ગઈકાલે ભારતીય જનતાપક્ષના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ અને આજે બીજી યાદી પછી ચિત્ર સ્પષ્ટ થતાં જ હવે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચાર વેગીલો બનશે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ બીજી યાદી જાહેર કર્યા પછી હવે ચોક્કસ રણનીતિ મુજબ પ્રચાર આગળ વધશે.. આમ આદમી પાર્ટીએ તો તબક્કાવાર ઉમેદવારો મોટાભાગે પહેલેથી જ નક્કી કરીને પ્રચાર આરંભી દીધો છે, તેથી ગુજરાતનો આ ત્રિપાંખિયો જંગ હવે વાસ્તવમાં જમાવટ કરશે, ગુજરાતમાં પહેલા તબક્કાના પહેલી ડિસેમ્બરના મતદાનમાં જ સૌરાષ્ટ્ર-કચ્છ આવી જતું હોવાથી ઉમેદવારો તથા પાર્ટીઓને ૩૦ મી નવેમ્બર સુધીનો જ સમય મતદારોને આકર્ષવા માટે મળવાનો હોવાથી હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની આંધી ફુંકાશે અને રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં ધામા નાંખશે, તો સ્ટાર પ્રચારકોની રેલીઓ, રોડ-શો અને સભાઓ ગુંજશે.
મતદારો પણ મીડિયા, સોશ્યલ મીડિયા, અખબારો ઉપરાંત પ્રત્યક્ષ ચર્ચાઓ અને કર્ણોપકર્ણ અભિપ્રાયોની આપ-લે કરીને જનાદેશ આપશે. આમ હવે ઉમેદવારીપત્રો ભરાઈ જાય, તેની ચકાસણી થઈ જાય, પાછા ખેંચાય જાય તે પછી માંડ એકાદ પખવાડિયાનો સમય બચશે, અને તે દરમિયાન રાજકીયપક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મતદારોના મન જીતવા પડશે, તો ચૂંટણીપંચ પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેના તટસ્થ પ્રયાસો કરશે. આમ તો ગુજરાતમાં ચૂંટણીઓ મોટાભાગે શાંતિપૂર્વક જ થતી રહી છે અને કેટલાક અપવાદો સિવાય હિંસક કે અનિચ્છિનિય ઘટનાઓ બહુ બનતી હોતી નથી. છતાં પણ ચૂંટણીપંચે પોલીસતંત્ર ઉપરાંત કેટલાક પુરક સુરક્ષાદળો અને અર્ધ સુરક્ષા બળોની પણ વ્યવસ્થા કરી છે.
આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઈશુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડવાના અહેવાલો વહેતા થયા હતા, પરંતુ બપોર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. જો એવું થશે તો સૌરાષ્ટમાં હાલાર ચૂંટણીનું એ.પી. સેન્ટર બનશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાથી આ વખતે ત્રિપાંખિયો જંગ થશે, તેમ કહી શકાય, પરંતુ હકીકતે બહુપાંખિયો જંગ હશે, કારણ કે આ વખતે એઆઈએમઆઈએમ, એનસીપી, સપા-બસપા, બીટીપી, જેડીયુ સહિતના અન્ય રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો પણ મેદાનમાં હશે. તે ઉપરાંત આ વખતે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ટિકિટવાંચ્છુઓને ટિકિટ મળી ન હોય, તેવા મધુશ્રીવાસ્તવ અને દિનેશ પટેલ જેવા બળવાખોરો અપક્ષ તરીકે પણ ઝંપલાવવાના હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા હોવાથી મુકાબલો બહુપાંખિયો થવાનો છે. છતાં જેમને ટિકિટ નથી મળી જવા લોકો અંગે સૌરાષ્ટ્રમાં અટકળોની આંધી ચાલુ છે.
મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ હોવા છતાં અન્ય પક્ષો તથા અપક્ષોની ઉમેદવારી તથા બળવાખોરીના કારણે ચૂંટણીજંગ વધુ રોમાંચક અને રસાકસીભર્યો બનશે, તે ઉપરાંત આ વખતે પણ ‘નોટા’માં મતદાન કરીને કોઈપણ ઉમેદવાર કે પાર્ટીને પસંદ નહીં કરનાર મતદારોનું મતદાન પણ કેટલીક હારજીતમાં કારણભૂત બની શકે તેમ છે. બહુપાંખિયો જંગ કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન કરાવશે, તેના ગણિત પણ મંડાઈ રહ્યા છે અને હવે ઉમેદવારીપત્રો ભરવા ઉપરાંત પાછા ખેંચવાની અલગ જ રણનીતિઓ પણ બનતી હોવાથી તેની ગણતરીઓ પણ થઈ રહી છે. ઘણી વખત ઉમેદવારો પોતે જીતવા માટે નહીં પણ કોઈને હરાવવા માટે પણ ચૂંટણીજંગમાં ઝંપલાવતા હોય છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને ?
