યુદ્ધજહાજ વિરાટને યાદગાર મ્યુઝિયમ બનાવવામાં સુપ્રિમ વામન સાબિત થઈ

ભારતીય લશ્કરના ઈતિહાસના એક ગૌરવવંતા પ્રકરણસમા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટના કેસમાં નવો વળાંક આવ્યો છે. આઈએનએસ વિરાટને 2017માં નિવૃત્ત કરી દેવાયેલું. અલંગના શ્રીરામ ગ્રુપે આ જહાજ રૂપિયા 38.54 કરોડમાં ખરીદ્યું હતું ને તેને તોડીને તેમાંથી નીકળતી ચીજોને ભંગારમાં વેચવા માટે અલંગના જહાજવાડે પણ લઈ જવાયેલું. વિરાટને તોડવાની કામગીરી ચાલુ થાય એ પહેલાં જ એનવિટેક ક્ન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીએ આઈએનએસ વિરાટને ખરીદીને તેને મ્યુઝિયમમાં ફેરવવાની દરખાસ્ત મૂકેલી. કંપનીએ સંરક્ષણ મંત્રાલયને આ ઓફર આપેલી પણ છેલ્લી ઘડીએ આવેલી આ દરખાસ્તનો ડૂચો કરીને કચરાટોપલીમાં નાખી દીધેલી.
એન્વિટેક કંપનીએ એ પછી શ્રીરામ ગ્રુપને પણ ઓફર કરેલી પણ શ્રીરામ ગ્રુપે વધારે મોં ફાડ્યું તેમાં વાત આગળ ન વધી. કંપનીની સો કરોડ રૂપિયા આપવાની ઓફર શ્રીરામ ગ્રુપે ફગાવી દીધી તેમાં એન્વિટેક કંપની સુપ્રીમ કોર્ટમાં ગયેલી. વચ્ચે કોરોના આવી ગયો તેમાં સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી નહોતી થતી ને શ્રીરામ ગ્રુપે તો તોડફોડ શરૂ કરી દીધેલી તેમાં આઈએનએસ વિરાટ મ્યુઝિયમ બનવાના બદલે ભંગારમાં જશે એવું નક્કી થઈ ગયેલું લાગતું હતું ત્યાં બુધવારે અચાનક જ સુપ્રીમ કોર્ટે વિરાટની તોડફોડનું કામ રોકી દેવાનું ફરમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે એન્વિટેક કંપની સો કરોડ રૂપિયા આપીને આઈએનએસ વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા માગે છે છતાં સરકાર કેમ આ જહાજને તોડવા માગે છે એ મુદ્દે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલય પાસે જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશથી હસવું કે રડવું એ સમજાતું નથી કેમ કે અત્યારે આઈએનએસ વિરાટની જે હાલત છે એ જોતાં તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય એવી શક્યતા સાવ પાતળી છે. સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું તેના કારણે હાલ પૂરતું આઈએનએસ વિરાટને તોડવાનું કામ અટકાવી દેવાશે એ કહેવાની જરૂર નથી કેમ કે સુપ્રીમ કોર્ટથી ઉપર કશું નથી પણ સુપ્રીમ કોર્ટે બહુ મોડો આદેશ આપ્યો છે. તેનું કારણ એ કે ગયા વરસના ડિસેમ્બરમાં સંરક્ષણ મંત્રાલયે એનવિટેક કંપની દરખાસ્ત ફગાવી દેવાઈ પછી મહિનામાં તો વિરાટને અલંગ લઈ જવાયેલું ને તોડફોડનું કામ શરૂ કરી દેવાયેલું. અત્યાર લગીમાં જહાજનો મોટો હિસ્સો તોડી નખાયો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટીવી ચેનલોએ વિરાટના વીડિયો બતાવ્યા તેમાં બહારનું માળખું આખું તોડી નખાયું છે એ સ્પષ્ટ દેખાય છે. જેને ફ્લાઈટ ડેક એટલે કે તૂતક કહેવાય ને જ્યાં વિમાનો રખાતાં હોય એ આખો ભાગ તોડી દેવાયો છે ને લોખંડના સળિયા બહાર દેખાવા માંડ્યા છે. અંદરના ભાગમાં પણ ખાસ્સી તોડફોડ કરી દેવાઈ છે એ જોતાં માનો કે હવે સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ આપે તો પણ તેનો અર્થ રહેતો નથી. આઈએનએસ વિરાટ ઓલમોસ્ટ ભંગારમાં ફેરવાઈ ગયેલું છે ને તેને બચાવી શકાય કે મ્યુઝિયમમાં ફેરવી શકાય તેમ જ નથી. આઈએનએસ વિરાટ આપણો ગૌરવવંતો ઈતિહાસ છે પણ આ ગૌરવને જાળવવા સમયસર કોઈએ કશું ના કર્યું તેમાં આ ગૌરવવંતું પ્રકરણ નેસ્તનાબૂદ થઈ જશે ને ઈતિહાસનાં પાનાં પર જ રહી જશે એ નક્કી જ છે.
