ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ મજબૂત અવશ્ય બનાવી છે પરંતુ, ક્યાંક તાણાવાણાની કચાશ નજરે પડે જ છે. અને એવું તો દરેક દેશ માટે હોય. આપણે સતત સંબંધો અપગ્રેડ કરતા રહેવા પડે નહિતર આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યમાંથી ફેંકાઈ જઈએ. ઈન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનનો પગપેસારો વધી રહ્યો છે તે ભારતના હિતમાં નથી અને આ કારણે જ અમેરિકા સાથે ભારતના સંબંધો “વૈદ-ગાંધીનું સહિયારું’ પ્રકારના છે. અમેરિકાને પણ ચીનનો વધતો આર્થિક અને રાજકીય પ્રભાવ ખાળવા ભારતની જરુર છે. આ પ્રયાસમાં ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ થવાના પરિણામે અઈજા નામક સંસ્થાનો ઉદભવ થયો છે. વાસ્તવમાં ભારતને આ પ્રકારના વિવિધ વૈશ્વિકમંચમાં ભાગીદાર બનવાની જરુર છે.
આ બાબતે યુકે તેને સાથ અને સહકાર આપી શકે તેમ છે. યુકેમાં જી – સેવન દેશોની શિખર પરિષદ યોજાવાની છે તેમાં વિશેષ, મહેમાન તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું છે. સમયાંતરે જી -સેવન ગ્રૂપ જી-એઈટ કે જી-નાઈન ગ્રૂપમાં પણ ફેરવાઈ શકે છે. વીસમી જાન્યુઆરીએ યુએસમાં રિપબ્લિકન પાર્ટીના જો બાઈડેન પ્રમુખપદ સંભાળી લીધું એને ઘણો સમય વીતી ગયો છે ને ડોનાલ્ડ ટ્રમ્પ એની બિઝનેસની દુનિયામાં ખોવાઈ ગયા છે. તે પછી કેવી પરિસ્થિતિ આકાર લેશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. જોકે, બાઈડેનનો સૂર પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવાનો છે. આ ઉપરાંત, ઉપપ્રમુખ કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે અને અનેક ભારતવંશીઓ બાઈડેન સરકારમાં સ્થાન મેળવ્યું છે. આ સંજોગોમાં ભારત બરાબર સોગઠાં ગોઠવશે તો અમેરિકાનો સાથ મળતો રહેશે તે નિર્વિવાદ છે.
ભારતે રશિયન વેક્સિનને ઈમરજન્સી મંજુરી આપી દેતાં હવે ભારતમાં ત્રણ વેક્સિન થઈ ગઈ છે. રશિયા અને ઈરાન સાથે મિત્રતા જાળવી રાખવા ભારતની ઈચ્છા કેવો રંગ લાવશે તે કહી શકાય તેમ નથી. ભારત રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદે કે ઈરાન પાસેથી સસ્તા ભાવે ઓઈલ ખરીદે તેની સામે અમેરિકાનો વાંધો અને વિરોધ જગજાહેર છે. ભારત હજુ અમેરિકા અને રશિયાની ખેંચતાણમાં જકડાયેલું છે. જો ભારત રશિયાથી અંતર વધારશે તેની સાથે જ ચીન, પાકિસ્તાન અને રશિયાની ધરી રચાતા જરા પણ વાર લાગશે નહિ. અમેરિકાએ તાજેતરમાં જ તેના “કાટ્સા’ કાયદા હેઠળ રશિયા પાસેથી એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ્સ ખરીદવા બદલ તૂર્કી પર પ્રતિબંધો લગાવ્યા છે. યુએસના વિદાય લેતા રાજદૂત કેનેથ જસ્ટરે તો ધમકીના સૂરમાં કહ્યું છે કે ભારતે પણ મિલિટરી હાર્ડવેર ખરીદવા બાબતે સાવચેતીપૂર્વક કઠોર નિર્ણયો લેવા પડશે. તૂર્કીએ અઢી બિલિયન ડોલરમાં સિસ્ટમનો સોદો કર્યો છે તેની સામે ભારત-રશિયાનો સંભવિત સોદો સાડા પાંચ બિલિયન ડોલરનો હશે.
