રશિયા, અમેરિકા અને ચીનના એ જાસૂસો  અફઘાનિસ્તાનમાં માં ધામા નાખીને પડ્યા છે

અફઘાનિસ્તાનનો પંજશીર વિસ્તાર એક ભેદી કિલ્લામાં ફેરવાઇ ગયેલો છે. તાલિબાનો અને નોર્ધન એલાયન્સના સામસામા દાવા વચ્ચે અંતિમ કક્ષાના યુદ્ધની સ્થિતિ અહીં જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે નોર્ધન એલાયન્સના લડવૈયાઓ પાસે રશિયન સૈન્યના શસ્ત્રો છે. જ્યારથી અમેરિકાએ તાલિબાનો સાથે સમાધાનકારી પ્રવૃત્તિ હાથ ધરી ત્યારથી પંજશીરના ઉદ્દામવાદી અને તાલિબાન વિરોધી નેતાઓને રશિયાએ પોતાના તરફ કરી લીધા છે. અને એ જ કારણથી હજુ સુધી તાલિબાનોનું આ વિસ્તારમાં શાસન સ્થાપી શકાયું નથી. અફઘાન વિજય અધૂરો રહી ગયો છે. તાલિબાનો માટે આ પંજશીર હવે સોનાની થાળીમાં લોખંડનો મેખ છે. પંચશીર જીતી નહીં શક્યા હોવાને કારણે પણ સરકારમાં નવરચના થવામાં વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ તાલિબાનોમાં પણ આંતરિક દાવાનળ ફાટી નીકળ્યો છે.
આતંકવાદી જૂથ તરીકે તેઓનામાં જે શિસ્ત અને સિસ્ટમ હતી તે ખંડિત થઈ ગઈ છે અને રાજકીય કાવાદાવાઓ અને મહત્વાકાંક્ષાઓ સપાટી પર આવી ગયા છે. અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન થવા માટે જેનું નામ લગભગ નક્કી જ હતું એવા મુલ્લા બરાદર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટના એ વાતનો પણ સંકેત કરે છે કે અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિપદ પર કે વડાપ્રધાન પદ ઉપર કોઈ પછી બહુ લાંબો સમય ટકી શકશે નહીં. સમગ્ર તાલિબાન જૂથને એક કરી રાખવાનું કૌશલ હવે તેના કોઈ પણ નેતા પાસે નથી. રશિયા, અમેરિકા અને ચીનના જાસૂસો કાબુલ અને કંદહારમાં ધામા નાખીને પડ્યા છે. એ જાસૂસો સાથે વિવિધ જૂથના આતંકવાદીઓ સંકળાયેલા છે. સહુ પોતપોતાની બાજી ગોઠવવામાં વ્યસ્ત છે ત્યારે અફઘાન પ્રજાની આંખે હજુ પણ અશ્રુધારા વહી રહી છે.
અફઘાનિસ્તાનને તાલિબાનોએ કબજે કર્યું છે એટલું જ પરંતુ એના પર હજુ સરકાર રચી તો લીધી પણ એને ટકાવવા માટે જોઈએ એવો સંપૂર્ણ અંકુશ તાલિબાનો પાસે નથી. અમેરિકા અને બ્રિટન બંનેની નીતિઓ એવી છે કે જે દેશ તેઓ છોડે છે ત્યાં લાંબા ગાળા માટેનો આંતરકલહ છોડતા જાય છે. અમેરિકાની મૂળભૂત યોજના અફઘાનિસ્તાનના ટુકડા કરવાની હતી પરંતુ પાછલી અફઘાન સરકારે એમાં સહકાર ન આપતા એ યોજના પાર પડી નહીં. ભાગેડૂ અશરફ ગની જતા પહેલા અનેક વાર તાલિબાનોને સત્તામાં ભાગીદારી કરવાનું આહવાન આપી ચૂક્યા હતા પરંતુ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને તો આખા અફઘાનિસ્તાનથી ઓછું કંઇ ખપતું ન હતું. પાકિસ્તાન આજે પણ માને છે કે અફઘાનિસ્તાનના કુદરતી સંસાધનોનો તે પૂરેપૂરો લાભ લેશે અને તાલિબાન લડવૈયાઓનો ઉપયોગ ભારત સાથે વેર વાળવામાં કરશે.
