રશિયા યુદ્ધ જીત્યા વિના તલવાર મ્યાન નહિ કરે તો અણુબોમ્બનો ખતરો નક્કી

યુક્રેનમાં રશિયાની સેના એક પછી એક શહેરો અને વિસ્તારો પર કબજો જમાવી રહી છે અને યુક્રેનની સેના (તથા નાગરિકો) તેઓ મક્કમ પ્રતિકાર કરી રહ્યાં છે, ત્યારે યુ. એન. ના મહાસચિવનું ચિંતા વધારનારું નિવેદન આખી દુનિયાને ધ્રુજાવી રહ્યું છે. પહેલા તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા અને હવે પરમાણુ યુદ્ધની સંભાવનાઓએ વૈશ્વિક વિનાશના સંકેતો આપ્યા છે. જો કોઈપણ બે દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થાય કે કોઈપણ એક દેશ પણ જો પરમાણુ બોમ્બનો પ્રયોગ કે ઉપયોગ કરે તો તે એકાદ-બે સંબંધિત દેશો માટે જ નહીં, પરંતુ આજુબાજુના દેશો સહિત સમગ્ર દુનિયાને તેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો થાય અને એમાં માનવ જિંદગીઓ તો હોમાઈ જ જાય, પરંતુ સંખ્યાબંધ લોકોની હેલ્થ ગંભીર રીતે બગડી જવા પામે અને પ્રદુષિત થયેલા હવા-પાણી આવનારી પેઢીઓને પણ માઠી અસરો પહોંચાડી શકે છે, જેના દૃષ્ટાંતો હિરોશીમા અને નાગાસાકી છે.યુક્રેન ટક્કર ઝીલી રહ્યું છે, તેની પાછળ ત્યાંની સેના અને નાગરિકોનો જુસ્સો તો કારણભૂત છે જ, પરંતુ યુક્રેનને નાટોના દેશો અથવા અમેરિકા પોલેન્ડના માર્ગે જ સૈન્ય મદદ અને શસ્ત્ર-સંરજામ પહોંચાડી રહ્યાં હોવાનું કહેવાય છે. આ સપ્લાઈ ચેઈન તોડવા માટે રશિયા હવે પોલેન્ડ પર પણ હૂમલો કરી શકે છે. અમેરિકાએ પોલેન્ડમાં પેટ્રિએટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમો પણ રશિયાના સંભવિત મિસાઈલ એટેક સામે તૈનાત કરી દીધી છે. રશિયાએ પોલેન્ડની સરહદથી નજીક યુક્રેનના સરહદીક્ષેત્રમાં મિસાઈલો છોડ્યા પછી રશિયા પોલેન્ડ પર હુમલો કરી શકે, તેવી આશંકાઓ હવે સંભાવનાઓમાં બદલી રહી છે. પોલેન્ડ નાટો દેશોનું સભ્ય હોવાથી જો રશિયા પોલેન્ડ પર હુમલો કરે, તો યુરોપિયન દેશોએ પહેલાથી કરેલી જાહેરાત એને નાટો પર હુમલો માની લેવાશે. નાટો દેશોએ રશિયાને ચીમકી આપી રાખેલી છે કે જો રશિયા નાટોના કોઈપણ એક દેશ પર પણ હૂમલો કરશે, તો તેને નાટો પર હૂમલો ગણીને જવાબ અપાશે. આ સંજોગોમાં પોલેન્ડ પર હુમલો એટલે નાટો દેશો સાથે યુદ્ધ છેડવા સમાન કદમ ગણાય. આવું થાય તો પણ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતા વાર નહીં લાગે.બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ ગુટરેસ યુક્રેનની બરબાદી અને યુદ્ધના સંભવિત ભયાનક પરિણામોથી ચિંતિત છે. તેમણે કહ્યું કે, આ યુદ્ધ હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે, અને પરમાણુ યુદ્ધની સંભાવનાઓ પણ ઊભી થવા લાગી છે, અને તેવું થતું અટકાવવા મધ્યસ્થી માટે ભારત, ચીન, જર્મની, ફ્રાન્સ, ઈઝરાયેલ અને તુર્કી સહિતના દેશોના સંપર્ક તેઓ છે. યુ.એન.