રાજસ્થાન કૉંગ્રેસમાં અશોક ગહલોત વર્સીસ સચિન પાઇલટના જંગમાં શુક્રવારે અચાનક નવો વળાંક આવી ગયો. ગહલોત એક તરફ સચિન પાઇલટને સાવ નવરા કરી દેવા મચી પડ્યા છે ને તેને માટે જાતજાતના ઉત્પાત મચાવી રહ્યા છે. પાઇલટ અને તેના સાથીઓ રાજસ્થાન વિધાનસભાના સભ્ય જ ન રહે એ માટે ગહલોતના ઈશારે સ્પીકરે તેમને ધારાસભ્યપદેથી ભંગ કરવાની નોટિસ આપી છે. કૉંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી તેમાં હાજર રહેવા બધા ધારાસભ્યોને કૉંગ્રેસ વ્હીપ આપેલો. એ છતાં પાઇલટ અને તેમના સાથીઓ હાજર ના રહેતાં ગહલોતે પાઇલટને ધારાસભ્યપદેથી જ ગેરલાયક ઠેરવવાનો ઉપાડો લીધો છે. કૉંગ્રેસીઓ કઈ હદે નાગાઈ પર ઉતરી શકે છે તેનો આ પુરાવો છે. સંસદીય પ્રણાલિમાં વ્હીપ વિધાનસભાની અંદરની કાર્યવાહી માટે અપાય છે. રાજસ્થાન કૉંગ્રેસની ખેલ વિધાનસભાની બહાર ભજવાઈ રહ્યો છે ત્યારે તેને માટે વ્હીપ શાનો ને વાત શાની ?
આ વાત નાના છોકરાને પણ સમજાય એવી છે છતાં કૉંગ્રેસના ઈશારે સ્પીકરે એ છતાં વ્હીપ આપી દીધો છે. સ્પીકરે જે કંઈ કર્યું એ બધું રાજસ્થાન હાઈકોર્ટમા ગયું છે ને હાઈકોર્ટ બંધારણીય જોગવાઈને અનુરૂપ ચુકાદો આપશે જ તેથી તેની વાત કરવાનો અર્થ નથી પણ દરમિયાનમાં કૉંગ્રેસે રાજસ્થાનમાં નવી લુચ્ચાઈ કરી દીધી. રાજસ્થાનમાં એક ઓડિયો ક્લિપ ફરી રહી છે. આ ક્લિપમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત કૉંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્મા સાથે વાત કરે છે એવો દાવો છે. આ ક્લિપમાં પૈસાની લેવડદેવડ અંગે ચર્ચા થઈ રહી છે એવો દાવો કરીને ગહલોત સરકારે શેખાવત અને કૉંગ્રેસના બે ધારાસભ્યો સામે રાજદ્રોહનો કેસ ફટકારી દીધો છે. શેખાવતે ગહલોત સરકારને ઊથલાવવા કશું કર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે. રાજસ્થાન પોલીસ એ તપાસ કરશે ને તેનું શું પરિણામ આવશે એ આપણને ખબર નથી પણ શેખાવત સામે નોંધાયેલો કેસ કૉંગ્રેસનાં બેવડાં ધોરણોનો નાદર નમૂનો છે. પોલીસે શેખાવત અને કૉંગ્રેસના બે ધારાસભ્યો સામે નોંધાવેલી બે એફઆઈઆર પૈકી એક એફઆઈઆરમાં રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. રાજસ્થાનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) સમક્ષ નોંધાવાયેલી ફરિયાદ પૈકી એક ફરિયાદમાં ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની કલમ 120 – બી લગાવાઈ છે કે જે કાવતરું રચવા માટેની છે. બીજી એફઆઈઆરમાં કલમ 124 – એ લગાવાઈ છે કે જે રાજદ્રોહને લગતી છે. શેખાવતે કૉંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને ખરેખર કાવતરું રચેલું કે નહીં એ આપણને ખબર નથી પણ એ કલમ લગાવાય તો એ સમજી શકાય એવી વાત છે પણ રાજદ્રોહની કલમ શાને માટે એ સમજવું અઘરૂં છે. કૉંગ્રેસ પોતે આ કલમનો દુરૂપયોગ થાય છે એવું કહેતી