આપણા માટે આ શરમજનક વાત કહેવાય ને એ શરમકથા માટે બધા જવાબદાર છે. યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને 2017માં નિવૃત્ત કરી દેવાયું ને વિરાટને વિદાય 2017માં અપાઈ પણ વિરાટની વિદાયનો તખ્તો 2013માં જ ઘડાઈ ગયો હતો. એ વખતે જ ઈન્ડિયન નેવીએ વિરાટના સ્થાને આઈએનએસ વિક્રમાદિત્યને ઈન્ડિયન નેવીનું ફ્લેગશિપ જાહેર કરી દીધું હતું. વિરાટ પછી શું તેનો જવાબ આઈએનએસ વિક્રમાદિત્ય હતું તેથી વિરાટ નિવૃત્ત થશે એ નક્કી જ હતું ને ખરેખર તો એ વખતે જ નેવીએ તેને મ્યુઝિયમમાં ફેરવવાનું નક્કી કરી નાખવાની જરૂર હતી. નેવીએ એ દિશામાં કામ શરૂ કરી દેવાની જરૂર હતી પણ નેવી પાસે પોતાનું કંઈ બજેટ નથી હોતું ને એ તો સંરક્ષણ મંત્રાલયની તાબેદાર છે તેથી તેના હાથ બંધાયેલા છે. નેવીએ આમતેમ ફાંફાં મારી જોયાં પણ નાણાંનો મેળ ન પડતાં નેવીએ સરકારી રાહે તેનો નિકાલ લાવવાનો નિર્ણય લીધો તેના કારણે આ દિવસો આવી ગયા.
નેવીએ આ નિર્ણય લીધો તો લીધો પણ તેને સંરક્ષણ મંત્રાલય રોકી શક્યું હોત. 2014 માં મોદી સરકાર પણ આવી ગઈ હતી ને મોદી સરકાર પણ નેવીને રોકી શકી હોત પણ કોઈએ કોઈ રસ જ ન બતાવ્યો. તેના કારણે નેવીની હરાજી રોકાઈ નહીં ને આ જહાજને અલંગના શ્રીરામ ગ્રુપે આ જહાજ રૂપિયા 38.54 કરોડમાં ખરીદી લીધું. આ યુદ્ધ જહાજને નિવૃત્ત કરાયું એ વખતે ઘણાં રાજ્યોએ તેને ખરીદીને મ્યુઝિયમ બનાવવાની ને દેશના ગૌરવના ઈતિહાસને જીવંત રાખવાની ડંફાશ મારી હતી પણ ખરા સમયે બધા પાણીમાં બેસી ગયા હતા. નેવીએ ઘણાં રાજ્યોને તેમના વચનની યાદ અપાવી પણ વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા માટે કોઇ રાજ્ય સરકારે તૈયારી ન બતાવતા છેવટે નેવીએ જહાજને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લેવો પડયો હતો. આ જહાજને ખરીદવા માટે કોઈ આગળ જ ન આવ્યું. કમનસીબી એ કહેવાય કે આ દેશમાંથી કોઈ ઉદ્યોગપતિએ, કોઈ સંસ્થાએ, કોઈ દાનવીરે પણ આ જહાજ ખરીદીને તેને મ્યુઝિયમમાં ફેરવવામાં રસ ના બતાવ્યો.
આઈએનએસ વિરાટની હરાજી આપણે માનસિક રીતે ભિખારી છીએ તેનો પુરાવો હતો. શ્રીરામ ગ્રુપે આ જહાજ માત્ર રૂપિયા 38.54 કરોડમાં ખરીદ્યું હતું. આ રકમ સાવ નાની કહેવાય. આ દેશમાં લોકસભાની ચૂંટણીમાં એક બેઠક પર ઉમેદવાર 40 કરોડ રૂપિયા તો ખર્ચી નાખતો હોય છે. મોદી કે અમિત શાહ જેવા નેતાઓના કાર્યક્રમ પાછળ આટલો ખર્ચ તો થઈ જતો હોય છે. ઉદ્યોગપતિઓ પોતાનાં સંતાનોના લગ્ન પાછળ આ રકમ કરતાં તો વધારે ધુમાડો કરી દેતા હોય છે. માનો કે બીજું કોઈ આગળ ના આવ્યું તો સરકાર પોતે પણ આટલી રકમ નેવીને આપીને વિરાટને બચાવી શકી હોત પણ દેશના ગૌરવની ને સેનાની બહાદુરીની વાત કરતી આપણી મોદી સરકાર 40 કરોડ રૂપિયા ના છોડી શકી તેમાં શ્રીરામ ગ્રુપે તેને હરાજીમાં ખરીદીને તોડવા આ જહાજને ભાવનગર પાસેના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાવીને તોડફોડ શરૂ કરી દેવાઈ.
