મ્યાનમારમાં લોકશાહીના કબૂતરો ફરી લશ્કરની એડી તળે ફફડવા લાગ્યા છે

દુનિયામાં લોકશાહીના છોડને ઉછેરી વટવૃક્ષ બનાવવાનું કાર્ય જરા પણ સહેલું નથી. ભારતની પડોશના રાષ્ટ્ર મ્યાંમાર અથવા બર્મા કે બ્રહ્મદેશમાં લોકશાહીની કૂંપળોને કચડી નાખી સેનાએ સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે. વિશ્વભરમાં આ સૈન્ય બળવાની ભારે ટીકા થઈ છે કારણકે પાંચ દાયકા લાંબા લશ્કરી શાસન પછી ૨૦૧૦માં જ લોકશાહીની સ્થાપના થઇ શકી હતી. એક દાયકામાં જ સૈન્ય દ્વારા સત્તાપલટો થતાં મ્યાંમારમાં ફરી અશાંતિની જવાળાઓ ભભૂકતી થાય તેવી આશંકા અસ્થાને નથી. મ્યાંમારના સન્માનીય અને લોકશાહીવાદી નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિન્ટ સહિત નેતાઓની ધરપકડના પગલે દેશમાં એક વર્ષની કટોકટી પણ લાદી દેવાઈ છે.
આંગ સાન સૂ ચી અને નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD) પાર્ટી વર્ષ ૨૦૧૫માં મ્યાંમારના સૌથી સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન બાદ સત્તામાં આવ્યાં હતાં.

સૂ ચી સરકાર સામે રોહિંગ્યા મુસ્લિમોના નરસંહારના આરોપો છતાં, ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં આંગ સાન સૂ ચી ની NLD પાર્ટીને ૮૦ ટકા મત મળ્યાં તે વિવાદનું કારણ બની ગયું છે. સંસદનું નવું સત્ર મળે તેના ગણતરીના કલાકો પહેલા જ સૂ ચી તેમજ અન્ય રાજનેતાઓની ધરપકડ કરાઈ હતી. કોઈ પણ દેશ હોય, એક વખત લશ્કરી જનરલો સત્તા હાંસલ કરે પછી તેમની સ્થિતિ ‘લોહી ચાખેલા વાઘ’ જેવી થઈ જાય છે. દેશમાં લોકશાહી શાસન સ્થપાય તે પછી પણ તેમના હાથ સળવળતા રહે છે. ભારતથી અલગ પડેલા પાકિસ્તાનનું ઉદાહરણ આપણી નજર સમક્ષ છે. મ્યાંમારમાં વિશિષ્ઠ રાજકીય ખેલ ખેલાય છે. દેશના બંધારણ અનુસાર સેના રાજકીય પક્ષની ભૂમિકા પણ ભજવે છે અને સંસદની ચોથા ભાગની બેઠકો તેની પાસે રહે છે.

એટલું જ નહિ, દેશના સૌથી શક્તિશાળી મંત્રાલયોને નિયંત્રિત કરવાની સત્તા પણ સેના ધરાવે છે. સૂ ચીની તરફેણમાં ધરખમ મતદાન પછી સેના સમર્થિત વિપક્ષી પાર્ટીએ લશ્કરી જનરલોના ઈશારે ચૂંટણીમાં ભારે ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપોનું નાટક કર્યું અને સેનાએ સત્તાપલટો કરી નાખ્યો. અહીં પ્રશ્ન એ થાય છે કે સંસદમાં લશ્કરનો દબદબો જરા પણ ઘટવાનો ન હતો છતાં, બળવો કેમ કરાયો? કોઈ પણ પક્ષની સરકાર આવે સેનાની મરજી વિના ત્યાં કોઈ કામગીરી થઈ શકતી નથી કારણકે મહત્ત્વના મંત્રાલયો પર સેનાનો કબજો રહે છે. આ બળવા પાછળ સેનાના રાજકીય રીતે પ્રભાવશાળી જનરલ મિન ઓન્ગ હાઇંગનો હાથ છે. તેઓ જુલાઇમાં નિવૃત્ત થવાના હતાં પરંતુ, સત્તાપલટા સાથે તેમનો દબદબો વધી ગયો છે.

