યુક્રેન યુદ્ધને કારણે દુનિયાના દરેક દેશની રિઝર્વ બેન્કો તો હાલક ડોલક થઈ ગઈ છે

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રશિયાના યુક્રેન પરના આક્રમણે વિશ્વની મધ્યસ્થ બેંકોને દ્વિધામાં મૂકી દીધી છે: નાણાનીતિ કડક બનાવવી કે અત્યાર સુધીનો ઉદાર અભિગમ ચાલુ રાખવો? યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કાળા સમુદ્ર વાટે થતો વેપાર ખોરવાઈ ગયો છે અને રશિયા સામે અમેરિકા અને તેના સાથીઓએ આકરા પ્રતિબંધો નાખ્યા છે તેથી તેલ, ગેસ, ઘઉં, સૂર્યમુખી તેલ, એલ્યુમિનિયમ અને નિકલ સહિત અનેક ચીજોનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને ભાવ આસમાને ગયા છે. કોરોના મહામારીમાંથી માંડ બહાર આવી રહેલા દેશોનો આર્થિક વિકાસ ફરીથી ખોડંગાવા લાગે એવી શક્યતા પ્રબળ છે. આ સંજોગોમાં મધ્યસ્થ બેંકો જો મોંઘવારીને કાબૂમાં રાખવા માટે નાણાનીતિ કડક બનાવે (વ્યાજદર વધારે અને નાણાપુરવઠા પર લગામ ખેંચે) તો શક્ય છે કે પરિસ્થિતિ સામાન્ય બનતાં ફુગાવો ઓછો થઇ જાય પણ અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ જાય. સામે પક્ષે જો મધ્યસ્થ બેંકો હાલની ઉદાર નીતિ ચાલુ રાખે તો શક્ય છે કે ફુગાવો બેફામ બને અને આગળ ઉપર તેમણે અત્યંત આકરાં વિકાસરોધક પગલાં લેવાં પડે.

દાસની દ્વિધા પ્રથમ નજરે વાસ્તવિક લાગે છે. પરંતુ રિઝર્વ બેંકે કયો રસ્તો લેવો જોઈએ તે સ્પષ્ટ છે. દેશમાં મોંઘવારીની જ્વાળાઓ ભભૂકી રહી છે અને આવતા મહિનાઓમાં તે વધુ ઊંચે જવાની છે. એક, તેલના ભાવ છાપરું તોડીને બહાર નીકળી ગયા છે અને તેમાં કોઈ નોંધપાત્ર રાહત મળવાની આશા રાખવા જેવી નથી. રશિયા અને નાટો છાવણી વચ્ચેનું આર્થિક યુદ્ધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે તે નક્કી. ઈરાન અને અમેરિકા વચ્ચે અણુકરાર વિષે સમજૂતી થાય અને ઈરાન પરના પ્રતિબંધો હળવા થાય તો પણ રશિયાના તેલની ખોટ તે ભરપાઈ કરી શકશે નહિ. આવતી કાલે ગુરુવારે ચૂંટણી પરિણામો જાહેર થાય તે પછી તરત જ પેટ્રોલ, ડીઝલ અને અન્ય બળતણોના ભાવમાં તીવ્ર વધારો તોળાઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ પાછળ બધું મોંઘુ થશે. તે સિવાય પણ ગેસ, ધાતુઓ, પ્લાસ્ટિક સહિતની અનેક કાચી સામગ્રીના ભાવ ક્યારના વધી ચૂક્યા છે. કંપનીઓ તેમની ચીજવસ્તુઓના ભાવ વધારવા ટાંપીને બેઠી છે.