અર્બુદા સેનાના ટેકાથી વિપુલ ચૌધરી ‘આપ’માંથી ઝંપલાવશે અને મધુશ્રીવાસ્તવ અપક્ષ લડશે, તેમજ હકુભાને લઈને પણ અટકળો પછી આજે ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. હાલારની વાત કરીએ તો ગઈકાલે ખંભાળીયાની બેઠક પર ત્રણેય પાર્ટીના ઉમેદવારો કોણ હશે, તેની જ વ્યાપક ચર્ચા થતી રહી હતી અને અનુમાનો, અટકળો સાથે અભિપ્રાયોની આંધી ફૂંકાઈ રહી હતી, તો બીજી તરફ ભાજપના રિપિટ થયેલા ઉમેદવારો તેમજ જ્યાં અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો છે, તે બેઠકો પર ભાજપના ઉમેદવારો તથા ‘આપ’ની ભૂમિકાની ચર્ચા પણ થઈ રહી હતી. આજે જે કાંઈ નવા સમીકરણો બની રહ્યા છે, તે જોતા હાલારમાં થનારા મુકાબલા પર સમગ્ર રાજ્યની નજર રહેવાની છે, તેમ જ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી માટે પણ હાલારના મતદારોની ભૂમિકા મહત્ત્વની બનવાની છે.
જામનગરમાં તો ગઈકાલે ‘હકુભા’ હવે શું કરશે ? તેવા પ્રશ્નોના જવાબો પણ અપાઈ રહ્યા હતા અને અટકળોનું બજાર ગરમ બની ગયું હતું, ભારતીય જનતા પક્ષે હકુભાની ટિકિટ કાપી છે અને રિવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા પછી રાજકીય સમીકરણો બદલાયા અને ચૂંટણી પ્રચારમાં ચર્ચાના વિષયો પણ બદલાયા હતાં, તે પછી આજે જે કાંઈ ઘટનાક્રમ સર્જાયો છે, તે આપણી સામે જ છે. જામનગર ગ્રામ્યમાંથી તો રાઘવજીભાઈ રિપિટ થયા પરંતુ જામનગર દક્ષિણમાં દિવ્યેશભાઈ અકબરીને મેદાનમાં ઉતારીને ભારતીય જનતા પક્ષે નવો ચહેરો આપ્યો છે, અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુની સ્વૈચ્છિક ‘અનિચ્છા’ પછી તેના સ્થાને અકબરીનો મુકાબલો હવે કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારો સાથે થવાનો છે, ત્યારે આ બેઠકો પર પણ સમીકરણો બદલાઈ જશે.
ખંભાળીયામાં કોંગ્રેસે વિક્રમભાઈ માડમને રિપિટ કર્યા અને તે ઉપરાંત રાજ્યના ઘણાં સ્થળે વર્તમાન ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે ગત ચૂંટણીમાં પરાજય થયો હોય તેવા કેટલાક કોંગી નેતાઓ પણ મેદાનમાં ઉતરવાના છે. બીજી તરફ કોંગ્રેસે ઘણાં નવા ચહેરાઓને પણ તક આપી છે, મોડી રાત્રે કોંગ્રેસે ૪૬ ઉમેદવારોની યાદી જાહેર કરી, તેમાં જ રપ જેટલા નવા ચહેરાઓ છે. કોંગ્રેસે કાલાવડ, જામજોધપુર અને ખંભાળીયામાં સિટિંગ એમએલએ પુનઃ ટિકિટ ફાળવી છે, તો જામનગર દક્ષિણમાં મનોજભાઈ કથિરિયાને તક આપી છે. જ્યારે વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રના અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજાને પહેલી યાદીમાં જ ઉમેદવાર જાહેર કરાયા હતાં.
હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે અને બન્ને મુખ્યપક્ષોએ જૂના અને નવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં ‘આપ’ દ્વારા પણ કેટલીક બેઠકો પર ધૂરંધરોને મેદાનમાં ઉતારાયા છે, તો વિપુલ ચૌધરી જેવા કેટલાક અસંતુષ્ટોએ પણ કયાંક અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તો કયાંક ‘આપ’ માંથી ઝંપલાવ્યું છે, હવે ચૂંટણી પ્રચારનો જંગ જામશે, અને ફરીથી સર્વેક્ષણો અને ઓપિનિયન પોલનો ઝંઝાવાત જોવા મળશે.