આ જહાજ તૂટવાનું શરૂ થાય એ પહેલાં આ જહાજને ભાંગતું બચાવવા માગતી મુંબઇની એન્વિટેક મરીન કંપની મેદાનમાં આવી હતી. કંપનીએ જહાજ ખરીદીને મ્યુઝિયમ બનાવવા તૈયારી બતાવેલી પણ એ માટે શ્રીરામ ગ્રુપે સો કરોડ રૂપિયા માગતાં કોકડું ગૂંચવાયું હતું. એન્વિટેક મરીન કંપની અને શ્રીરામ ગ્રુપ વચ્ચે વાટાઘાટો ચાલી હતી. ગોવા સરકારે જહાજને ગોવાના કિનારે લાંગરવાની તૈયારી દર્શાવી હતી પણ એ વખતે નેવીએ મંજૂક ના આપી. જહાજને સંગ્રહાલયમાં ફેરવતાં પહેલાં સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી હતી તેથી એ દિશામાં પણ કામ શરૂ થયું પણ નેવીને જૂના અનુભવોના આધારે આ વાતોમાં દમ ન લાગતાં તેણે મંજૂરી ના આપી તેથી એન્વિટેક સુપ્રીમ કોર્ટમાં ગઈ પણ કોર્ટમા મામલો લંબાઈ જતાં શ્રીરામ ગ્રુપની ધીરજ ન રહી ને તેણે તોડફોડ શરૂ કરીને અડધા જહાજને તો પાડીને પાધર બનાવી જ દીધું છે. આઈએનએસ વિરાટ મ્યુઝિયમમાં ફેરવાય એવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી ને આ ભવ્ય જહાજ પુસ્તકોમાં ઈતિહાસ તરીક રહી જશે એવું જ લાગે છે.
ભારતીય નેવીના ફ્લેગશિપ (ધ્વજવાહક) તરીકે 30 વર્ષ સુધી સેવા આપનારું આઈએનએસ વિરાટ વિશ્ર્વમાં સૌથી લાંબા સમય સુધી નેવીમાં સેવા આપનારા યુદ્ધજહાજ તરીકે અમર આઈએનએસની વાતો પુસ્તકોમાં જ વાંચવી પડશે એવું લાગે છે. આઈએનએસ વિરાટ મૂળ તો 1959 માં બ્રિટનના રોયલ નેવીમાં એચએમએસ હર્મીસ તરીકે સમાવાયેલું અને તેના 15 વર્ષ પહેલાં એટલે કે 1944માં તેને બનાવવાની તૈયારી શરૂ કરાઈ હતી. બીજા વિશ્ર્વ યુદ્ધ પછી હર્મીસને બનાવવાની શરૂઆત થઈ ને 1959 માં તે રોયલ નેવીનું ફ્લેગશિપ બન્યું. રોયલ નેવીમાં 27 વર્ષ સુધી સેવા આપ્યા પછી 1984 માં રોયલ નેવીએ તેને સર્વિસમાંથી દૂર કર્યું અને 1987માં ભારતને વેચી દીધું. ભારતીય નેવીમાં 12 મે, 1987ના રોજ વિરાટનો સમાવેશ કરાયો.
જલમેવ યસ્ય, બલમેવ તસ્ય (જે પાણી પર રાજ કરે એ બધાંથી બળવાન છે) એ વિરાટનું સૂત્ર હતું. આ સૂત્ર સાથે વિરાટ 30 વર્ષ સુધી ભારતીય નેવીની સેવામાં રહ્યું. વિરાટ ઈન્ડિયન નેવીનું ધ્વજવાહક હતું. નેવીની મુખ્ય તાકાત એવા વિરાટ પર 22 કેપ્ટન કમાન્ડર તરીકે સેવા આપતા હતા. ભારતે વિરાટનો ઉપયોગ યુદ્ધમાં કદી કરવાનો આવ્યો નહીં. પાકિસ્તાને વિરાટના આગમન પહેલાં ભારત સાથે ત્રણ યુદ્ધ કર્યાં પણ દરિયાઈ સીમામાં કદી આક્રમણ ના કર્યું. 1999નું કારગિલ યુદ્ધ પણ જમીન માર્ગે હતું તેથી વિરાટની તાકાતનો પરચો આપવાની તક એ વખતે પણ નહોતી મળી. બાકી તક મળી હોત તો વિરાટ શું છે તેનો અહેસાસ એ વખતે પાકિસ્તાનને થઈ ગયો હોત. પાકિસ્તાનનાં કરાચી સહિતનાં બંદરોનો ખુરદો બોલાવીને વિરાટે પાકિસ્તાનને કાયમ માટે સૂવાડી દીધું હોત. હવે વિરાટ જ કાયમ માટે ઈતિહાસનાં પાનાંમાં સૂઈ જશે.