અત્યારે સૌથી મોટી સમસ્યા તાલિબાનોના પોતાના અસ્તિત્વ માટે ઊભી થઈ છે. જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે એમ તાલિબાનો ખુલ્લા પડતા જાય છે. અગાઉના તેમના સર્વસ્વીકૃત નેતાઓ હવે અસ્વીકૃત થવા લાગ્યા છે. તાલિબાનના એક વર્ગમાં તો સમ્રાટ ચંદ્રગુપ્તના જમાનામાં ઉજ્જૈન અને પાટલીપુત્રમાં જે વિદ્રોહ થતા હતા એવા જ દ્રશ્યો જોવા મળે છે. દેશ બહુ ઝડપથી વેરવિખેર થઈ રહ્યો છે. અફઘાન સ્ત્રીઓના લાંબા સરઘસનો સામાન્ય પ્રતિકાર જ તાલિબાનો કરી શક્યા. એ સિવાય એ સ્ત્રીઓએ ઝાંસીની રાણી જેમ સ્વતંત્રતા અને લોકશાહીની ડિમાન્ડ બુલંદ સ્વરમાં રજૂ કરી. અફઘાન સ્ત્રીઓએ જે અણધાર્યો નવો મોરચો ખોલ્યો એની તાલિબાનોને કલ્પના ન હતી.
અફઘાનિસ્તાનની ઘડિયાળ વીસ વર્ષ પાછી ફરી રહી છે. ઘડિયાળના કાંટા ઊંધા ફરે છે. આજથી વીસ વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનો શાસનમાં હતા. હવે ત્યારે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિનું અત્યારે પુનરાવર્તન થઇ રહ્યું છે. ફેર માત્ર એટલો જ છે કે ત્યારે તાલિબાને દુનિયા બહુ ઓળખતી ન હતી અને હવે સહુ એને નખશિખ જાણતા થઈ ગયા છે. ઈસ્લામિક સ્ટેટે અમેરિકા અને ઈરાક વચ્ચેના યુદ્ધમાંથી પોતાનું વિશાળ સૈન્ય ઉભુ કર્યું હતું. આટલા વર્ષોના ઇતિહાસમાં જે ઘટનાઓ ઈરાકમાં, ઇજિપ્તમાં અને સિરિયામાં બની છે એવી જ ઘટનાઓ હવે અફઘાનિસ્તાનમાં આકાર લેવાની છે. દુનિયાએ તાલિબાનોના આવ્યા પછી નાસી જતા લોકોને જોયા છે. પરંતુ અફઘાનિસ્તાનના હજારો વેપારીઓ અને અન્ય શ્રીમંતો તો બેચાર મહિના પહેલા જ ગોગચ્છ થઈ ગયેલા છે. જે બાકી રહી ગયા તે નાણાં વગરના નાથિયા છે. હજુ પણ મોત તેઓના પર સમળીની જેમ ચકરાવા લઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ઈજિપ્ત જેવું શેરીયુદ્ધ એટલે કે સિવિલ વૉર શરૂ થવાને થોડીક જ વાર છે.
આ તમામ સંજોગો વચ્ચે સત્તા અને ડોલરના ભૂખ્યા ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરોએ પોતાની ચોપાટ પણ ગોઠવી દીધી છે. તાલિબાન જેવા બેવકૂફો એમને ક્યાં મળવાના છે કે જેઓ પોતાની જ માતૃભૂમિ પર આતંકવાદ આચરીને હમવતનીઓને હણી રહ્યા છે. ઈસ્લામિક સ્ટેટ કોઈ પણ સંજોગોમાં તાલિબાનોને એકહથ્થુ શાસન કરવા નહિ દે. અત્યાર સુધી તાલિબાનો લડ્યા તે જૂની અફઘાન સરકારને ધ્વસ્ત કરવા અને મહત્ ભૂભાગ પચાવી પાડવા. એ કામ પૂરું થયું. પણ હવે નિષ્કંટક શાસન કરવા માટે જે તાકાત અને જે બુદ્ધિ જોઈએ એનો તાલિબાનોમાં તીવ્ર દુષ્કાળ છે. પંજશીરમાં જે ઝડપથી તાલિબાનોના શિરચ્છેદ થઈ રહ્યા છે તે જોતાં એ લડતને નવા શાસકોએ પડતી મૂકીને નોર્ધન એલાયન્સને માન્યતા આપવી પડશે અને એમ નહિ કરે તો ફરી આખું અફઘાનિસ્તાન નવેસરથી ભડકે બળશે.