મ્યાંમાર સાથે ભારત અને ભારતીયોનો સંબંધ વિશિષ્ટ છે. મ્યાંમારમાં ૧૦ લાખ જેટલા ભારતીયો વસે છે અને તેમાંથી અડધોઅડધ તો ગુજરાતી છે. ગુજરાતીઓએ ઈસ્ટ આફ્રિકામાં સ્થળાંતર કરવા ઉપરાંત, ત્યારના બ્રહ્મદેશ તરફ પણ નજર દોડાવી હતી. ભારતે મ્યાંમારમાં લોકશાહીના ભાવિ અને કાયદાના શાસન વિશે ચિંતા વ્યક્ત કરી છે તે યોગ્ય જ છે. અટકાયતમાં રખાયેલા આંગ સાન સૂ ચી અને અન્ય લોકશાહીવાદી નેતાઓ સાથે નૈતિક એકતા દર્શાવવી આવશ્યક છે. મ્યાંમાર તેમજ કોઈ પણ દેશમાં રાજકીય સ્થિરતા, આંતરિક સુરક્ષા અને ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે લોકશાહી મોડેલ જ યોગ્ય ગણાવી શકાય. આથી જ ભારતે મ્યાંમારને આર્થિક સહાય અને ક્ષમતાનિર્માણ પ્રોજેક્ટમાં ભારે મદદ આપી લોકશાહીની જાળવણીને મહત્ત્વ આપ્યું છે. ભારત માટે મ્યાંમાર અત્યારે ચિંતાનો વિષય બની શકે તેમ છે કારણકે લશ્કરી જનરલો ચીનના હાથમાં પ્યાદા બની જાય તેવી શક્યતા વધુ છે. મ્યાંમારમાં લશ્કરી જનરલો તો રહેવાના જ છે તે સમજી તેમને ભારતની ચિંતાની સમજ આપવી અને ધીરે ધીરે લોકશાહીની પુનઃસ્થાપના તરફ આગળ વધવાની પ્રેરણા આપવી જરુરી છે.

મ્યાનમારમાં સેનાના તખતાપલટાની કાર્યવાહી સામે વિરોધ કરી રહેલાં 20 વર્ષીય મહિલા પ્રદર્શનકારી મ્યા થ્વે થ્વે ખાઇંગનું માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. આ સાથે જ તેઓ મ્યાનમારની સેના સામે ચાલી રહેલા વિરોધપ્રદર્શનમાં માર્યા જનારી પ્રથમ વ્યક્તિ બન્યાં છે. નોંધનીય છે કે મ્યા પાછલા અઠવાડિયે પ્રદર્શનકારીઓ સામે કરાયેલી પોલીસકાર્યવાહીમાં ઘાયલ થયાં હતાં. પ્રદર્શનકારીઓના એક જૂથે કહ્યું કે તેમને થયેલ ઈજા જીવિત ગોળાબારૂદથી થયેલ ઈજાને મળતી આવતી હતી.
પાછલા અમુક દિવસોથી મ્યાનમારમાં સેના દ્વારા દેશની ચૂંટાયેલી સરકારના તખતાપલટાની કાર્યવાહી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓ સેનાની કાર્યવાહી સામે પોતાનો વિરોધ રજૂ કરવા માટે ઘણા દિવસોથી મ્યાનમારની સડકો પર પ્રદર્શન કરી રહ્યા છે.

