રણબીર કપૂરની નવી ફિલ્મ ’એનિમલ’ અનાઉન્સ થઇ

૨૦૨૧નો પહેલો દિવસ રણબીર કપૂર માટે ખાસ બની ગયો છે. શાહિદ કપૂરને લઈને સુપરહિટ ફિલ્મ ’કબીર સિંહ’ બનાવી ચૂકેલા સંદીપ રેડ્ડી વાંગાએ રણબીર સાથે નવી ફિલ્મ અનાઉન્સ કરી છે. ૧ જાન્યુઆરીએ તેણે સોશિયલ મીડિયા પર એક ટીઝર રિલીઝ કરી ફિલ્મના ટાઇટલની જાહેરાત કરી છે જે ’એનિમલ’ છે. વાંગાએ કેપ્શનમાં લખ્યું છે, ’ઈમોશનનો અનુભવ કરો.

વીડિયો બેકગ્રાઉન્ડમાં રણબીર કપૂરનો અવાજ સંભળાઈ રહૃાો છે. તે બોલે છે, ’પપ્પા આવતા જન્મમાં તમે મારો દીકરો બનજો. પછી જોજો હું તમને કઈ રીતે પ્રેમ કરું છું અને શીખજો તમે, કારણકે તેના પછીના જન્મમાં ફરી હું દીકરો અને તમે પપ્પા. ત્યારે પપ્પા તમે તમારી રીતે પ્રેમ કરજો, મારી રીતે નહીં. તમે સમજી રહૃાા છો ને પપ્પા. બસ તમે સમજી લો એ ઘણું છે.’ આ ડાયલોગથી અનુમાન લગાવી શકાય કે ફિલ્મની સ્ટોરી બાપ-દીકરાના ઈમોશનલ બોન્ડિંગની હોઈ શકે છે.

ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારના ’ટી સિરીઝ’, પ્રણય રેડ્ડી વાંગાના ’ભદ્રકાલી પિક્ચર્સ’ અને મુરાદ ખેતાણીના ’સિને૧ સ્ટુડિયોઝ’ના બેનર હેઠળ બનનારી આ ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપરા પણ લીડ રોલમાં હશે. અનિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, ’ઓહ બોય, આ સીટી (જે વીડિયોના બેકગ્રાઉન્ડમાં સંભળાય છે) સાથે નવું વર્ષ બધું બેટર થઇ જશે. રજૂ કરીએ છીએ એનિમલ. મારી જર્નીની શરૂઆતની રાહ નથી જોઈ શકતો.’