ના મહાસચિવ એન્ટેનિયો ગુટરેસની ચિંતાઓ તથા તેમના પ્રયાસો સરાહનીય છે, પરંતુ રશિયાની રણનીતિ જોતા મધ્યસ્થતા કેટલી સફળ થાય છે. તેમાં સંદેહ રહે છે. બીજી તરફ હવે જો પરમાણુ યુદ્ધનો ખતરો ઊભો થાય તેમ હોય તો માત્ર બે-પાંચ દેશોએ નહીં, પણ સમગ્ર વિશ્વ સમુદાયે આ યુદ્ધ અટકાવવા દબાણ ઊભું કરવું જોઈએ. અમેરિકા અને ચીનના પ્રતિનિધિ મંડળોની રોમમાં ગોઠવાયેલી કથિત મુલાકાતે પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ મુલાકાત આમ તો યુદ્ધ અટકાવવાના પ્રયાસ તરીકે ગણાવાઈ રહી છે, પરંતુ રશિયાએ ચીન મારફત અમેરિકાને કોઈ પ્રસ્તાવ મોકલ્યો હોય તેવું પણ બની શકે છે, કારણ કે, ચીને પ્રારંભથી જ તટસ્થ રહેવાના નાટક સામે રશિયાની ખૂલ્લી તરફેણ પણ કરી છે.જો કે, રશિયા પર મૂકાયેલ પ્રતિબંધોનો પરોક્ષ ફાયદો ચીન પછી હવે ભારતને પણ થાય તેમ છે કારણ કે, રશિયા પર અમેરિકા અને યુરોપિયન દેશોએ પ્રતિબંધો મૂક્યા પછી રશિયાની પેટ્રોલિયમ પેદાશો, ગેસ વિગેરેની આયાત પણ એ દેશો કરવાના નથી, તેથી આ વધેલો પુરવઠો રશિયા ચીન અને ભારત જેવા એશિયન દેશોને તદ્દન સસ્તા અથવા થોડા ઓછા ભાવે પણ વેંચી શકે છે. ભારતમાં કદાચ આ દિશામાં હિલચાલ પણ શરૃ થઈ છે, ત્યારે હવે વ્યાપારિક અને પેટ્રોલિયમ ક્ષેત્રે પણ વિશ્વ બે ભાગમાં વહેંચાઈ રહેલું જોવાય છે, અને જો યુદ્ધ નહીં અટકે તો ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ રહેલી હોવાની સંભાવનાઓ છે. આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેવી હકીકતને પણ વૈશ્વિક રાજકારણ અને રક્ષા ક્ષેત્રના નિષ્ણાતો નકારી રહ્યાં નથી, કારણ કે રશિયા-યુક્રેનના યુદ્ધ દરમિયાન હવે ઈરાન-ઈરાક વચ્ચે પણ તંગદિલી વધી રહી છે.એક તરફ ચીન એવો દાવો કરે છે કે રશિયાએ તેની પસે કોઈ મદદ માંગી નથી, પરંતુ અમેરિકા અફવા ઉડાવે છે, તો બીજી તરફ એવી વાતો પણ વહેતી થાય છે કે, ચીન અને અમેરિકા વચ્ચે પણ ’બેકડોર’ વાટાઘાટો થઈ રહી છે. આ બધા વચ્ચે અત્યાર સુધી તટસ્થ ભૂમિકામાં રહેલા ભારતે હવે કોઈ સ્ટેન્ડ લેવું જ પડે, તો તેનો ઝુકાવ કદાચ રશિયા તરફ હશે, તેવું માનનારા પણ છે અને ભારત કદાચ યુક્રેનને માનવીય મદદ તથા માનવતાના નામે કોઈ વચલો માર્ગ અપનાવે, તેવું પણ કેટલાક વિશ્લેષકો માને છે. સાંપ્રત સંજોગોમાં તો ભારતે તટસ્થ જ રહેવું જોઈએ, તેવો અભિપ્રાય જ મુખ્યત્વે વ્યક્ત થઈ રહ્યો છે.રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઈરાન-ઈરાક વચ્ચેનો સંઘર્ષ યુદ્ધમાં પરિણમી શકે, તેવી સંભાવનાએ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. ઈઝરાયેલની મધ્યસ્થી રશિયા-યુક્રેન સંઘર્ષ હળવો થાય, તેવી સંભાવનાઓ વચ્ચે ઈરાન-ઈરાક વચ્ચેનો સંઘર્ષ વાસ્તવમાં અમેરિકા-ઈરાનના સંબંધોમાં આવેલી નરમાશને અટકાવનારો પણ બની શકે છે. તેથી આ દુનિયામાં હવે ગમે ત્યારે કાંઈપણ થઈ શકે છે. બીજી બાજુ અનેક દેશો પુતિન પર તાનાશાહીનો આરોપ લગાવે છે ત્યારે શું આ નિર્ણયો લેતા પહેલાં પુતિને કોઈ સાથે સલાહવિમર્શ કર્યો હશે? પુતિને કેટલાક મંત્રીઓ અને સલામતી સલાહકારોના બનેલા ’સિલોવિકી’ તરીકે ઓળખાતા જૂથના પ્રભાવમાં આક્રમક વલણ લીધું છે એવું પણ કેટલાક વિશ્લેષકો માને છે. શું છે ’સિલોવિકી’?પ્રમુખ તરીકે પુતિન પાસે વ્યાપક સત્તાઓ છે અને દેશના વહીવટને લગતા તમામ નિર્ણયો તેમની વ્યક્તિગત સહમતી પછી જ લેવામાં આવે છે. આટલી અબાધિત સત્તાઓ છતાં પુતિન અમુક મહત્ત્વના લોકોની સલાહ લેતા હોય છે. ખાસ કરીને લાંબા સમયથી તેમની સાથે રહેલા અને જેમની પર વિશ્વાસ હોય તેમની સાથે તે ચર્ચા કરતા હોય છે.
