અમરેલી,
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ આજે રાજમહેલની મુલાકાત લીધી હતી. થોડા માસ પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસન વિભાગને રાજમહેલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારના હેરિટેજ કાર્યો માટે ખાસ નિયુક્ત કરવામાં આવેલા આર્કિટેક્ટશ્રીઓએ આજે પોતાની ટીમ સાથે રાજમહેલની મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આગામી દિવસોમાં રાજમહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તેમજ રીનોવેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લો જ્યારે બરોડા રાજ્યનો ભાગ હતો ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892 દરમિયાન આ રાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના રહેઠાણ માટે બનાવવામાં આવેલા આ બે માળના ભવ્ય મહેલનો ઉપયોગ લોક દરબારનું આયોજન કરવા માટે પણ થતો હતો. પછીના વર્ષોમાં મહેલની ઇમારતનો ઉપયોગ સરકારી કચેરીઓ તરીકે પણ થતો હતો.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિની જાળવણી આવનારી પેઢી માટે અત્યંત જરૂરી છે.
જો રાજમહેલને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવે તો અમરેલીની જનતા માટે ગાયકવાડી રાજવંશનું લોકપ્રિય સંભારણું સદંતર સલામત રહેશે અને પ્રવાસીઓની સંખ્યામાં મોટાપ્રમાણમાં વધારો થશે.