તાલિબાની કમાન્ડરો દ્વારા હજુ રાષ્ટ્રભક્તોને દેશદ્રોહી જાહેર કરવાનો સિલસિલો ચાલુ છે. રોજ નવા રક્તપાત અને સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ છે. અફઘાન પ્રજા હવે મૃત્યુથી ડરતી નથી. તેઓ તાલિબાનનો વિરોધ કરતા શીખી ગયા છે. શરૂઆતના દસ દિવસમાં જે ધાક હતી તે હવે નથી. હવે તાલિબાનો રાજકીય સંકટમાં ફસાયા છે. પહેલા એમ લાગતું હતું કે એકત્રીસ ઓગસ્ટે અમેરિકાની સંપૂર્ણ વિદાય બાદ પછીના બીજા જ દિવસે તાલિબાનો નવી સરકારનું ગઠન કરશે પણ એ તો હજુ સંભવિત દેખાતું નથી. કારણ કે રાજકીય વાતાવરણ એટલું તકલાદી છે કે પ્રવાહ હજુય કેવા પલટાશે તે નક્કી નથી. તાલિબાની નેતાઓને જૂના અફઘાન સૈન્ય પર વિશ્વાસ નથી કારણ કે આ સૈન્ય છેલ્લા વીસ વરસથી એની સામે લડતું આવ્યું છે. આ સૈન્યના વડાઓ પાક જાસૂસોની માયાજાળથી વીંટળાયેલા છે. હક્કાની નેટવર્કના વડાઓએ તાલિબાનોને હાંકી મૂકવાનું ફરમાન કરેલું છે જે તો હવે શક્ય નથી.
જ્યાં સુધી જુની અફઘાન સરકારનું પતન થયું ન હતું ત્યાં સુધી આતંકવાદી જૂથ તરીકે તાલિબાનોની આગેકૂચ જારી હતી પરંતુ હવે સ્પર્ધાત્મક અન્ય જૂથો અને આંતરિક શત્રુઓ વચ્ચે તાલિબાનો ઘેરાઈ ગયેલા છે. એમણે સરકાર હાલની ચાલુ સરકાર ટકાવવી હોય તો સો સમાધાન કરવા પડે એવી સ્થિતિ છે. ઈસ્લામિક સ્ટેટના સિરિયાના કમાન્ડરોએ તાલિબાનો પાસે સત્તામાં ભાગીદારી માટેની નવી દરખાસ્ત મોકલી છે. અફઘાનિસ્તાન કબજે કરવાનું કામ એકલા તાલિબાનોનું ન હતું એ વાત હવે જાહેર થઈ ગઈ છે અને જે જે જૂથો તાલિબાન સાથે હતા તે તમામને અફઘાન વિજયમાં પોતાનો ભાગ અને સત્તા જોઈએ છે. એ નહિ મળે ત્યાં સુધી તેઓ જંપવાના નથી. હવે પાકિસ્તાન દોરે ત્યાં આંખે પાટા બાંધીને ચાલવાનું તાલિબાનોનું દુર્ભાગ્ય શરૂ થયું છે. અને પાકિસ્તાન કોઈ રાહબર નથી. કોઈને પણ ભેખડે ભરાવવામાં પાકિસ્તાન નિષ્ણાત છે.
પૂર્વ અફઘાનિસ્તાન પર હક્કાની નેટવર્કના કમાન્ડરોનું જબરજસ્ત પ્રભુત્વ છે અને આ આતંકવાદી જૂથ હવે સરકારમાં સરખા ભાગની ભાગીદ ચાહે છે જે તાલિબાન એને આપી શકે એમ નથી. પાકિસ્તાન આ હક્કાનીઓને પણ સતત ફૂંક મારતું રહે છે. હક્કાની નેટવર્કને ધ્વસ્ત કરવા અમેરિકાએ પાકિસ્તાન ઉપર ઘણું દબાણ કર્યું છે પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી. આખા જગતને છેતરનારા અમેરિકાને પાકિસ્તાન સરકારે સતત છેતર્યું જ છે. અલકાયદા, ઈસ્લામિક સ્ટેટ, પૂર્વીય તુર્કસ્તાન આંદોલન, જૈશ એ મોહમ્મદ, લશ્કરે તોયબા જેવા અનેક જૂથોની ખિચડી વચ્ચે પોતાનો રોટલો શેકવાનું કામ તાલિબાનો માટે લોહચણા ચાવવા જેવું છે.