રહી છે. ભાજપ રાજદ્રોહની કલમનો દુરૂપયોગ પોતાના રાજકીય વિરોધીઓને ફિટ કરી દેવા માટે કરે છે એ મુદ્દે કૉંગ્રેસે ભૂતકાળમાં બહુ ધમાલ કરેલી છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે ભાજપ સરકારે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ કરી તેને અંદર કરી નાંખેલો ત્યારે કૉંગ્રેસે આભ માથે લીધેલું. લોકસભાની ચૂંટણી વખતે બહાર પાડેલા ચૂંટણી ઢંઢેરામાં તો કૉંગ્રેસે આ કલમ નાબૂદ કરવાનું વચન આપેલું. હવે કૉંગ્રેસની જ સરકારે પોતે એક કેન્દ્રીય પ્રધાન અને પોતાના પક્ષના બે ધારાસભ્યો સામે રાજદ્રોહની કલમ લગાવી છે. કૉંગ્રેસ અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ બીજું જ કંઈક એ માનસિકતામાં માને છે તેનો આ પુરાવો છે. ગુજરાતમાં ભાજપ સરકારે હાર્દિક પટેલને જે રીતે રાજદ્રોહના કેસમાં ફિટ કરેલો એ જ રીતે કૉંગ્રેસે શેખાવત અને બે ધારાસભ્યોને ફિટ કરવાનો કારસો કર્યો છે. ભાજપ સરકારે પણ હાર્દિક પટેલ સામે સરકારને ઊથલાવવાનું કાવતરું રચવાનો આરોપ મૂકીને રાજદ્રોહનો કેસ કરી દીધેલો ને ગહલોત સરકારે પણ એ જ કર્યું છે. એ જ પ્રકારના આરોપો ને એ જ કલમો હેઠળ કેસ કર્યા છે. આ બેવડાં ધોરણો જ કહેવાય કે બીજું કંઈ? ભાજપે હાર્દિક પટેલ સામે આ કલમ લગાડી ત્યારે કૉંગ્રેસ રાજકીય કિન્નાખોરીના આક્ષેપ કરતી હતી. હવે કૉંગ્રેસ શું કરે છે? કૉંગ્રેસમાં નીતિમત્તા જેવું કશું છે જ નહીં તેનો પણ આ ઘટના પુરાવો છે. નીતિમત્તા હોય તો પોતે જે કલમને સાવ કાઢી નાંખવાની વાત કરે છે એ જ કલમ હેઠળ કેસ કરે ખરી? ગહલોત સરકારે શેખાવત સામે રાજદ્રોહની કલમ કિન્નાખોરીના ભાગરૂપે જ લગાડી છે. આ કલમ હેઠળ કોઈ વ્યક્તિ દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવા પ્રયત્ન જાહેર પ્રવૃત્તિ રૂપે કરે તો તેની સામે રાજદ્રોહનો કેસ નોંધાય. આ કલમમાં રાજ એટલે કે શાસન સામે ષડયંત્ર રચવાની પ્રવૃત્તિને પણ સામેલ કરવામાં આવી છે. શેખાવતે દેશની એકતા કે અખંડિતતાને નુકસાન થાય એવું કશું કર્યું નથી કે શાસન સામે કોઈ ષડયંત્ર રચ્યું નથી. ઓડિયો ટેપની વાતને જ પહેલાં તો પુરાવા તરીકે ના સ્વીકારાય પણ માનો કે ટેપને સાચી માનીએ તો પણ શેખાવત તેમાં એવી કોઈ વાત કરતા નથી કે જેને કાવતરૂં ગણી શકાય. રાજકીય દાવપેચને કાવતરું ના કહેવાય. હાર્દિક પટેલે પાટીદારો માટે અનામતની માગણી કરીને સરકાર વિરુદ્ધ કશું નહોતું કર્યું. લોકશાહી દેશમાં લોકશાહી ઢબે કોઈ માગણી કરવી એ શાસન સામેનું કાવતરું ન કહેવાય. એ દેશના દરેક નાગરિકનો અધિકાર છે ને હાર્દિક પટેલે એ અધિકારનો ઉપયોગ કરેલો. એ જ રીતે રાજકીય પ્રવૃત્તિ દ્વારા કોઈ સરકારને ગબડાવવી એ પણ શાસન વ્યવસ્થા વિરુદ્ધ કાવતરું ન કહેવાય. તેને તમે કાવતરું ગણતા હો તો અમિત શાહ પણ જેલમાં જાય ને શિવરાજસિંહ ચૌહાણ પણ જેલમાં