ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોમવારે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિલિયમ્સે ત્રણ સેટના મુકાબલામાં ગ્રીસની મારિયા સક્કારીને પરાજય આપ્યો હતો. સેરેના અને મારિયા વચ્ચે આ મેચ ૨ કલાક ૨૮ મિનિટ ચાલી હતી. આ મેચમાં સેરેનાએ વધુ એક કીર્તિમાન પોતાના નામે કર્યો છે. તે આર્થર એશ સ્ટેડિયમમાં ૧૦૦ મેચ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. આ પહેલા કોઈપણ મહિલા કે પુરૂષ ખેલાડી આ કારનામું કરી શક્યા નથી.
લિંશગ મીડોઝના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં સેરેનાએ મારિયાને ૬-૩, ૬-૭ (૬/૮), ૬-૩થી હરાવી હતી. તમને જણાવી દઈએ કે સેરેના વિલિયમ્સ આ મેચમાં ત્રીજી વરીયતા પ્રાપ્ત ખેલાડી છે. આ જીતની સાથે સેરેના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગારિયાની ત્સ્વેતાના પિરોનકોવા કે ફ્રાન્સની અલિજ કોર્નેટ સામે ટકરાશે.
સેરેનાની નજર આ ટૂર્નામેન્ટને જીતીને ૨૪મું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરવા પર છે. આ ટૂર્નામેન્ટ જીત્યા બાદ તે માર્ગરેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરી લેશે. વિલિયમ્સે છેલ્લે ૨૦૧૭મા ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું. તે સમયે સેરેના પોતાની પુત્રી ઓલિમ્પિયાને જન્મ આપવાની હતી. ત્યારબાદ તે ચાર વખત મોટી ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી પરંતુ તેણે રનર્સઅપથી સંતોષ કરવો પડ્યો હતો.