રાજકોટમાં કોરોના વિસ્ફોટ: ૨૪ કલાકમાં છના મોત, બપોર સુધીમાં ૬૧ પોઝિટિવ કેસ

રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આજે શહેરના રૈયા ચોકડી પાસે સવારથી કોરોના ટેસ્ટિંગ બૂથ પર સ્વયંભૂ ટેસ્ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં રાહદૃારીઓ પણ ટેસ્ટ કરવા માટે જોડાયા હતા. આ સ્વયંભૂ ટેસ્ટ દરમિયાન અધધ કહી શકાય તેમ એક સાથે ૨૫ લોકો પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. અને આ પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીના મોત થયા છે. જોકે, અંતિમ નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ત્રણ દિવસથી ૨૦ જેટલા દર્દીના કોરોનાથી મોત થયા છે. ગઇકાલે કોરોનાથી ૮ દર્દીના મોત થયા હતા. ત્યારે કેસની સાથોસાથ મેતનો આંકડો ઉંચો આવતા આરોગ્ય વિભાગ મુંઝવણમાં મૂકાયું છે. શહેરમાં આજે બપોરે સુધીમાં ૬૧ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૮૩૧૬ પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૬૨૪ દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે ૮૦ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટમાં ૧૫૦ દર્દીના કોરોનાથી મોત નીપજ્યાનું મનપાએ સત્તાવાર જણાવ્યું છે.

વકરતી મહામારીને રોકવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળોએ બુથ ઉભા કરવા કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. જ્યારે દરરોજ અનેક લોકો સાથે મુલાકાત થતી હોય તેમજ તેમનો સ્પર્શ થતો હોય તે પ્રકારના શાકભાજીના ૮૦૦થી વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા માટે ફરી વખત કવાયત હાથ ધરી છે. ગત સપ્ટેમ્બર માસમાં તમામ ફેરિયાઓને હેલ્થકાર્ડ આપી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામારી તળીયે જતા સમગ્ર કામગીરી બંધ કરી દેવાઇ હતી.