રાજકોટમાં કોરોનાએ આતંક મચાવ્યો: ૨૪ કલાકમાં ૧૩ના મોત

  • બપોર સુધીમાં ૮૦ કેસ નોંધાયા, ૫૮૯૨ લોકોએ વેક્સિન લીધી

 

રાજકોટમાં કોરોના કેસના વિસ્ફોટ સાથે મોતના આંકડાએ પણ છલાંગ લગાવી છે. શહેરમાં ૨૪ કલાકમાં વધુ ૧૩ દર્દીના મોત નીપજ્યા છે. જોકે કોરોનાથી મોત થયું છે કે નહીં તે અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે. શહેરમાં ૪૮ કલાકમાં ૨૫ દર્દી મોતને ભેટ્યા છે. રાજકોટમાં મોતની સંખ્યા દિવસેને દિવસે વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આજે બપોર સુધીમાં નવા ૮૦ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં આજે સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, ૬૦ વર્ષથી મોટી ઉંમરના અને ૪૫થી ૫૯ વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ ૫૮૯૨ નાગરિકોએ રસી લીધી છે.

રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહૃાો છે. એક્ટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાય રહૃાો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૯૬૧૪ પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં ૧૧૪૩ દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે ૧૨૨ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.