યુએસના વિદાય લેતા રાજદૂત કેનેથ જસ્ટરનું કહેવું છે કે ભારતની આત્મનિર્ભરતાની પહેલ અન્ય દેશો સાથે વેપારનો અવરોધ ઉભો કરી શકે છે. જે તે સમયની તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા છતાં, યુએસ અને ભારત વચ્ચે નાનકડી વેપારસંધિ પણ શક્ય બની નથી. વિશ્વમોરચે નોંધ લેવાની એક બાબત રહી છે કે નવા વર્ષના આરંભ સાથે યુએનની સલામતી સમિતિમાં બિનકાયમી સભ્ય તરીકે બે વર્ષના કાર્યકાળનો પણ આરંભ થયો છે. સિક્યુરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય હોવાં છતાં પોતાના આંતરરાષ્ટ્રીય હિતોને આગળ વધારવાની તક ભારતને મળતી રહેશે. હવે ભારતે આગવી રાજકીય સુઝબુઝને કામે લગાવી અસ્થાયી સ્થાનને કાયમી બેઠકમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવો જોઈશે.
હાલ તો સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોને સમિતિના વિસ્તૃતિકરણમાં કોઈ રસ જણાતો નથી. ભારત ત્રાસવાદવિરોધ, શાંતિ જાળવવા, વેપાર તેમજ દખલરુપ માનવાધિકાર નિયમો બાબતે એજન્ડા ધરાવે છે પરંતુ, ભવિષ્યની દુનિયાના સંદર્ભમાં ક્લાઈમેટ ચેન્જ, જાહેર આરોગ્ય, દરિયાઈ સલામતી અને ડિજિટલ ધારાધોરણો સહિતના નવા મુદ્દાઓ પણ વિચારવા પડશે. ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારાઓની હાકલ કરી છે અને વર્તમાન કોરોના કટોકટીમાં તેને મજબૂત મુદ્દો બનાવી શકાશે.
સાઉથ એશિયામાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તેમાં કોઈ શંકા નથી. જોકે, નાનો પણ રાઈનો દાણો ગણાવી શકાય તેવા અફઘાનિસ્તાને કાબૂલમાં જાસૂસીના મુદ્દે ચીન પાસે માફી મગાવી તેને નાનીસૂની બાબત ગણવી ન જોઈએ. નેપાલ કે શ્રીલંકા જેવા ભારતના નાના પડોશી દેશો ધીરેધીરે ચીનના પ્રભાવમાંથી બહાર નીકળી રહ્યા જણાય છે. ભારતે આમાંથી લાભ ઉઠાવવાની જરુર છે.
ભારત-ચીન-પાકિસ્તાન બોર્ડર ઉપર અત્યારે ઘણા દેશો વિશેષ ધ્યાન આપી રહ્યા છે. કોરોનાને ચાઈનીઝ વાઇરસ કહેનારા અમેરિકાએ તિબેટને સ્વતંત્ર દેશ કહીને પોતાના લડાયક મિજાજનો ફરી એક વખત પરચો આપ્યો છે. ટ્રમ્પ પોતાના દેશમાં કોરોનાને કાબૂમાં રાખવામાં સરેઆમ નિષ્ફળ નીવડયા છે પરંતુ અત્યારે તે ચીનને પાઠ ભણાવવાના મૂડમાં છે. ભારતે જ્યારથી ગિલગીટ પ્રદેશના હવામાનમાં રસ લેવાનો ચાલુ કર્યો છે ત્યારથી પાકિસ્તાની અને ચીની લશ્કર સાબદુ બની ગયું છે. કાશ્મીર અને અકસાઈ ચીન સરહદે ત્રણેય દેશ તરફથી સખત પારસ્પરિક જાપ્તો કરી નાખવામાં આવ્યો છે. તોય હમણાં ચીન સરહદે શાન્તિ છે.
કોરોનાની અસર નીચે દુનિયા સુષુપ્ત થઈ ગઈ હોવા છતાં ત્રણેય દેશ પોતાની એક ઇંચ જમીન પણ જતો કરવા દેવા માંગતો નથી. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પાકિસ્તાની સેનાની જમાવટ સખત થઈ ગઈ છે. જ્યારે કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમો દૂર કરવામાં આવી ત્યારે એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર શ્રીમાન જયશંકરે મીડિયા સમક્ષ ચોખવટ કરવી પડી હતી કે 370 મી કલમ દૂર કરવાને કારણે ભારત અને ચીન સરહદે કોઈ વિખવાદ નહીં થાય કે અશાંતિ નહીં સર્જાય. કાશ્મીર ભારતનો અંગત મામલો છે અને તેને અકસાઈ ચીન સાથે કોઈ લેવાદેવા નથી. અકસાઈ ચીન નામના ભારતીય પ્રદેશ ઉપર ચીન પોતાનો દાવો જતો કરવા માંગતું નથી. એ તો અરુણાચલ પ્રદેશને પણ પોતાનામાં ભેળવી લેવા ચાહે છે. સિત્તેર વર્ષથી બે બાજુનો સરહદી વિવાદ ચાલુ છે. બંને દેશે તેની કાયમી નિવારણ લાવવું ઘટે અને જો તે ન થાય તો ત્યાં સુધી સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો મજબૂત બનાવવા ઉપર ધ્યાન આપવું પડે.
