રાજસ્થાનનું રાજ લેવા જતાં પાયલોટ હવામાં લટકી રહ્યા છે

રાજસ્થાન કોંગ્રેસમાં અશોક ગહલોત વર્સીસ સચિન પાઈલોટના જંગમાં એન્ટિક્લાઈમેક્સ આવી ગયો છે. ગહલોત સામે બગાવતે ચડેલા સચિન પાઈલોટ રવિવારે પોતાના વફાદાર 23 ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા ત્યારે એવું લાગતું હતું કે, પાઈલોટ પૂરી તૈયારી સાથે મેદાનમાં આવ્યા છે ને આ વખતે અશોક ગહલોતનો ખેલ ખતમ કરીને જ જંપશે. સચિન પાઈલોટે રવિવારે સાંજે અશોક ગહલોત સરકાર લઘુમતીમાં હોવાનું એલાન કર્યું ત્યારે એવી વાતો શરૂ થઈ ગયેલી કે, પાઈલોટ પણ મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાના રસ્તે છે ને કોંગ્રેસની સરકારને ઘરભેગી કરવા માટે ભાજપમાં જોડાવાની તૈયારી કરીને આવ્યા છે.

કેટલીક અતિ ઉત્સાહી ટીવી ચેનલોએ તો એવી વાતો પણ શરૂ કરી નાખેલી કે, સોમવારે બપોરે સચિન પાઈલોટ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ જશે ને ગહલોત સરકારને ઘરભેગી કરી દેવાના ભાજપના મહા અભિયાનમાં પૂરી તાકાતથી જોતરાઈ જશે. નડ્ડા સાથે બધું પાકે પાયે નક્કી થઈ ગયું છે ને હવે છેલ્લો ઘા મારવાનો જ બાકી છે. પાઈલોટે પોતા સાથે 30 ધારાસભ્યો હોવાનો દાવો કરેલો, જ્યારે આ ટીવી ચેનલોએ પાઈલોટ પાસે 30 કરતાં પણ વધારે ધારાસભ્યો હોવાનો દાવો કરવા માંડેલો. મધ્ય પ્રદેશ અને કર્ણાટક પછી ભાજપે કઈ રીતે રાજસ્થાનમાં પણ ખેલ પાડ્યો તેની વાર્તાઓ પણ વહેતી થઈ ગયેલી.

સોમવારે આ બધી વાતોનું સુરસુરિયું થઈ ગયું હોય એવું સ્પષ્ટ દેખાય છે. અશોક ગહલોત વધારે કાબા ને પાઈલોટ કરતાં વધારે તાકતવર પણ સાબિત થયા છે એવું દેખાઈ જ રહ્યું છે. ગહલોતને કદાચ પાઈલોટ કશુંક આડુંઅવળું કરશે એવો અંદાજ આવી જ ગયેલો તેથી એ બધી તૈયારી કરીને બેઠા હોય એ રીતે વર્તી રહ્યા છે. રવિવારે દિલ્હી પહોંચેલા પાઈલોટ કશું કરે એ પહેલાં ગહલોતે ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો ખેલ માંડી દીધો હતો ને રવિવારે રાત્રે જ શક્તિ પ્રદર્શન કરીને બહુમતી પોતાની તરફેણમાં છે એવું ચિત્ર ઊભું કરવામાં પણ સફળ થઈ ગયેલા. ગહલોતના ઘરે રવિવારે સાંજે જ નેવું કરતાં વધારે ધારાસભ્યોનો ઝમેલો થઈ ગયેલો. તેના કારણે જિસ કી તડ મેં લડ્ડુ ઉસ કી તડ મેં હમ એવી માનસિકતા ધરાવતા ધારાસભ્યો ગહલોતની પંગતમાં બેસી ગયા. આ શક્તિ પ્રદર્શન પછી કોંગ્રેસે રવિવારે રાત્રે અઢી વાગ્યે મીડિયા બ્રિફિંગ કરીને પોતાની સરકાર સલામત હોવાનું એલાન કર્યું.

જયપુરમાં ગહલોતના ઘરે કોંગ્રેસી ધારાસભ્યોને જમાવડો જોયા પછી ભાજપે તો સોમવારે સવારે જ હાથ ખંખેરી નાખેલા. રાજસ્થાનમાં ગહલોત સરકારને ગબડાવીને ઘરભેગા કરવાની અમારી કોઈ યોજના નથી એવું ભાજપે સોમવારે જ જાહેર કરી દીધેલું. ભાજપની પીછેહઠથી ફોર્મમાં આવી ગયેલા ગહલોતે સોમવારે સવારે પાછું શક્તિપ્રદર્શન કર્યું ને આ વખતે ઘરમેળે કશું કરવાના બદલે મીડિયાની સામે કર્યું. રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે. આ સિવાય અપક્ષો ને બીજા મળીને ગહલોત સરકારને કુલ 125 ધારાસભ્યોનો ટેકો છે. ગહલોતે સોમવારે સવારે બોલાવેલી બેઠકમાં 107 ધારાસભ્યો હાજર રહ્યા ને ગહલોતના પક્ષે બહુમતી છે એ સાબિત થઈ ગયું. પાઈલોટ અને તેમના વફાદાર બે મંત્રી હાજર ના રહ્યા, પણ તેના કારણે બહુ ફરક નથી પડ્યો. પાઈલોટ પોતાની સાથે 30 ધારાસભ્યો હોવાની વાતો કરતા હતા, પણ ગહલોતના ઘરે ઊમટેલા ધારાસભ્યોની ગણતરી માંડો તો પાઈલોટ સાથે 10 થી વધારે ધારાસભ્યો નથી એ સ્પષ્ટ છે.

