યુએસ ઓપન : વિશ્વનો નંબર વન જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં, ભારતનો આ પ્લેયર થયો બહાર

વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ સેટમાં ટાઇબ્રેકર ગુમાવ્યા બાદ જોકોવિચે શાનદાર વળતો પ્રહાર કરીને ચાર સેટમાં જીત મેળવી હતી. આ સ્ટાર ખેલાડીએ કાઈલ એડમંડને ૬-૭ (૫), ૬-૩, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. આ સાથે ૨૦૨૦માં જોકોવિચની મેચોનો રેકોર્ડ ૨૫-૦ પર પહોંચી ગયો છે. તે જ સમયે વિમેન્સ સિંગલ્સમાં ટોચની ખેલાડી કેરોલિના પ્લિસકોવા મોટા ઉલટફેરનો શિકાર બની અને તેની ટુર્નામેન્ટની સફર બીજા રાઉન્ડમાં જ સમાપ્ત થઇ ગઈ હતી. તેને ફ્રાન્સની કારોલિન ગાર્સિયાએ ૬-૧, ૭-૬ (૨) થી હરાવી હતી.
આમ આ વખતની યુએસ ઓપનમાં પહેલો મેજર અપસેટ સર્જાયો હતો. બીજી તરફ ભારતનો દિવિજ શરણ અને સર્બિયાનો તેનો પાર્ટનર નિકોલા કૈસિકનો યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં જ પરાજય થયો હતો. શરણ અને કૈસિકની જોડીનો ૪-૬, ૬-૩, ૩-૬થી પરાજય થયો હતો. હવે ભારતનો રોહન બોપન્ના પણ મેન્સ ડબલ્સના ડ્રોમાં સામેલ છે. તેણે કેનેડાના ડેનિસ શાપોવાલોવ સાથે જોડી બનાવી છે અને તેનો પહેલો મુકાબલો અર્નેસ્ટો એસ્કોબેડો અને નોહા રુબિનની અમેરિકન જોડી સાથે થશે.
વિમેન્સ સિંગલ્સમાં ૨૦૧૮ની ચેમ્પિયન નાઓમી ઓસાકાએ કામિલા જિઓર્જી પર ૬-૧, ૬-૨થી સરળ જીત મેળવી હતી. તે સિવાય ૨૦૧૬ના ચેમ્પિયન એન્જેલિક કેર્બરને અન્ના લેના ફ્રીડસમને એક કલાક અને ૪૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૩, ૭-૬ (૬)થી હરાવી હતી. દરમિયાન છઠ્ઠા ક્રમની પેટ્રા કવિટોવાએ કેટરિના કોઝ્લોવાને ૭-૬ (૩), ૬-૨થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.