રાજકોટમાં કોરોનાને કારણે ૨૮ લોકોના મોત, કેસની સંખ્યા ૩૭૬૬ પર પહોંચી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સાથે મૃત્યુ આંકની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં શનિવારે સવારે ૮ વાગ્યાથી રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાથી ૨૮ લોકોના મોત થયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા ૩૭૬૬ પર પહોંચી છે. જેમાંથી ૧૫૭૭ દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારે કોરોના મુક્ત થતાં ૧૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં ગઈકાલે ૧૦૧ કેસ પોઝિટિવ નોંધાયા હતા. રાજકોટમાં હવેથી મોતના આંકડાની સંખ્યા તંત્ર દ્વારા ૨૪ કલાક બાદ જાહેર કરવામાં આવશે. શનિવારે સવારે ૮ વાગ્યાથી રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજકોટમાં ૨૮ દર્દીનો મોત નિપજ્યાં છે. જેમાં શહેરના ૨૫, ગ્રામ્યના ૧ અને અન્ય જિલ્લામાંથી આવતા ૨ દર્દીના મોત નિપજ્યા છે. રવિવારના મોતના આંકડા મંગળવારે જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી દિલીપ ગાંધીનું કોરોનાથી મોત નિપજ્યું છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા મનપાએ શહેરના ૧૫૨ જેટલા નાના મોટા બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજકોટ શહેરમાં હજુ પણ બાગ-બગીચા ખોલવામાં આવશે નહીં.