રજનીકાન્તે આખરે રાજકારણમાં પ્રવેશ પહેલા જ સન્યાસ લઈ લીધો

તમિળનાડુમાં રાજકીય પક્ષ રચવાનો ઉપાડો લેનારા તમિળ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત અંતે પાણીમાં બેસી ગયા. તમિળનાડુમાં આગામી ચાર મહિના પછી એટલે કે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ને મહિના પહેલાં તો રજનીકાંત ગાઈવગાડીને કહેતા હતા કે વિધાનસભાની ચૂંટણીમાં અમે ઝંપલાવીશું જ. રજનીકાન્તે બહુ લાંબા સમય પહેલા જ “રજની મક્કલ મંદરમ’ નામનો પક્ષ સ્થાપી દીધો હતો પણ સત્તાવાર રીતે રાજકારણમાં આવવાની કે ચૂંટણી લડવાની જાહેરાત નહોતી કરી. આ પક્ષના જિલ્લા કક્ષાના હોદ્દેદારોની નિમણૂક પણ કરી દીધેલી. તેમની સાથે દર મહિને નિયમિત રીતે બેઠકો પણ શરૂ કરી દીધેલી પણ રાજકારણમાં તેની એન્ટ્રી ક્યારે થશે એ મુદ્દે સસ્પેન્સ હતું.
રજનીએ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સત્તાવાર રીતે રાજકારણમાં આવવાનું ને 2021ની વિધાનસભા ચૂંટણીમાં જબરી તાકાતથી લડવાનું એલાન કરીને બધા સસ્પેન્સનો અંત લાવી દીધેલો. રજનીએ એલાન કરેલું કે, 31 ડિસેમ્બરે એટલે કે 2020ના છેલ્લા દિવસે રાજકારણમાં એન્ટ્રીની યોજના જાહેર કરીશ. આ યોજના જાહેર થાય એ પહેલાં તેણે એલાન કરી જ દીધેલું કે પોતે આધ્યાત્મિક રાજકારણ કરશે અને 2021ની તમિળનાડુની ચૂંટણીમાં તમામ 234 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે. રજનીની તબિયત એ વખતે પણ નરમગરમ હતી ને ડોક્ટરોએ રજનીને આરામની સલાહ આપી હતી. રજનીએ ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કર્યું ત્યારે આ સવાલ ઉઠાવાયેલો જ. એ વખતે રજનીએ ડાયલોગ ફટકારી દીધેલો કે, તમિળ પ્રજા માટે હું મારો જીવ આપવા પણ તૈયાર છું. રજનીની આ જાહેરાતના કારણે તમિળનાડુ જ નહીં પણ આખા દેશમાં ઉત્તેજનાનો માહોલ હતો કેમ કે રજનીકાન્ત તમિળ ફિલ્મોમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતો સ્ટાર છે ને બોક્સ ઓફિસ પર તો તેના નામના સિક્કા પડે છે.
રજની રાજકારણમાં આવશે તો શું થશે ને તમિળનાડુના રાજકારણમાં જ નહીં પણ દેશના રાજકારણમાં પણ શું અસર પડશે તેની ચોવટ પણ શરૂ થઈ ગયેલી. આજની 31 ડિસેમ્બર નજીક આવતી જતી હતી તેમ ઉત્તેજના ને ચોવટ બંને વધતાં જતાં હતાં. ગયા મંગળવારે આ બધી ચોવટ ને વાતોમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો કેમ કે રજનીકાન્તે એલાન કરી દીધું કે, હું તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી ને રાજકીય પક્ષ સ્થાપવાનો નથી. રજનીએ ટ્વિટર પર તમિળ ભાષામાં ત્રણ પાનાનો લાંબોલચ્ચક પત્ર પોસ્ટ કરીને લોકોની માફી ચાહી છે ને આ નિર્ણય કેમ લેવો પડ્યો તેની પારાયણ માંડી છે.
રજનીકાન્તના કહેવા પ્રમાણે તેની તબિયત કથળી છે તેથી તેણે ભારે હૃદયે આ નિર્ણય લેવો પડ્યો છે. પોતાની કિડનીની ખરાબ હાલતના કારણે પોતે ચૂંટણી પ્રચાર નહીં કરી શકે ને પ્રચાર કરવા નીકળે તો કોરોનાના ચેપ બીજાં લોકોને લાગવાનો ખતરો હોવાનું પણ કહ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરે તો ચૂંટણી ન જીતી શકે ને પોતે જે પરિવર્તન લાવવા ચાહે છે એ નહીં લાવી શકે એવું પણ રજનીકાન્તે કહ્યું છે. એણે આ નિર્ણય લેતાં પોતાને કેટલું દુ:ખ થાય છે એવું પણ કહ્યું છે ને સાથે સાથે ભરોસો પણ આપ્યો છે કે, પોતાના રાજકારણમાં આવ્યા વિના જ લોકોની સેવા કરશે. એણે પોતાની તબિયત બગડી તેને ભગવાને પોતાને આપેલો સંદેશો પણ ગણાવ્યો છે.
