યુક્રેનનું યુદ્ધ પૂરું થયા પછી સુપરપાવર  બનવાનું જે યુદ્ધ ચાલુ થશે એનું શું થશે? 

મદ ઝરતા હાથીને કાબૂમાં લેવો લગભગ અશક્ય છે. તે અંકુશમાં ન આવે તો જંગલના કેટલાય ઝાડનો વિનાશ કરે. આવા હાથીને યેનકેન પ્રકારે કાબૂમાં લઇ લો તો તે પોતાને જ એટલું નુકસાન પહોંચાડી દે તેના કરતા તેને છૂટો મૂકવો સારો. જો છૂટો મૂક્યો તો ઝાડ-છોડ અને બીજા પ્રાણીઓનું આવી બને. ‘સુપરપાવર’ દેશ બનવું એટલે મદ ઝરતા હાથી તરીકે જંગલમાં બેરોકટોક તોફાન મચાવવાની તાકાત હાંસિલ કરવી. સુપરપાવર દેશની વ્યાખ્યા જ એ છે કે સુપરપાવર દેશ દુનિયામાં ગમે ત્યારે ગમે તે કરી શકે અને તેને રોકવાની કે ટોકવાની કોઈની હિંમત ન ચાલે. સુપરપાવર દેશનું એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ નાના દેશોના હાંજા ગગડાવી નાખતું હોય છે. આર્થિક રીતે કે મિલિટરીના માધ્યમથી તે દેશ ‘વર્લ્ડ ઓર્ડરમાં’ મોટો ફેરફાર લાવી શકવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. તે પ્રોસેસમાં ટચુકડા દેશોનું આવી બને તો પણ તેનો હિસાબ બીજા દેશો સુપરપાવર પાસે ન માગી શકે. આ વ્યાખ્યા મુજબ, હાલના સમયમાં, દુનિયામાં બે સુપરપાવર દેશો છે- રશિયા અને ચીન. તાલિબાનો સામે ઝૂકી ગયા પછી અમેરિકા સુપરપાવર દેશોની સૂચિમાંથી ફેંકાઈ ગયું છે.

સુપરપાવરની વિભાવના એકસો વર્ષ કરતા વધુ જૂની નથી. એક સમયે જી-સેવન દેશોનું ગઠન થયું હતું જે ગ્રેટ પાવર નેશન્સ કહેવાતા. એમાં તો કેનેડા પણ હતું અને ઇટાલી પણ હતું. એક જ એશિયાઇ દેશ-જાપાન એમાં હતો. બાકી યુકે, યુએસએ અને ફ્રાન્સ. એશિયાના દેશોને ગણકારવામાં આવતા નહિ. બીજા વિશ્ર્વયુદ્ધમાં યુરોપમાં પારાવાર તારાજી સર્જાયા પછી સુપરપાવર ટર્મ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર રમતી થઇ.. ૧૯૪૪ માં ત્રણ દેશો સુપરપાવર હતા- અમેરિકા, સોવિયેત યુનિયન અને યુનાઈટેડ કિંગ્ડમ. બ્રિટન યુનાઈટેડ ન રહી શક્યું, ભારત સહિત બધા જ પરાધીન દેશો એક પછી એક આઝાદ થયા. બ્રિટનનો સૂરજ અસ્ત થઇ ગયો. હવે કોલ્ડ વોરના બે કટ્ટર હરીફ જેવા દેશો જ સુપરપાવર ગણાતા – અમેરિકા અને સોવિયેત સંઘ. તે બંને દેશો વચ્ચે બહુ તણખા ઝર્યા. અમેરિકા અને રશિયાની ન્યુક્લિયર હુંસાતુંસી પરાકાષ્ઠાએ પહોંચી. આખી પૃથ્વી પચાસેક વખત તબાહ થઇ શકે તેટલા આણ્વીક શસ્ત્રો બંને દેશોએ ખડકી દીધા. ૧૯૯૦ પછી સોવિયેત યુનિયનનું વિભાજન થયું અને નાના નાના પંદરેક દેશો અસ્તિત્વમાં આવ્યા. રશિયાનો ડંખ ગયો અને ફૂંફાડો પણ ન રહ્યો. હવે દુનિયાના નકશામાં   સુપરપાવર લેબલ ધરાવતો દેશ એકમાત્ર અમેરિકા હતો અને તે લેબલ હમણાં સુધી ચીપકેલું હતું. પણ એ લેબલ ધીમે ધીમે ઉખડી રહ્યું છે. અમેરિકા મહાસત્તા છે તે ભ્રમ આસ્તે આસ્તે ભાંગીને તૂટી રહ્યો છે. એ ભ્રમ ભાંગવાની શરૂઆત લાદેને કરી અને ભ્રમભંગાણની પાક્કી ખાતરી આપણને પુતિને આપી.

