મોદી સરકાર ને આ ખેડૂતો વચ્ચે હજુય સમાધાન બહુ છેટું લાગે છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાના મુદ્દે કોકડું ગૂંચવાતું જાય છે ને ખેડૂતો જે રીતે આર યા પારની લડાઈના મૂડમાં છે એ જોતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ નક્કી લાગે છે. ખેડૂત સંગઠનો કાયદા રદ કરાવવાનું પૂંછડું ઝાલીને બેસી ગયા છે ને મોદી સરકાર કાયદા રદ નહી કરવાની મમતે ચડી છે. બંનેમાંથી કોઈ ઝાલેલું છોડવા તૈયાર નથી તેમાં વાત વટે ચડી છે. ખેડૂત સંગઠનો અને કેન્દ્ર વચ્ચે મંત્રણા ચાલે છે પણ તેમાં કશો નિવેડો આવતો નથી. ખેડૂત સંગઠનોએ કહી દીધું છે કે, પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬ જાન્યુઆરી સુધીમાં મોદી સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય નહીં લે તો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડને સમાંતર ટ્રેક્ટર રેલીનું આયોજન કરીશું.

ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ દરમિયાનગીરી કરેલી પણ ખેડૂતોના તેવર જોઈને સુપ્રીમ કોર્ટે પણ હાથ અધ્ધર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે એક હકારાત્મક પગલું ભરીને ત્રણેય કૃષિ કાયદાના અમલ પર મનાઈહુકમ ફરમાવીને કૃષિ નિષ્ણાતોની સમિતિ બનાવી તેના કારણે આ ડખાનો અંત આવશે એવી આશા ઊભી થયેલી. ખેડૂત સંગઠનો સાથે મંત્રણા માટે નિમાયેલી સમિતિમાં સુપ્રીમ કોર્ટે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જિતેન્દરસિંહ માન, જાણીતા કૃષિ અને અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, મહારાષ્ટ્રના શિવકેરી સંગઠનના અનિલ ધનવત અને ઈન્ટરનેશલ ફૂડ પોલિસી ઈન્સ્ટિટ્યૂટના ડો. પ્રમોદ કુમાર જોશીની નિમણૂક કરેલી ને તેમને તાબડતોબ ખેડૂતો સાથે વાત કરવા પણ કહી દીધેલું.

જો કે ખેડૂત સંગઠનોએ આ સમિતી સામે હાજર થવાનો ઈનકાર કરી દીધો તેમાં એ વાતનું એ જ દિવસે સુરસુરિયું થઈ ગયેલું. બાકી હતું તે સમિતિના સભ્ય જિતેન્દર માન પણ ખસી ગયા તેમાં હવે આ સમિતિ શોભાના ગાંઠિયા જેવી રહી ગઈ છે. આ સમિતિ ખેડૂતો સાથે બેઠક તો કરવાની છે પણ મોટા ભાગનાં સંગઠનો તેને મળવાનાં નથી તેથી એ બેઠકોનો અર્થ નથી. સુપ્રીમ કોર્ટ પોતે બનાવેલી સમિતિનો એક પણ બેઠક વિના વીંટો વળી જાય એમાં તેની આબરૂ ને ગૌરવ બંને ન સચવાય એટલે સુપ્રીમ કોર્ટે સમિતિને વિખેરી નથી પણ સુપ્રીમ કોર્ટ સમજી ગઈ છે કે આ વાતમાં પડવા જેવું નથી તેથી પ્રજાસત્તાક દિનની ટ્રેક્ટર રેલીના મામલે સુપ્રીમ કોર્ટે પણ હાથ અધ્ધર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં આ રેલી રોકવા પણ અરજીઓ થયેલી પણ સુપ્રીમ કોર્ટ હવે તેમાં પડવા જ નથી માગતી. સુપ્રીમ કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, આ મામલો કાયદો અને વ્યવસ્થાનો છે તેથી દિલ્હી પોલીસે જે કરવું હોય એ કરે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રેલીને રોકવા અરજી કરેલી પણ સુપ્રીમનું વલણ જોયા પછી મોદી સરકારે પણ અરજી પાછી ખેંચીને દિલ્હી પોલીસ પર બધું છોડી દીધું છે.

કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે મંત્રણા હજુ ચાલુ છે પણ કશો નિવેડો આવે એવું લાગતું નથી. બુધવારે મંત્રણાનો વધુ એક રાઉન્ડ થયો પણ તેમાં પણ અગાઉની જેમ કશો ભલી વાર આવ્યો નથી. ખેડૂત સંગઠનોએ કાયદા રદ કરાવવાનું પૂંછડું ના છોડ્યું ને મોદી સરકાર કાયદા રદ નહી કરવાની મમત ન ત્યાગી તેમાં વાત ઠેરની ઠેર છે. આ જ સ્થિતિ જ્યારે પણ મંત્રણા થશે ત્યારે થશે જ. બંનેમાંથી કોઈ એક પક્ષ નમતું ન જોખે ત્યાં સુધી વાતનો નિવેડો ના જ આવે. આ રીતે મંત્રણાના દસ નહીં પણ દસ હજાર રાઉન્ડ થાય તોય કોઈ ફરક ન પડે. અત્યારે બંને પક્ષમાંથી કોઈ નમવા તૈયાર નથી તેથી કોઈ ઉકેલ દેખાતો નથી ને પ્રજાસત્તાક દિને શક્તિ પ્રદર્શન માટેની યુદ્ધરેખા અંકાઈ ગઈ હોય એવું લાગે છે.

મોદી સરકાર હવે શું કરશે એ ખબર નથી પણ ખેડૂતો પ્રજાસત્તાક દિનની પરેડને સમાંતર ટ્રેક્ટર રેલી કાઢવાની વાત પર અડેલા રહે તો મોદી સરકાર માટે નવી ઉપાધિ થાય. મોદી સરકારે ખેડૂતો સામે ઓછા દાવ નથી કર્યા. ખેડૂતોને હંફાવી દેવા તેમણે જાતજાતના ધખારા કરી જોયા છે ને બળપ્રયોગ પણ કરી જોયો છે. આ આંદોલન પંજાબ ને હરિયાણામાં શરૂ થયેલું. તેમાંથી પંજાબમાં કૉંગ્રેસની સરકાર છે તેથી ત્યાં તો મોદી સરકાર કશું કરી ન શકે કેમ કે કેપ્ટન અમરિન્દરસિંહે પહેલા જ ખેડૂત આંદોલનને ટેકો આપી દીધેલો. કેપ્ટને ખેડૂત આંદોલનને ભડકાવવામાં પૂરી તાકાત લગાવી છે પણ હરિયાણામાં ખેડૂતોને દબાવી દેવા માટે ભાજપની મનોહરલાલ ખટ્ટર સરકારે જાત જાતના દાવ કરેલા. ખેડૂતો પર લાઠીચાર્જ ને વોટર કેનનો મારો પણ ચલાવેલો. ખેડૂતો દિલ્હી લગી ન પહોંચે એ માટે પણ જાતજાતના ઉધામા કરેલા પણ પણ ખેડૂતો મક્કમ નિકળ્યા.