પાઈલોટે બગાવત કરવાનું નક્કી કર્યું ત્યારે કેટલાક ધારાસભ્યોએ પાઈલોટની પડખે રહેવાનું કહ્યું હશે, પણ અત્યારે એ બધા ફરી ગયા છે ને પાઈલોટની પડખે નથી એ સ્પષ્ટ થઈ ગયું છે. ગહલોતે જે રીતે શક્તિ પ્રદર્શન કર્યું એ જોતાં લાગે છે કે, પાઈલોટની બગાવતની વાતનું સુરસુરિયું થઈ ગયું છે ને ગાજ્યા મેઘ વરસ્યા નથી. ગહલોત જેવા જમાનાના ખાધેલા ખેલાડી સામે પાઈલોટ કાચા ખેલાડી સાબિત થયા છે.

પાઈલોટ બે મોરચે કાચા ખેલાડી સાબિત થયા. સૌથી પહેલાં તો તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ પોતાના વફાદાર કેટલા છે તેનું બરાબર હોમવર્ક ન કર્યું. રાજકારણમાં મીઠું બોલનારા બધા તમારા વફાદાર હોય એ જરૂરી નથી એ વાત પાઈલોટ કદાચ ના સમજ્યા તેથી પૂરી તૈયારી કર્યા વિના જ કૂદી પડ્યા. ગહલોતને હૂલ આપવા તેમણે બગાવત તો કરી પણ સાથે ધારાસભ્યો જ નહોતા તેમાં તેમની બાંધી મુઠ્ઠી ખૂલી ગઈ. પાઈલોટ એ રીતે પણ કાચા સાબિત થયા કે, ભાજપની મદદ લીધા વિના પોતાના જોરે બધું કરવા નિકળ્યા. સિંધિયાએ કે કર્ણાટકમાં કુમારસ્વામીને ઘરભેગા કરનારા કોંગ્રેસના નેતા મહિનાઓથી ભાજપના સંપર્કમા હતા ને ભાજપને બધી રીતે બાંધી લીધા પછી તેમણે સાહસ ખેડેલું. પાઈલોટે પણ એ રસ્તો અપનાવ્યો હોત તો તેમના વફાદાર ગણાતા માણસોને પણ તેમનામાં વિશ્ર્વાસ પેદા થયો હોત. એ લોકો પણ આ મિશનને પાર પાડવા સક્રિય થયા હોત કેમ કે ભાજપ તેમને પ્રધાનપદ આપે એવી લાલચ પેદા થઈ હોત. પાઈલોટ એ ના કરી શક્યા તેમાં તેમનો ખેલ બગડી ગયો.

પાઈલોટ સામેના જંગમાં ગહલોતની જીત પછી હવે ગહલોતને ગાદી પરથી કોઈ હટાવી નહીં શકે એ નક્કી થઈ ગયું છે પણ સવાલ સચિન પાઈલોટનું શું થશે તેનો છે. અત્યારે જે સ્થિતિ છે તેમાં પાઈલોટની હાલત ધોબાની કૂતરા જેવી થઈ ગયેલી દેખાય છે. ના ઘરના ના ઘાટના. ગહલોતે ધારાસભ્યોને પોતાની તરફ કરી લીધા પછી હવે પાઈલોટ તેમને ગબડાવી શકે તેમ નથી. ગહલોત સામે તેમને જે ઝઘડો છે તેના મૂળમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખપદનો ડખો પણ છે. પાઈલોટ રાજસ્થાનના નાયબ મુખ્ય મંત્રી છે ને સાથે સાથે પ્રદેશ પ્રમુખ પણ છે. હવે તેમને એ બન્ને પદ પરથી હટાવવામાં આવ્યા છે. ગહલોત જૂથ પાઈલોટ કોઈ એક હોદ્દા પર રહે એવું ઈચ્છે છે ને તેના કારણે ડખો છે. આ સિવાય પાઈલોટને મુખ્યમંત્રી બનવા ન મળ્યું તેનો પણ ખાર છે જ. પાઈલોટ બગાવતમાં નિષ્ફળ ગયા તેથી હવે પોતાનું ધાર્યું નહીં કરાવી શકે ને કોંગ્રેસમાં રહેવું હશે તો હાઈકમાન્ડ કહેશે એમ કરવું પડશે. ગહલોતનો હાથ હવે ઉપર છે તેથી એ પાઈલોટને બંને હોદ્દા પર તો નહીં જ રહેવા દે એ નક્કી છે. આ સંજોગોમાં પાઈલોટે કોંગ્રેસમાં રહેવું હશે તો એક હોદ્દો છોડવો પડશે.

