અંતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પોષનારા વિલનોમાંથી એક યાસીન મલિકને આજીવન કારાવાસની સજા થઈ ગઈ. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ટેરર ફંડિંગ કેસ એટલે કે આતંકવાદને ભડકાવવા માટે આર્થિક મદદ કરવાના કેસમાં મલિકને આજીવન કેદની સજા ફટકારી દીધી. મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચૂકી હતી તેથી તેને સજા થવાની નક્કી હતી પણ શું સજા થાય છે એ મહત્ત્વનું હતું. એનઆઈએએ મલિકને ફાંસીની સજા કરવાની માગણી કરેલી પણ કોર્ટે એ માગણી ના સ્વીકારી. અલબત્ત મલિકને ડબલ જનમટીપ થઈ છે એ જોતાં એ હવે જેલની બહાર આવે એવી શક્યતા નથી.
મલિકની સજાથી લોકો ખુશ છે. ઘણાંને લાગે છે કે, દેર આયે દુરસ્ત આયે. મોડે મોડે પણ મલિકને સજા કરીને તેનાં કુકર્મોનું ફળ તેને મળ્યું છે કેમ કે તેની બાકીની જીંદગી હવે જેલમાં જ જશે. મનને મનાવવા માટે આ વાત સારી છે પણ વાસ્તવિકરીતે આ સજાનો બહુ અર્થ નથી કેમ કે મલિક અત્યાર સુધીમાં કરવું હતું એટલું નુકસાન કરી જ ચૂક્યો છે. મલિક આણિ મંડળી કાશ્મીરમાં આતંકવાદનાં મૂળિયાં એટલાં ઊંડાં કરી ચૂકી છે કે, કાશ્મીરમાંથી કદી આતંકવાદ ખતમ થશે એવી આશા જ દેખાતી નથી. કાશ્મીરમાં લગભગ બધું ખતમ થયા પછી મલિકને સજા થાય તેનો મતલબ નથી.
કમનસીબી એ કહેવાય કે, મલિકને તો મોડે મોડે પણ સજા થઈ પણ મલિક સાથે મળીને જેમણે કાશ્મીરને આતંકવાદની આગમાં હોમવામાં સૌથી મોટું યોગદાન આપ્યું એવા બીજા હરામખોરોને તો આપણે કશું કરી શક્યા નથી. કાશ્મીરમાં હિંદુઓ સામે મુસ્લિમોના માનસમાં ભરપૂર ઝેર રેડીને કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડવામાં જે કટ્ટરવાદી ત્રિપુટીઓ મોટી ભૂમિકા ભજવી તેમાં યાસીન મલિક એક હતો. મલિક ઉપરાંત સૈયદ સલાહુદ્દીન અને હઝરત અલી શાહ ગિલાની આ ત્રિપુટીનાં બીજાં બે પાત્ર છે. આ ત્રણ વિલને પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમાં ૧૯૯૦ની આસપાસ હિંદુઓને નિશાન બનાવીને આતંકવાદી હુમલા કરાવ્યા ને કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડેલા.
મલિક અત્યારે ગાંધીજીની વાતો કરે છે પણ મલિક, સૈયદ સલાહુદ્દીન કે ગિલાનીને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો સાથે નહાવાના નિચોવવાનો સંબધ નથી. પાકિસ્તાનમાં રહેતા સૈયદ સલાહુદ્દીનને કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકામાં વકરેલા આતંકવાદનો પ્રણેતા માનવામાં આવે છે. સલાહુદ્દીન કાશ્મીરમાં વરસોથી નિર્દોષોનાં લોહી વહેવડાવતા આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો કર્તાહર્તા છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતાં સંગઠનોમાં હિઝબુલ મુઝાહિદ્દીન મુખ્ય છે. સૈયદ સલાહુદ્દીન તેનો કમાન્ડર ઈન ચીફ છે. મલિક એક જમાનામાં તેનો પીઠ્ઠુ હતો ને તેની જ છત્રછાયામાં મોટો થયો.
સૈયદ સલાહુદ્દીનનું સાચું નામ મોહમ્મદ યુસુફ શાહ છે. ૭૫ વર્ષનો સલાહુદ્દીન કાશ્મીર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. સલાહુદ્દીને જમાત-એ-ઈસ્લામીના કાર્યકર તરીકે કારકિર્દી શરૂઆત કરેલી. ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે સલાહુદ્દીને યુનિવર્સિટી લીડર તરીકે કાશ્મીરમાં લોકોને ભારત સામે ભડકાવવામાં કોઈ કસર નહોતી છોડી.
જો કે પાકિસ્તાન ભારત સામે ભૂંડી રીતે હારતાં સલાહુદ્દીન સહિતના પાકિસ્તાનના પીઠ્ઠુ શાંત થઈ ગયેલા. થોડા સમય માટે સલાહુદ્દીન પણ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠો ને પછી મેદાનમાં આવ્યો.