રજનીકાન્તની તબિયત ખરાબ છે એ વાત સાચી છે. એને ગયા અઠવાડિયે જ હોસ્પિટલમાં દાખલ કરાયેલો ને તેને જાત જાતની સમસ્યાઓ હોવાનું બહાર આવેલું. હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ વખતે જ એ બીમાર પડી જતાં તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવો પડેલો. રજનીકાન્તને લાંબા સમયથી કિડનીની તકલીફ તો છે જ પણ બ્લડ પ્રેશર ને બીજા પ્રોબ્લેમ પણ છે. આ બધાના કારણે એ થાકીને લોથ થઈ જાય છે. હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગમાં પણ એવું જ થયેલું. હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સતત ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા પછી બ્લડ પ્રેશર કાબૂમાં આવ્યું પછી તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે ને ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું છે એ પણ સાચું છે તેથી તેણે જે કારણો આપ્યાં છે એ બહાનાં નથી એ કબૂલવું પડે.
રજનીકાન્તનો આ નિર્ણય તેના ચાહકો માટે આઘાતજનક છે પણ રજનીકાન્તની જે પરિસ્થિતિ છે એ જોતાં આ નિર્ણય સાચો છે તેમાં શંકા નથી. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં રજનીકાન્ત રાજકારણમાં એન્ટ્રી કરે તો સફળ થાય એવી પરિસ્થિતિ ઓછી છે એ જોતાં સોનાની જાળ પાણીમાં નાખીને ઈજ્જતનું લીલામ કરાવવા જેવું થાય. માનો કે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે રજનીકાન્ત 31 ડિસેમ્બરે રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરે તો પણ એ તાત્કાલિક રીતે સક્રિય થવાનો નહોતો કેમ કે એ હજુ ચાર દિવસ પહેલાં તો હોસ્પિટલમાંથી બહાર આવ્યો છે ને ડોક્ટરોએ તેને આરામની સલાહ આપી છે. રજનીકાન્તના ચાહકોએ તેને ફિલ્મના પડદે સુપર હીરો તરીકે જોયો છે તેથી એ લોકો રજનીકાન્ત હોસ્પિટલમાંથી બહાર આવીને સીધો સક્રિય થાય એવી અપેક્ષા ભલે રાખતા હોય પણ વાસ્તવિક જીવનમાં એ શક્ય નથી.
રજનીકાન્ત માણસ જ છે ને સામાન્ય લોકોને જે નિયમો લાગુ પડે એ નિયમો તેને પણ લાગુ પડે જ છે એ જોતાં તાત્કાલિક સક્રિય થવું તેના માટે શક્ય જ નથી. બીજી તરફ તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે. એપ્રિલ મહિનામાં તો મતદાનનો પહેલો તબક્કો હશે એ જોતાં હવે બધી તૈયારી કરવા માટે રજની પાસે ગણીને ત્રણ મહિના બચે. રજની માટે એ પરિસ્થિતિમાં રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ થઈ જાય. રજનીકાન્તની ઉંમર સિત્તેર વરસ છે એ જોતાં તે આ જોખમ ન જ લે ને તેણે લેવું પણ ન જોઈએ.
તમિળનાડુમાં અત્યારે જે રાજકીય સમીકરણો છે તેમાં પણ રજની માટે ખતરો છે. તમિળનાડુમાં દ્રવિડીયન વિચારધારા ધરાવતા પક્ષોનું વર્ચસ્વ એટલું બધું છે કે, રાજનીકાન્તનો નવો પક્ષ પોતાની જગા બનાવી શકે કે કેમ તેમાં શંકા છે. અત્યારે તમિળનાડુમાં એઆઈએડીએમકેની સરકાર છે ને તેનું કારણ જયલલિતા છે. જયલલિતાએ જિંદગીનાં છેલ્લાં વરસોમાં બધાં પાપ ધોઈ નાખવાનાં હોય એમ લોકોની સેવા કરીને પુણ્ય કમાવાનું નક્કી કર્યું તેમાં સળંગ બે વાર તેમનો પક્ષ જીતેલો. જયલલિતાના કરિશ્માના કારણે લોકો અંજાયેલાં હતાં જ તેમાં આ પુણ્યકાર્યો ભળ્યાં તેથી તેમની પાર્ટી જીતી પણ જયલલિતાની વિદાય પછી એઆઈએડીએમકેની નેતાગીરી દમ વિનાની છે. તેનો ફાયદો લઈને ડીએમકે ચડી બેઠી છે.