જાય, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જેલમાં જાય ને યેદિયુુરપ્પા પણ જેલમાં જાય. આ યાદી એટલી લાંબી થાય કે નામ ગણતાં ગણતાં થાકી જઈએ પણ એ કોઈ જેલમાં નથી કેમ કે આ રીતે સરકાર ઊથલાવવી એ રાજદ્રોહ જ નથી. શેખાવતે ગહલોત સરકારને ઉથલાવવા નાણાંની લેવડદેવડ કરી કે બીજો કોઈ ભ્રષ્ટાચાર કર્યો તેના પુરાવા હોય તો ચોક્કસ એ બદલ તેમની સામે કેસ પણ કરી શકાય ને તેમને જેલભેગા પણ કરી શકાય પણ એ સંજોગોમાં પણ રાજદ્રોહની કલમો તો ન જ લગાવાય. આપણે ત્યાં કહેવત છે કે, સાપ ગયા ને લિસોટા રહ્યા. રાજદ્રોહની કલમ તેનો સૌથી શ્રેષ્ઠ નમૂનો છે. આ કલમ અંગ્રેજોએ બનાવેલી કેમ કે અંગ્રેજોને તો પોતાની સામેની તમામ રાજકીય પ્રવૃત્તિઓને ડામી દેવામાં જ રસ હતો. પોતાની સામે જે પણ પડે તેના પર રાજદ્રોહનો કેસ ઠોકીને તેને છ-બાર મહિના માટે ફિટ કરી દેવો એ અંગ્રેજોની નીતિ હતી. અંગ્રેજોએ આ કાયદા દ્વારા રીતસરની મનમાની કરી. કમનસીબે આપણા શાસકો પણ તેમના રસ્તે જ ચાલી રહ્યા છે. રાજદ્રોહની કલમ હોવી જોઈએ કે ન હોવી જોઈએ એ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલે છે ને વાસ્તવમાં આ કલમની હવે જરૂર નથી. રાજદ્રોહની કલમ હેઠળ જાહેર જનતાને ભડકાવવાની કોશિશ કરનાર કે હિંસા ભડકાવવાની કોશિશ કરનારને જેલભેગો કરી શકાય છે. જો કે અત્યારે એ માટે બીજી વધારે આકરી કલમો છે જ એ જોતાં રાજદ્રોહની કલમ અપ્રસ્તુત બની ગઈ છે પણ છતાં કોઈ રાજકીય પક્ષ તેને કાઢતો નથી કેમ કે બધાંને આ કલમનો દુરૂપયોગ કરવામાં રસ છે. ભાજપ હોય કે કૉંગ્રેસ, બધાંને આ કલમનો ઉપયોગ કરીને રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવાનો વિકૃત આનંદ લેવામાં મજા આવે છે. રાજસ્થાનમાં શેખાવત સામેના રાજદ્રોહના કેસમાં ખાલી કૉંગ્રેસીઓ જ મજા લઈ રહ્યા છે એવું નથી. વસુંધરા રાજે સહિતના ભાજપના નેતા પણ આ મજા લઈ રહ્યા છે. વસુંધરા અને શેખાવતને ઊભા રહ્યે બનતું નથી. શેખાવત અમિત શાહની આંગળી પકડીને ચાલે છે ને વસુંધરા મેડમ પોતાના સિવાય બધાંને ભાજીમૂળા સમજે છે. શાહે વસુંધરાને પાંસરાં કરવા શેખાવતને પ્રદેશ પ્રમુખ બનાવેલા પણ વસુંધરાએ તેમને ઘૂસવા જ ના દીધી. છેવટે શાહે નીચી મૂંડી કરીને વસુંધરાના માણસને પ્રદેશ પ્રમુખ બનાવવા પડેલા. રાજસ્થાનમાં અમિત શાહ એન્ડ કંપની ગહલોત સરકારને ઊથલાવવા સક્રિય થઈ તેથી વસુંધરા આણિ મંડળીને પણ સ્કોર સેટલ કરવાની તક મળી ગઈ. વસુંધરાએ કૉંગ્રેસના ધારાસભ્યોને ફોન કરી કરીને ગહલોતની પડખે ઊભા રહેવા કહેલું એવો આક્ષેપ હજુ ગુરૂવારે જ સાંસદ હનુમાન બેનિવાલે કરેલો. બેનિવાલ શાહ અને શેખાવતના ભક્ત છે પણ વસુંધરાના કારણે ભાજપ છોડવો પડેલો તેથી આ બહાને તેમણે વસુંધરા સામે બળાપો કાઢી લીધો. સામે વસુંધરાએ શેખાવત સામે કેસ કરાવીને અહેસાસ કરાવી દીધો કે, પોતાની પહોંચ ક્યાં સુધી છે. |
|