જગતજમાદાર અમેરિકા અત્યારે બોખો સિંહ બની ગયું છે. પારકા મુલકમાં પોતાની સેનાના મથકો સ્થાપવાનું આદી અમેરિકા સમસમીને બેસી ગયું છે. આ અમેરિકન સિંહ ફક્ત ગર્જના કરી શકે છે પણ નહોર કે દાંત છે નહિ. પુતિને આ બુઢા અમેરિકન સિંહને લાગેલા વૃદ્ધત્વના દર્શન જગતને કરાવ્યા. કઈ રીતે? યુક્રેન ઉપર હુમલો કરીને. યુક્રેનને રશિયા સામે લડવા માટે અમેરિકા સમ ખાવા પૂરતો એક સૈનિક પણ મોકલી શક્યું નહિ. મિલિયન ડોલરના ખર્ચે શસ્ત્રો મોકલ્યા. રશિયા ઉપર ઘણા બધા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા. ફીફા કે ઓલિમ્પિક જેવી સમિતિને વિનંતીઓ કરીને રશિયાનો બોયકોટ થાય એવી વિનવણીઓ કરી. ગ્લોબલ સ્કેલ ઉપર રશિયાને આર્થિક અને સાંસ્કૃતિક રીતે એકલુંઅટૂલું પાડવા માટે બાઈડેનની ટીમે ધમપછાડા કર્યા. પરિણામ? ટાય ટાય ફૂસ્સ. અમેરિકાનું દરેક પાસું અવળું પડ્યું અને પુતિન દરેક બાજી જીતતો ગયો. હજુ પણ યુક્રેઇનના કિવ શહેરને ઘેરો ઘાલીને રશિયન લશ્કર બેઠું છે. આપણા પરેશ રાવલ ભાઈ પણ ત્યાંના પ્રેસિડેન્ટ અને ફોર્મર કોમેડિયન ઝેલેન્સકીની મજાક ઉડાડતી ટ્વીટ કરી રહ્યા છે.

જગતકાજી બનીને કોઈ પણ દેશના મામલામાં ટાંગ અડાડવી અને ત્યાં અમેરિકન ધ્વજવાળી છાવણી સ્થાપી દેવાનો આ અમેરિકન શોખ બહુ જૂનો છે. જ્યોર્જ બુશે મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધો કરી કરીને અડધી દુનિયાની નારાજગી વહોરી છે. લાદેન કદાચ જાણતો પણ હશે કે અમેરિકા ઓવર-રિએક્શનની બીમારીથી પીડાઈ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરના હુમલા પછી સાબદું બનેલું અમેરીકા દિશાહીન થઇ ગયું હોય એવું બે દાયકા પછી લાગે છે. આખી દુનિયામાં ચંચુપાત કરવાનું કામ ૨૦૦૧ પછી અમેરિકાએ ચાલુ કર્યું. ત્યાં વસતા મુસ્લિમોને અમેરિકા રહેતા ઈમિગ્રન્ટસને ખૂબ હેરાન કર્યા. આ બધા પાપ હવે અમેરિકાને ભારે પડી રહ્યા છે. અમેરિકા હવે એ બુઝુર્ગ કાકા જેવા છે જે બક બક કરે છે પણ કોઈ એની સૂચના ઉપર અમલ કરતું નથી.

વર્લ્ડ-પાવર હવે ફરીથી એશિયા તરફ શિફ્ટ થઇ રહ્યો છે અથવા તો થઇ ગયો છે. રશિયા બેરોકટોક પોતાની મનમાની કરી રહ્યું છે. અવકાશી મિશન હોય કે ક્રૂડ ઓઈલનું વેચાણ, રશિયાને અમેરિકાની જાણે જરૂર જ નથી. ચાઈનાની દાદાગીરી જગજાહેર છે. તાઈવાનથી લઈને તિબેટ સુધી ચાઈનાનો પગપેસારો છે. હોંગકોંગમાં ચીન રીતસરના અત્યાચાર કરે છે. અમેરિકા કશું કરી શકે એમ નથી. અમેરિકાની મોનોપોલી ખતમ થઇ રહી છે. રશિયા અને ચીન પોતાનો મનીપાવર અને મસલ પાવર મજબૂત કરી રહ્યા છે.

તકલીફ ત્યારે પડશે જયારે રશિયા અને ચાઈના વચ્ચે વિખવાદ થશે. યુક્રેનમાં જે જે નુકસાન થયું તેમાંથી પરોક્ષ રીતે ચાઈનાને પણ નુકસાન થયું છે. ચાઈનાનું યુક્રેનમાં કરોડો ડોલરનું રોકાણ છે એ ઓપન સિક્રેટ છે. રશિયાને આ ખ્યાલ ન હોય તેવું સંભવ નથી. રશિયા અને ચાઈના નેક્સ્ટ સુપરપાવર છે એ નક્કી છે. ભારત આ મહાસત્તાઓની વચ્ચે પોતાનું સ્ટેન્ડ શું રાખે છે અને વૈશ્ર્વિક ફલક ઉપર ભારતની શું ઓળખ બને છે તે બહુ મહત્ત્વનું સાબિત થશે. ભારતને અમેરિકા, બ્રિટન, ચાઈના કે રશિયા- એક પણ દેશ સાથે સંબંધ બગાડવો કોઈ પણ ભોગે પોષાય એમ નથી. ભારતને ૨૦૨૦ માં સુપરપાવર બનાવવાનું અબ્દુલ કલામે સેવેલું સપનું ક્યારે પૂરું થશે તેની આપણે રાહ જોવાની રહી.