સાથેના આર્થિક વ્યવહારો બંધ કરી દીધા છે તેથી રશિયાને ફટકો પડ્યો છે. ભારત સાથે સંબંધો વધારીને રશિયા આ નુકસાન સરભર કરવા માગે છે. નવા સંજોગોમાં ભારત અને રશિયા વચ્ચે ક્રૂડનો વેપાર વધ્યો છે.
રશિયા આ આર્થિક સહકારને આગળ ધપાવવા માગે છે કેમ કે ભારત પાસે બહું મોટું બજાર છે. ભારત-રશિયા સંબંધો મજબૂત બને તો રશિયાને બહુ આર્થિક તકલીફ ના પડે. બીજા દેશો પણ ભારતનું જોઈ જોઈને રશિયા સાથે આર્થિક વ્યવહારો વધારે. તેના કારણે અમેરિકા તથા તેના પીઠ્ઠુ દેશોએ રશિયા પર મૂકેલા પ્રતિબંધોનો કોઈ અર્થ ના રહે. રશિયા પણ એ રીતે પોતાનાં હિતો સાચવવા વર્તી રહ્યું છે પણ અમેરિકાની જેમ સાવ સ્વાર્થી બનીને પોતાનાં જ હિતો નથી વિચારી રહ્યું. ભારતનો પણ ફાયદો વિચારી રહ્યું છે તેથી રશિયા સાથેનો સોદો પરસ્પર ફાયદાનો છે. મોદી શાસનમાં આંતરરાષ્ટ્રીયસ્તરે ભારત અગાઉની સરખામણીમાં વધારે મજબૂત થયું છે. મોદી તેનો ફાયદો લઈને અમેરિકાને તાબે નથી થતા એ બરાબર જ છે. આ જ મિજાજ મોદી સરકારે જાળવી રાખવો જોઈએ. રશિયા સાથેના સંબધો ભારતના ફાયદામાં છે તેથી અમેરિકા ગમે તે કરે કે કહે પણ ભારતે ઝૂકવું ન જોઈએ.