હરિયાણા પોલીસના અત્યાચારો સામે ઝીંક ઝીલીને ટકી ગયા. વેરાઈ જવાની વાત તો છોડો પણ ઊલટાના વધારે ને વધારે ખેડૂતો ખડકાતા ગયા ને છેવટે દિલ્હી સરહદે પણ પહોંચી ગયા. આ કારણે મોદી સરકાર ખેડૂતો સામે બળપ્રયોગ કરવાના મૂડમાં નથી. ખેડૂતો જંગી પ્રમાણમાં ખડકાઈ ગયા તેના કારણે મોદી સરકારનું બ્લડ પ્રેશર વધી ગયું છે. ખેડૂતોએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢીને પ્રજાસત્તાક દિનની પરેડમાં જોડાવાનું એલાન કરી દીધું. તેમાં મોદી સરકાર એ વાત પણ સાચી છે પણ મોદી સરકાર બળપ્રયોગ કરે એવી શક્યતા નથી. આ કારણે જ તેણે ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી પણ સુપ્રીમ કોર્ટે હાથ અધ્ધર કરી દીધા તેથી હવે મોદી સરકાર પાસે બળપ્રયોગ કરવા સિવાય બીજો વિકલ્પ બચ્યો નથી.

ખેડૂતોના તેવર જોતાં એ મચક આપે એવી શક્યતા નથી. મોદી સરકારને પહેલાં એમ હતું કે ખેડૂતો બે-ચાર દાડા ને બહુ બહુ તો પંદર દાડા ધામા નાંખીને પડ્યા રહેશે ને પછી હારીને જતા રહેશે. તેના કારણે શરૂઆતમાં મોદી સરકારે ભાવ ના આપ્યો પણ હવે ખેડૂતો બરાબરના જામી ગયા છે. ખેડૂતો દિલ્હી સરહદે દોઢ મહિના કરતાં વધારે સમયથી ધામા નાંખીને પડ્યા છે ને જવાનું નામ જ લેતા નથી. કૃષિ કાયદો નાબૂદ ન થાય ત્યાં લગી દિલ્હી સરહદેથી ચસકીશું નહીં એવું એલાન આ સંગઠનોએ કરી જ દીધું છે. રાકેશ ટિકૈત સહિતના નેતાઓ તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લગી દિલ્હીમાં જ રહેવાની વાત કરે છે. અત્યારે દિલ્હીની આસપાસ જોરદાર ઠંડી પડે છે પણ ખેડૂતો તમામ પ્રકારની માનસિક તૈયારી કરીને જ આવ્યા છે તેથી ચસકતા નથી. આ સંજોગોમાં તેમને સીધી રીતે કાઢી શકાય તેમ જ નથી. બીજી તરફ પ્રજાસત્તાક દિને ખેડૂતો દિલ્હીમાં ઘૂસી જાય તો સરકારની આબરૂનો કચરો થઈ જાય. ખેડૂતોની સંખ્યા જોતાં પોલીસ તો છોડો પણ આર્મી ઉતારો તો પણ રોકી ના શકાય તેથી મોદી સરકાર બરાબર ભેરવાઈ ગઈ છે ને ખેડૂતોને રોકવા બળપ્રયોગ કરવો જ પડે એમ છે.

મોદી સરકાર ખેડૂતો પર બળપ્રયોગ કરવા જાય તો તેમાં રાજકીય નુકસાનનો ખતરો છે. મોદી સરકાર ને ભાજપના મોવડીઓ ભલે એમ કહેતા હોય કે મુઠ્ઠીભર ખેડૂતો જ કૃષિ કાયદાનો વિરોધ કરે છે પણ અંદરખાને તેમને પણ ખબર છે કે આ મુઠ્ઠીભર લાગતા ખેડૂતો તો પ્રતિનિધિ છે ને તેમને બીજા ખેડૂતોનો ટેકો છે જ. તેમને કશું કરીશું તો ખેડૂતો ભડકશે જ તેથી બળપ્રયોગ કરવામાં પણ ખચકાય તો છે જ. ટૂંકમાં મોદી સરકારે સાપ પણ મરી જાય ને લાઠી પણ તૂટી ન જાય એવો રસ્તો શોધવો પડે. ખેડૂતો પણ માની જાય ને સરકારની આબરૂનો ધજાગરો ન થાય એવા માર્ગ કાઢવો પડે. મોદી સરકાર આ રસ્તો કઈ રીતે કાઢે છે એ જોવાનું રહે છે.