આ મહિનાની શરૂઆતમાં એટલે કે એક ફેબ્રુઆરીના રોજ સોમવારે મ્યાનમારની સેનાએ દેશમાં તખતાપલટો કર્યો હતો. જેના બે દિવસ બાદ મ્યાનમારની પોલીસે મ્યાનમારનાં ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ ચી સહિત તેમના પક્ષની અન્ય મોટી રાજકીય હસ્તીઓની પણ ધરપકડ કરી હતી. પાટનગર નાય પાઇ તૉની એક હૉસ્પિટલે સ્થાનિક સમયાનુસાર મ્યાનું મૃત્યુ 11 વાગ્યે થયું હોવાનુ જણાવ્યું હતું. તેમના પરિવારે જાણકારી આપી હતી કે રવિવારે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આંદોલનકારીઓ કહે છે કે “અમે ન્યાય ઝઝૂમીશું અને આગળ વધીશું.” સ્થાનિક તંત્રે કહ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરશે. તેમને ઈજાગ્રસ્ત થયા બાદ નવ ફેબ્રુઆરીથી હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. એક મેડિકલ ઑફિસરે મ્યાની પરિસ્થિતિ વિશે બીબીસી બર્મીસ સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમના માથા પર ગંભીર ઈજા હતી.મ્યાના પરિવારજનો આંગ સાન સૂ ચીના પક્ષ નૅશનલ લીગ ફૉર ડૅમોક્રેસી (NLD)ના સમર્થકો છે.

મ્યાના ભાઈએ જણાવ્યું કે નવેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મ્યાએ પ્રથમ વખત મત આપ્યો હતો. જેમાં NLDનો ભવ્ય વિજય થયો હતો. મ્યા થ્વે થ્વે ખાઇંગનાં બહેન મ્યા થા તૉ ન્વેએ શુક્રવારે મ્યા થ્વે થ્વેના મૃત્યુની જાહેરાત બાદ રિપોર્ટરોને કહ્યું કે, હું બધા નાગરિકોને પ્રેરવા માગું છું કે તેઓ જ્યાં સુધી આપણને આ સિસ્ટિમથી મુક્તિ ન મળે ત્યાં સુધી વિરોધપ્રદર્શનનો ભાગ બને.  ગત નવેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આંગ સાન સૂ ચીના પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસીને ભારે અંતરથી જીત મળી હતી. પરંતુ સેનાએ આ ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ હોવાનો આરોપ કર્યો હતો. અને આ માન્યતાને પગલે મ્યાનમારની સેનાએ એક ફેબ્રુઆરીના રોજ તખતાપલટાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સેનાની આ કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી જ્યારે સ્થાનિક સ્તરે પણ સેનાએ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. આંગ સાન સૂ ચીના પક્ષના સમર્થકો તેમના નેતાઓને છોડાવવા માટે મ્યાનમારના પાટનગર સહિત ઘણાં શહેરોમાં પ્રદર્શનો કરી રહ્યા છે. સેના દ્વારા વિરોધને દબાવવા માટે પણ સેનાનો વિરોદ કરવા બદલ 20 વર્ષની કેદની કઠોર જોગવાઈ કરી છે. આંગ સાન સૂ ચીના પક્ષના સમર્થકોનાં પ્રદર્શનો રોકવા માટે દેશના રસ્તાઓ પર ઠેરઠેર બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દેવાઈ છે. મ્યાનમારની સેના દ્વારા એક વર્ષના સમય સુધી દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે.
તેમજ તમામ સત્તા કમાન્ડર ઇન ચીફ મિન આંગ હ્લાઇંગને સોંપવામાં આવી છે. ત્રણ ફેબ્રુઆરીથી મ્યાનમારનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી પોતાના જ ઘરમાં બંધ છે. તેમના પર ગેરકાયદેસર વૉકી-ટૉકી રાખવાનો અને દેશના કુદરતી આપદા કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

પ્રદર્શનકારીઓ તેમને અને એન એલ ડીના અન્ય નેતાઓને છોડી મૂકવાની માગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ 2007માં જ્યારે દેશના સૈન્ય શાસન વિરુદ્ધ દેશના હજારો સાધુઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, તે કહેવાતી ભગવી ક્રાંતિ બાદ આ દેશમાં પ્રથમ વાર આટલાં મોટાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ઘણાં સ્થળોએ પ્રદર્શનકારીઓ સુરક્ષાદળના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સેનાએ ઇન્ટરનેટની સેવા પણ બંધ કરાવી દીધી હતી.