લાઇન ઓફ કન્ટ્રોલ ઉપર જે તણખા ઝરે છે એના સિવાય બીજા પણ અમુક કારણો છે જેના લીધે આ સરહદો લાઈમલાઈટમાં આવી છે. ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે વર્ષ દરમિયાન ભયંકર વ્યાપાર યુદ્ધ ચાલ્યું. ફાઈવ-જી બાબતે આગળ વધવાની હોડમાં એ બંને દેશોએ એકબીજાના વેપારને નુકસાન કરવા માટે ખૂબ જોર લગાડ્યું. હોંગકોંગના ચીની સરકાર વિરુદ્ધ વિરોધ ચાલુ થઈ ગયેલો અને મહિનાઓ સુધી ચાલેલા પ્રદર્શનની તરફેણમાં અમેરિકા હતું. આવી સ્થિતિમાં ચીનમાંથી કોરોના વાયરસ આવ્યો અને આખું અમેરિકા એના સંકજામાં આવી ગયું. દરરોજ અમેરિકાને કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તો અત્યારે બીજા શીતયુદ્ધ જેવો સમય ચાલી રહ્યો હોય એવું સહુને લાગે છે. કોરોનાનો બીજો અને ત્રીજો રાઉન્ડ અમેરિકાને બહુ નુકસાન કરશે.
ભારતે પાછલા વર્ષો દરમિયાન અમેરિકા અને ચીન સાથે સારા સંબંધો રાખ્યા છે. બંને દેશો સાથે ભારતના વેપારમાં પણ વૃદ્ધિ આવી છે. પરંતુ આ બંને મહાસત્તાઓ વચ્ચે ઉછરી રહેલી કટુતાએ દુનિયાને મૂંઝવણના નાખી દીધી છે. કોની છાવણીમાં જવું તે સવાલ છે. ભારત પણ અસમંજસમાં જ હશે. ભારતની રાજનીતિના વર્તુળોનો એક મોટો હિસ્સો ચીનની વિરુદ્ધ થઈને અમેરિકાની પડખે ઊભા રહેવાનો મત ધરાવે છે. ભારત કોઈ પણ નિર્ણય લે, એને નુકસાન થવાનું છે એ નક્કી છે. એનું એક મુખ્ય કારણ એ છે કે ભારતનું અર્થતંત્ર અત્યારે નબળું પડી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનું યુદ્ધ કોઈ પણ દેશ માટે અતિખર્ચાળ સાબિત થતું હોય છે. ભારતના અમેરિકા તરફ વધતા ઝુકાવને કારણે ચીનના પેટમાં ધગધગતું તેલ રેડાયું છે. નેપાળને થતી ચીની ઉશ્કેરણી અને લડાખ સરહદે શરૂ થયેલા નવા ઉપદ્રવો વાસ્તવમાં ભારતીય વિદેશ નીતિ સામેનો ચીનનો ઉકળાટ છે.
ભારતની બહુધા પ્રજાએ આજ સુધી પાકિસ્તાનને જ મોટું દુશ્મન રાષ્ટ્ર માન્યું છે. પરંતુ હકીકત એ છે કે ચીને આપણને વધુ નુકસાન કર્યું છે. પોતાના હલકા, તકલાદી અને સસ્તા માલને ભારતમાં ઠાલવીને ભારતના અર્થતંત્રને ફોલી નાખવું એ ચીનની મેલી મુરાદનું પરિણામ છે. પાકિસ્તાન સાથેની કરતા ચીન સાથેની ભારતીય સરહદ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ વધુ સંવેદનશીલ છે. ભારત અને ચીન વચ્ચેની એ સીમારેખા દુનિયાની સૌથી મોટી ખુલ્લી સરહદ છે. દાયકાઓ સુંધી એ સરહદ ઉપર બંદૂકની એક પણ ગોળી છૂટી નથી. કોરોનાના સંક્રમણ પહેલા આખી દુનિયા ઉપર એશિયાનું આર્થિક અને સામાજિક મહત્ત્વ વધતું હતું જેમાં ભારત તથા ચીનનો સિંહફાળો હતો. હવે જો ભારત અને ચીન વચ્ચે તણાવ વધે તો એશિયા નબળું પડી જાય અને કોરોનાના લીધે નબળું પડી ગયેલું અમેરિકા ફરીથી તાકાતવાન બને એ પણ હકીકત છે.