રાજકોટ તાલુકા બાદ જિલ્લામાં સિંહોનો પડાવ, ૮ ગાયોનું મારણ કર્યું

રાજકોટ તાલુકા બાદ હવે જિલ્લામાં પણ સિંહોએ ધામા નાખ્યા છે. રાજકોટ જિલ્લાના આરબ ટીંબળીમાં સિંહના ટોળાએ ગૌશાળામાં ઘુસી જઈ ૮ ગાયોનું મારણ કર્યું છે. મોટી સંખ્યામાં સાવજોએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આરબ ટીંબળીમાં ૧૦થી વધુ સિંહોએ ધામા નાખ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળુ ચડી આવ્યું હતું અને આરબ ટીંબળીની ગૌશાળામાં ઘૂસી ગયું હતું. સિંહોએ ૮ જેટલી ગાયોનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ગીર અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો.

રાજકોટના સીમાડે આવી ચડેલા ત્રણ સાવજોનું લોકેશન રેડિયો કોલરના આધારે સરળતાથી ટ્રેસ થતું રહૃાું છે. ત્રણમાંથી એક નર સિંહના ગળે રેડિયો કોલર છે અને એના આધારે ગતિવિધિની માહિતી મળી જાય છે. તેમ છતાં વન વિભાગની ત્રણ ટીમ છેલ્લા ૨૦ દિવસથી રાત-દિવસ સાવજ ત્રિપુટીની પાછળ જ છે. સાવજોને પકડવા કે તેવી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, પરંતુ એના લોકેશન ટ્રેસ કરતા રહીને ગતિવિધિ પર વોચ રાખવામાં આવી રહી છે.