ડીએમકેની આગેવાનીમાં યુપીએએ લોકસભાની છેલ્લી ચૂંટણીમાં સપાટો બોલાવીને તમિળનાડુની 39 બેઠકોમાંથી 28 બેઠકો જીતી હતી. એ પછી યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ડીએમકેનો વટ રહ્યો છે તેથી સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકે જોરાવર લાગે છે. ડીએમકે-કોંગ્રેસનું જોડાણ તમિળનાડુમાં સત્તા કબજે કરશે એવું મનાય છે. સામે એઆઈએડીએમકે પણ સત્તા ટકાવવા જીવ પર આવી ગયેલો છે તેથી આ ચૂંટણી હાઈ વોલ્ટેજ છે. લગભગ ચારેક દાયકાથી અસ્તિત્વ ધરાવતા, જોરદાર સંગઠન અને મની પાવર ધરાવતા આ પક્ષો સામે સફળ થવું નવા પક્ષ માટે મુશ્કેલ છે તેથી રજની માટે જીત આસાન નહોતી જ.
તમિળનાડુમાં બીજા કેટલાય સ્ટાર્સ અને ફિલ્મી હસ્તીઓને ઘોર નિષ્ફળતા મળી છે. તમિળ સિનેમામાં શિવાજી ગણેશન મોટું નામ છે. શિવાજી ગણેશન રેખાના કાકા થાય. શિવાજી ગણેશને પણ દ્રવિડ સંસ્કૃતિની વાત કરતા ડીએમકેથી રાજકીય કારકિર્દી શરૂ કરેલી ને પછીથી તમિળ નેશનલ પાર્ટીમાં જોડાયા હતા. આ પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ હતી. 1988માં તેમણે ટીએમએમ નામે પાર્ટી બનાવી અને રામચંદ્રનનાં વિધવા જાનકી સાથે જોડાણ કરીને ચૂંટણી લડેલા. જયલલિતા સામે ભૂંડી હાર પછી શિવાજી ગણેશનની પાર્ટી પતી ગઈ ને જનતા દળમાં ભળી ગયેલી.
ગણેશનની જેમ વિજયકાન્તે બનાવેલા ડીએમડીકેને પણ બહુ સફળતા નથી મળી. રજનીકાન્તે ચીલાચાલુ એક્શન ફિલ્મો કરવાની બંધ કરી પછી તેનો રોલ મેળવીને નામના મેળવનારા વિજયકાન્તે જયલલિતા સાથે જોડાણ કરીને ટકી રહેવું પડ્યું. બીજા એક તમિળ ફિલ્મ સ્ટાર સરથકુમારે ઓલ ઈન્ડિયા સમથુવા મક્કાલ કચ્ચી નામે પક્ષ બનાવ્યો એ પહેલાં ડીએમકેની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડેલો પણ હારી ગયેલો.
આ તમામ સ્ટાર તમિળ સિનેમામાં સફળ ગણાતા પણ રાજકારણમાં ચાલ્યા નથી પણ આ સ્ટાર્સમાં ને રજનીમાં ફરક છે. રજની મેગાસ્ટાર છે ને ચૂંટણીના જંગમાં ઝંપલાવીને પોતાની આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી રહ્યો હતો એમ કહી શકાય. રજની તમિળ ફિલ્મોનો સૌથી મોટો સ્ટાર હોવાની માન્યતા છે. લોકો તેને ભગવાનની જેમ પૂજે છે એવું કહેવાય છે. આ બધી વાતો પછી રજની પોતાના પક્ષને ન જીતાડી શકે તો તેની આખી જિંદગીની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જાય. રજનીના ધોળામાં ધૂળ પડે ને રજની માટે જતી જિંદગીએ આ જોખમ લેવા જેવું નહોતું. રજનીકાન્તે ચૂંટણીમાં ઝંપલાવવાનો વિચાર માંડી વાળીને શાણપણ બતાવ્યું છે.