પાઈલોટ પાસે બીજો વિકલ્પ ભાજપમાં જવાનો છે પણ ભાજપમાં તેમને લીલા તોરણે પોંખવામાં આવે એવું બનવાનું નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસની સરકારને ઘરભેગી કરી શકાય એ રીતે ધારાસભ્યોનું ઝૂંડ સાથે લઈને પાઈલોટ ભાજપમાં જોડાયા હોત તો ભાજપવાળા તેમની પાલખી ઊંચકીને ફરતા હોત. અત્યારે જે રીતે સિંધિયા થૂંકવા મોં ખોલે ને ભાજપના નેતા ખોબો ધરીને ઊભા રહી જાય છે એવાં માનપાન પાઈલોટને મળ્યાં હોત, પણ પાઈલોટ એ ન કરી શક્યા એટલે ભાજપમાં પણ તેમના ધાર્યા દામ ન આવે. ભાજપ તો આવવા માગતો હોય એવા કોઈને ના પાડતો જ નથી તેથી એ પાઈલોટને ના પાડવાનો જ નથી, કોંગ્રેસે વરસો સુધી આ જ ધંધા કર્યા હતા. હવે જો પાઈલોટ ભાજપમાં જાય તો સામે પાઈલોટને કશું આપે પણ નહીં એ જોતાં ભાજપમાં જવાનો તો અર્થ જ નથી.

પાઈલોટ ભવિષ્યમાં ભાજપમાં જઈ શકે કેમ કે ભાજપને કોંગ્રેસની સરકારને ઊથલાવે એવી કોઈ પણ વ્યક્તિમાં રસ પડે છે. આ કારણે પાઈલોટમાં તેમને ગઈ કાલે પણ રસ હતો, આજેય છે ને આવતી કાલે પણ રહેશે, પણ શરત એટલી જ છે કે, પાઈલોટ તેમના માટે કામના સાબિત થાય. અત્યારે પાઈલોટ ભાજપનો આ રસ જળવાય એવું કશું ના કરી શક્યા તેથી ભાજપને રસ ઊડી ગયો છે. આ સંજોગોમાં પાઈલોટ માટે અત્યારે ભાજપમાં જવાનો વિકલ્પ વિચારવા જેવો જ નથી.

પાઈલોટ માટે ત્રીજો વિકલ્પ પોતાનો પ્રાદેશિક પક્ષ ઊભો કરવાનો છે. પાઈલોટ ગુર્જર નેતા છે ને તેમના પિતાનો ભારે દબદબો હતો. ગુર્જર મતબેંક મોટી છે ને દૌસા-ભરતપુરના ઈલાકામાં ગુર્જરોનો દબદબો છે. આ સંજોગોમાં પાઈલોટ પ્રાદેશિક પક્ષ ઊભો કરે તો એ રાજકીય રીતે ટકી શકે. અલબત્ત આ વિકલ્પ પણ બહુ સારો તો નથી જ કેમ કે રાજસ્થાનનું નાયબ મુખ્ય મંત્રીપદ છોડીને નવો પક્ષ ઊભો કરવાના ધખારા કરવા એ મૂર્ખામી જ કહેવાય. આ સંજોગોમાં પાઈલોટ પાસે સૌથી સારો વિકલ્પ તો કોંગ્રેસમાં પડ઼ી જ રહેવાનો છે. પાઈલોટના સદનસીબે કોંગ્રેસે તેમને સાવ હડધૂત કર્યા નથી. બલકે પાઈલોટને પોતાની સાથે વાત કરવા માટે વારંવાર નોતર્યા છે. કોંગ્રેસે આ ડખાનો ઘરનો મામલો ગણાવ્યો છે ને તેનો ઘરમેળે ઉકેલ લાવીશું એવું એલાન પણ કર્યું છે. કોંગ્રેસ પણ સમજે છે કે, ગહલોત તો ખર્યું પાન છે, પણ પાઈલોટ લાંબી રેસનો ઘોડો છે તેથી તેને જવા દેવા જેવો નથી. પાઈલોટ પણ આ વાત સમજ્યા છે તેથી ભાજપમાં જોડાવાનો તેમણે સાફ ઈનકાર કરી દીધો છે. એક ઠોકર વાગ્યા પછી તેમને પણ કદાચ અક્કલ આવી છે.