સલાહુદ્દીને શ્રીનગરના એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં સભાઓ કરીને ભારત સામે ઝેર ઓકવાનો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી દીધો તેથી સલાહુદ્દીનની ખ્યાતિ પાકિસ્તાન લગી પહોંચી. પાકિસ્તાન તરફથી તન, મન, ધનથી મદદ મળવા માંડી તેથી સલાહુદ્દીન મોટો નેતા થઈ ગયો. સલાહુદ્દીન રાજકીય રીતે પણ સક્રિય હતો પણ ચૂંટણીઓમાં ફાવતો નહોતો. સલાહુદ્દીનને ૧૯૮૦ના દાયકામાં તેના જેવી જ કટ્ટર માનસિકતા ધરાવતો મલિક મળ્યો ને બંનેની જોડી જામી ગઈ.
મલિકે ૧૯૮૩માં ૧૭ વર્ષની ઉંમરે શ્રીનગરમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે મેચમાં હુમલાની યોજના બનાવેલી પણ ફાવ્યો નહોતો. આ કેસમાં જેલમાં ધકેલી દેવાયો પછી ૧૯૮૬માં એ બહાર આવીને ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ નામે પક્ષ બનાવ્યો. સલાહુદ્દીને મલિક જેવા યુવાનો જોઈતા હતા તેથી તેણે મલિકને પોતાના પડખામાં લઈ લીધો. જમ્મુ અને કાશ્મીરમાં ૧૯૮૭માં વિધાનસભાની ચૂંટણી વખતે મલિકે સલાહુદ્દીનની પાર્ટીના ઉમેદવારોને શ્રીનગરની તમામ બેઠકો પરથી જીતાડવાની જવાબદારી લીધેલી. મલિક તેમાં સફળ ના થતાં તેણે તોફાન કરાવ્યાં તેથી સરકારે તેને જેલમાં મોકલી દીધો હતો.
મલિક અને સલાહુદ્દીન બહાર આવ્યા ત્યારે જગમોહન ગવર્નર હતા. તેમના આદેશથી કાશ્મીરમાં લશ્કર આતંકવાદીઓની લાશો પાડતું હતું તેથી બંને પાકિસ્તાન ભાગી ગયા. સલાહુદ્દીને આઈએસઆઈ સાથે મળીને કાશ્મીરમાં આતંકવાદ ભડકાવ્યો ને તેમને ગિલાનીનો સાથ મળ્યો. ગિલાની ગુજરી ગયા પણ એ પહેલાં કાશ્મીરને નર્ક બનાવતા ગયા. પાકિસ્તાનના દલાલ તરીકે કાશ્મીરમાં આતંકવાદીઓને પગપેસારો કરાવવામાં ને કાશ્મીરને કાયમ માટે હિંસાની આગમાં ધકેલી દેવામાં ગિલાનીનું યોગદાન મોટું હતું. હુર્રિયત કૉન્ફરન્સના નેતા તરીકે રાજકીય પ્રવૃત્તિને નામે ગિલાનીએ યુવાનોને આતંકવાદ તરફ વાળ્યા.
ગિલાનીએ જ આતંકવાદીઓને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવા કહ્યું હતું. ગિલાનીના ઈશારે સલાહુદ્દીન અને મલિકે એવો કાળો કેર વર્તાવ્યો કે, કાશ્મીરમાંથી હિંદુઓએ પહેરેલાં કપડે ભાગવું પડ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં શરૂ થયેલી એ હિંસા કદી અટકી જ નહીં. અત્યારે પણ કાશ્મીરમાં હિંદુઓ રહી શકતા નથી ને જે રહે છે એ ફફડતા જીવી રહ્યાં છે. હમણાં જ રાહુલ ભટ્ટની હત્યા થઈ. આ હત્યાએ કાશ્મીરમાં હિંદુઓની હાલત શું છે એ છતું કરી દીધું છે.
ગિલાનીએ કાશ્મીર ખીણમાંથી હિંદુઓને ભગાડ્યા તેમાં એ કટ્ટરવાદીઓના હીરો બની ગયેલા. ગિલાનીએ આતંકવાદીઓના મસીહા તરીકેનો પોતાનો અસલી ચહેરો ખુલ્લો ના પડી જાય એટલે રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવા નાના નાના રાજકીય પક્ષો તથા સંગઠનોને ભેગા કરીને હુર્રિયત કૉન્ફરન્સ બનાવી હતી. યાસીન મલિક હુર્રિયતમાં ગિલાનીની સાથે હતો. ગિલાની આખી જીંદગી ભારતથી કાશ્મીરને આઝાદ કરવાની વાત કરતા રહ્યા ને કાશ્મીરી યુવકોના માનસમાં ભારત સામે ઝેર ભરીને આતંકવાદને પોષતા રહ્યા. મોદી સરકારે ગિલાની સામે પણ કેસ કરેલો પણ સજા થાય એ પહેલાં ઉકલી ગયા. મલિકને સજા થઈ પણ મોડી થઈ ને સલાહુદ્દીન પાકિસ્તાનમાં છે તેથી તેનું કશું બગાડી નથી શકતા.