રિઝર્વ બેંકે આવતા નાણાકીય વર્ષમાં છૂટક ભાવવધારો 4.5 ટકા સુધી સીમિત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે તે વાસ્તવિકતાથી વેગળો લાગે છે. છૂટક ફુગાવો જાન્યુઆરી માં છ ટકાને વટાવી ગયો છે અને નરમ પડવાની શક્યતા દેખાતી નથી. બીજું, ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે અને ફેડરલ રિઝર્વ તેના વ્યાજદર વધારશે એટલે વધારે નબળો પડશે. ડોલર મોંઘો થશે એટલે પ્રત્યેક આયાતી માલસામાનના ભાવ વધી જશે. જહાજી નૂરભાડાં ઊંચાં છે અને હજી વધવાનો ભય છે. વિકસિત દેશોની બેંકો વ્યાજદર વધારે અને રિઝર્વં બેન્ક ન વધારે તો રૂપિયો વધુ નબળો પડે અને દેશમાંથી વિદેશી મૂડી બહાર ખેંચાવા લાગે.

વિકાસ મંદ પડવાની રિઝર્વ બેન્કની ચિંતા સકારણ છે. યુદ્ધને કારણે અનેક ચીજવસ્તુઓની પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વિશ્વના અગ્રણી દેશોમાં ફુગાવો દાયકાઓની ટોચ પર છે એટલે તેમની નીતિ માગને ડામવાની હશે જે નિકાસ માટે પ્રતિકૂળ છે. સ્થાનિક ખાનગી મૂડીરોકાણ હજી નિસ્તેજ છે. પરંતુ આ ચિતાઓનો ઈલાજ નાણાનીતિ વડે થઇ શકે તેમ નથી. એ કામ નાણાં મંત્રાલયને કરવા દો. રિઝર્વ બેંકે તાત્કાલિક વ્યાજદર વધારીને અને નાણાં પુરવઠા પર લગામ ખેંચીને સૌ હિતધારકોને યોગ્ય સંદેશો આપવો જરૂરી છે.

રેશનલાઇઝેશન જેવા રૂપાળા શબ્દની ઓથે ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)નો બોજો વધારવાની હિલચાલ શરુ થઇ છે. જીએસટીનો લઘુતમ સ્લેબ વધારવાનો અને કરમુક્ત ચીજવસ્તુઓની યાદીમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ વહેતો મૂકાયો છે. હાલ જીએસટીના ચાર દરો છે: 5, 12, 18 અને 28 ટકા. મોજશોખ અને વૈભવવિલાસની વસ્તુઓ તેમ જ હાનિકારક ચીજો પર 28 ટકાના ટેક્સ ઉપરાંત સેસ લાગે છે, જે રાજ્યોને વળતર આપવા માટે વપરાય છે. અહેવાલો એવા છે કે પાંચ ટકાનો સ્લેબ વધારીને 8 ટકા કરાશે અને 12 ટકાનો સ્લેબ 18 ટકામાં ભેળવી દેવાશે. ટૂંકમાં જે ચીજો પર પાંચ ટકા જીએસટી લાગે છે તેના પર આઠ ટકા લાગશે અને બાર ટકા લાગે છે તેના પર 18 ટકા લાગશે. રાજ્યોના નાણાપ્રધાનોની બનેલી એક સમિતિ આ મહિનાના અંત સુધીમાં તેનો અહેવાલ આપી દેશે. પછી તેના પર નિર્ણય લેવાશે.

સમગ્ર કવાયતનો ઉદ્દેશ વધુ નાણાં મેળવવાનો છે. પાંચ ટકાનો સ્લેબ આઠ ટકા કરાય તો સરકારને રૂ. 1.5 લાખ કરોડની વધુ થાય. બીજો ઉદ્દેશ કેન્દ્ર સરકાર પર રાજ્યોનું અવલંબન ઘટાડવાનો છે. જીએસટી અમલમાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને વચન આપેલું કે પાંચ વર્ષ સુધી તમારી કરવેરાની આવક 14 ટકાના દરે વધતી રહે તેની અમારી ગેરંટી. ઘટ આવશે તો કેન્દ્ર ભરપાઈ કરશે. એ પાંચ વર્ષ જુલાઈમાં પૂરાં થાય છે. એટલે રાજ્યો વધુ આવકનાં સાધનો ઊભાં કરવા આતુર છે. પાંચ વર્ષ પૂરાં થાય એટલે સેસ ઉઠાવી લેવો જોઈએ. પરંતુ સેસ પણ ચાલુ રહે અને કરવેરાના દર પણ વધે તો નવાઈ પામશો નહિ.