રણવીર શૌરી થયો કોરોના સંક્રમિત:  પોસ્ટ શેર કરી આપી જાણકારી

એક્ટર રણવીર શૌરી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ તેણે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. કોરોના સંક્રમિત થયા બાદ તેણે ખુદને ક્વોરન્ટીન પણ કરી લીધો છે. તેણે પોસ્ટ શેર કરી લખ્યું, ’મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. હું ક્વોરન્ટીનમાં છું.

રણવીર પહેલાં પણ બોલિવૂડના ઘણા સ્ટાર્સ કોરોનાના શિકાર થઇ ગયા છે. અમિતાભ બચ્ચન, કનિકા કપૂર, મોરાની પરિવાર, નીતુ કપૂર, અર્જુન- મલાઈકા અરોરા, વરુણ ધવન, કૃતિ સેનન, રકુલપ્રીત સિંહ, તમન્ના ભાટિયા, તનાઝ કરીમ, હર્ષવર્ધન રાણે સહિત ઘણા સેલેબ્સ શિકાર થયા હતા અને બધા રિકવર પણ થઇ ગયા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર શૌરી ટૂંક સમયમાં ’મેટ્રો પાર્ક ૨’માં દેખાશે. હાલમાં તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ’લૂટકેસ’માં દેખાયો હતો. આ સિવાય તે ઈરફાન ખાન સાથે ’અંગ્રેજી મીડિયમ’માં પણ દેખાયો હતો. ફિલ્મ સિવાય રણવીર વેબ સિરીઝમાં પણ ઘણો એક્ટિવ છે. ’રંગબાઝ’, ’મેટ્રો પાર્ક’ જેવી વેબ સિરીઝમાં કામ કર્યું છે. ’રંગબાઝ’નો તેનો રોલ ઘણો ચર્ચામાં આવ્યો હતો. તેમાં તે ATS હેડ સિદ્ધાર્થ પાંડેના રોલમાં હતો.