રાજકીય રીતે મોટા ફેરફારો પણ આવી રહ્યા છે અનેક દિગ્ગજો મોટી ગેઇમ ખેલતા ટૂંક સમયમાં જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,અંગત જીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં અસમંજસ રહે ,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર સાથે વાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં મધ્યમ રહે ,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે.

અગાઉ અત્રે લખ્યા મુજબ અનેક જગ્યાએ આગજનીની ઘટનાઓ બનવા પામી છે વળી રાજકીય રીતે મોટા ફેરફારો પણ આવી રહ્યા છે. અનેક દિગ્ગજો મોટી ગેઇમ ખેલતા ટૂંક સમયમાં જોવા મળશે. મંગળ અને રાહુ ધીમે ધીમે છુટ્ટા પડશે જે રાહતની વાત છે. આજરોજ બુધવાર ને સંકષ્ટ ચતુર્થી છે. સૂર્ય મહારાજ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે તો બુધ મહારાજ આજે મીનમાં નીચસ્થ થવા જઈ રહ્યા છે. બુધ મહારાજ જળતત્વની મીન રાશિમાં બહુ સારી અવસ્થામાં ગણાતા નથી. બુધ જયારે મીનમાં આવે ત્યારે બૌદ્ધિક રીતે વ્યક્તિ સામી કોઈ દલીલ નથી કરતો. અંદર થી વિરોધ હોવા છતાં તે મૌન ધારણ કરે છે અને પ્રવાહ સાથે તરવાની વાત કરે છે. ઉગ્ર માં ઉગ્ર દલીલ થઇ શકે તેવી અવસ્થામાં વ્યક્તિ મૌન ધારણ કરે છે મીનના બુધને તર્ક લડાવવો નથી ગમતો તે પરિસ્થિતિની કમને પણ સ્વીકાર કરી લે છે. મીન ક્યાંક તેને લાગણીથી ભરી દે છે તેથી તે ગણતરીપૂર્વક યોગ્ય નિર્ણય લઇ શકતો નથી. બુધ મહારાજ ને મીનમાં તકલીફ એટલા માટે પડે છે કે બુધ મહારાજ ગણતરીપૂર્વક ચાલે છે જયારે ગુરુના ઘરની મીન રાશિ તેને જીવનની અને વ્યવહારની માયાજાળમાં ખુંપવા દેતા નથી તેથી અહીં વિરોધાભાષ ઉભો થતો જોવા મળે છે.