તેમના આ અંગત વર્તુળમાં એવા અધિકારીઓ પણ છે, જેઓ સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરી ચૂક્યા છે અને તેમના અભિપ્રાયનું વજન પડતું હોય છે. રશિયામાં એકથી વધુ સુરક્ષા અને કાયદા પાલનની સંસ્થાઓ છે, જેને રશિયન ભાષામાં “સિલોવિકી” (રશિયનમાં “સિલા” એટલે શક્તિદળ). પુતિનની પોતાની કારકિર્દી પણ આવી જ એક સંસ્થા સાથે શરૂ થઈ હતી.સોવિયેટ સંઘની જાસૂસી સંસ્થા કેબીજીમાં તેઓ કામ કરતા હતા. સોવિયેટ વિઘટન પછી તેનું નામ હવે રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ કરી દેવાયું છે. પુતિન સત્તા પર આવ્યા ત્યાર પછી આ પ્રકારનાં સુરક્ષા દળોનો પ્રભાવ વધ્યો છે. મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેનો વૈચારિક મતભેદ પણ વરાળ થઈને ઊડી ગયો હતો એટલે આપણે માની બેઠા હતા કે હવે સૌ એક જ બાજુએ છે. પરંતુ મુશ્કેલી એ છે કે એક જમાનામાં કેજીબીના જાસૂસ રહી ચૂકેલા વ્લાદિમીર પુતિન માટે સોવિયેટ સંઘનું વિઘટન એ જાણે અંગત અફસોસનો મામલો હતો. પૂર્વ જર્મનીમાં કેબીજી અધિકારી તરીકે કામ કરનારા પુતિન માટે આ ઘવાયેલી લાગણીનો ઘા વર્ષો વીતવા સાથે ઊંડો થતો જ ગયો હતો. એક જમાનામાં યુક્રેન યુએસએસઆરનો અગત્યનો ભાગ હતો, તે પણ રશિયન ફેડરેશનમાંથી નીકળી ગયું તેના કારણે પુતિન પોતે જે કોઈ માન્યતા ધરાવતા હતા તેના અપમાન સમાન હતું.એ વાતનો પછી કોઈ અર્થ નહોતો રહ્યો કે રશિયાએ યુક્રેનની આંતરરાષ્ટ્રીય સરહદોને માન્ય કરતા આંતરરાષ્ટ્રીય કરાર પર સહી પણ કરી હતી. ઈ. સ. 2014 સુધીમાં પુતિને એક રસ્તો શોધી કાઢ્યો કે કેવી રીતે ક્રાઇમિયાને પોતાનામાં સમાવી દેવું. યુક્રેનના સૌથી વધુ રશિયન લાગતા આ પ્રતીકાત્મક પ્રદેશમાં સૈનિકોમાં તેમણે ઘૂસણખોરી કરાવી હતી અને તે રીતે તેને હસ્તગત કરી લીધું હતું. રશિયાએ ક્રાઇમિયાને છૂટું પાડી દીધું અને બાદમાં ત્યાં જનમત લેવામાં આવ્યો ત્યારે મહત્તમ રશિયન મૂળના લોકોની વસ્તી હોવાથી તેમણે રશિયામાં ભળી જવા માટેનો મત આપ્યો. આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ હતું. આમ છતાં પશ્ચિમી જગતે કહ્યું કે પોતે રશિયાના પુતિન સાથે હજી પણ કામકાજ કરતું રહેશે.