રાજસ્થાનમાં પણ રાજકીય ઉથલપાથલ ગેહલોત-પાયલોટ વોરમાં હાઈકમાન્ડ ચૂપ

ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહી છે ત્યારે બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરતાં કરતાં પોતાનો રાજકીય હિસાબ સરભર કરવામાં પડ્યા છે. અશોક ગહલોતે સચિન પાઈલટને ગદ્દાર ગણાવીને સાફ શબ્દોમાં કહી દીધું કે, એક ગદ્દાર કદી મુખ્યમંત્રી ન બની શકે અને હાઈકમાન્ડ સચિન પાઈલટને મુખ્યમંત્રી ન બનાવી શકે.
અશોક ગહલોતે 2020માં રાજસ્થાનમાં ઊભા થયેલા રાજકીય સંકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ પક્ષના પ્રમુખે પોતાની સરકાર પાડવાનો પ્રયાસ કર્યો હતો. પાઈલટને કોંગ્રેસની સરકારને પાડવા માટે ભાજપ તરફથી નાણાં આપવામાં આવ્યા હતા. ભાજપની દિલ્હી ઓફિસથી 10 કરોડ રૂપિયા આવ્યા હતા એવા મારી પાસે પૂરાવા છે. તેમાંથી કોને કેટલાં નાણાં આપવામાં આવ્યાં તે મને ખબર નથી પણ પાઈલટની ભાજપ સાથે સાંઠગાઠ હતી તેમાં શંકા નથી, પાઈલટ ભાજપની મદદથી કોંગ્રેસ સરકારને ગબડાવવા માંગતા હતા તેમાં બેમત નથી.
ગહલોતનો દાવો છે કે, સચિન પાઈલટે દિલ્હીમાં ભાજપના બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનને મળીને કોંગ્રેસ સરકારને પાડવાનો કારસો કરેલો. ધર્મેન્દ્ર પ્રધાન તો પાઈલટ જૂથના બળવાખોર ધારાસભ્યો રોકાયા હતા એ હોટલમાં પણ ગયા હતા. ગહલોતે દાવો કર્યો કે, 2009માં યુપીએની સરકાર બની ત્યારે પોતે જ પાઈલટને કેન્દ્રીય મંત્રી બનાવવાની ભલામણ કરી હતી પણ પાઈલટે ગદ્દારી કરીને ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. પાઈલટ પાસે 10 ધારાસભ્યો નહોતા છતાં તેમણે બળવો કરીને પાર્ટીને દગો આપ્યો અને ગદ્દારી કરી છે.
ગહલોતના આક્ષેપોનો પાઈલટ જૂથે પણ જવાબ આપ્યો છે. પાઈલટ જૂથ વતી રાજસ્થાનના મંત્રી રાજિન્દરસિંહ ગુઢાએ ગહલોતના નિવેદનને બાલિશ ગણાવીને કહ્યું છે કે, આ પ્રકારની બકવાસ ને પુરાવા વિનાની વાતો ગહલોત કેમ કરે છે તેની તેમને જ ખબર પણ પાઈલટ મુખ્યમંત્રી બનવા સક્ષમ છે તેમાં બેમત નથી. પાઈલટ અત્યારે ચક્રવ્યૂહમાં ફસાયેલા અભિમન્યુ જેવી હાલત છે પણ એ આ ચક્રવ્યૂહને ભેદશે તેમાં શંકા નથી, અભિમન્યુની જેમ ખપી નહીં જાય. ગુઢાનો તો દાવો છે કે, ગહલોત ભલે ગમે તેટલા ફડાકા મારે પણ પાઈલટ વિના રાજસ્થાનમાં હવે પછીની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે અશક્ય છે.
ગુઢાની સામે ગહલોત જૂથના બીજા મંત્રીઓ અને નેતાઓ કૂદી પડ્યા છે. તેના કારણે રાજસ્થાનમાં ફરી ગરમીનો માહોલ છે. રાજસ્થાનમાં વરસ પછી વિધાનસભાની ચૂંટણી છે. ગહલોતનું નિવેદન એ વાતનો પુરાવો છે કે, તેમના મનમાં પાઈલટ માટે ભારોભાર કડવાશ છે અને એ પોતે કદી પણ પાઈલટને આગળ નહીં આવવા દે.
રાજકારણમાં એક જ પક્ષના બે નેતાઓ વચ્ચે હરીફાઈ હોય કે એકબીજા સામે કડવાશ હોય એ નવી વાત નથી તેથી ગહલોત અને પાઈલટ વચ્ચેની કડવાશતી આંચકો લાગતો નથી પણ આ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડની ચૂપકીદી ચોક્કસ આઘાતજનક છે. એક મુખ્યમંત્રી પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાને ગદ્દાર કહે ને હાઈકમાન્ડ ચૂપચાપ તમાશો જોયા કરે તેના પરથી સ્પષ્ટ છે કે, કોંગ્રેસમાં શિસ્ત જેવું કંઈ છે જ નહીં ને રીતસરનું પોપાબાઈનું રાજ ચાલે છે. વધારે આઘાત એ જોઈને લાગે કે, સચિન પાઈલટ સતત કડવા ઘૂંટડા ગળ્યા કરે છે ને ગહલોત રીતસરની દાદાગીરી કરે છે છતાં હાઈકમાન્ડ કશું કરી શકતું નથી.
રાજસ્થાનમાં બે વર્ષ પહેલાં સચિન પાઈલટ અને અશોક ગહલોત સામસામે આવી ગયા ત્યારથી આ હાલત છે. 2020ના ગસ્ટમાં સચિન પાઈલટ અને તેમના સાથી બળવાખોર ધારાસભ્યોએ બગાવત કરી ત્યારે પહેલા જ દિવસથી તેમને ગદ્દાર જાહેર કરી દેવાયેલા. એ લોકો સત્તા માટે ભાજપના પડખામાં ભરાઈ ગયા છે એવી વાતો પણ શરૂ થઈ ગયેલી. કોંગ્રેસના ટોચના નેતાઓ સુધ્ધાં આ બધી વાતો કરતા હતા.
રાહુલ ગાંધીની નજીક મનાતા રણદીપ સૂરજેવાલા એવું કહેતા હતા કે, સચિન અને તેના સાથીઓ ભાજપ શાસિત હરિયાણાના માનેસરના રીસોર્ટમાં ભાજપની છત્રછાયામાં બેઠા છે. પાઈલટ એન્ડ કંપની ભાજપની છત્રછાયા છોડીને બહાર આવે તો તેમને માફ કરી દેવાશે એવી વાતો પણ કોંગ્રેસીઓ કરતા હતા. પાઈલટ પર ગંદા પ્રહારો પણ શરુ થઈ ગયેલા. ગહલોત વિવેક ચૂકીને પાઈલટ માટે હલકી કક્ષાની ભાષા બોલતા હતા. ગહલોતે પાઈલટને નકારા ને નિકમ્મા જેવાં વિશેષણોથી નવાજીને બહુ બધું કહી નાંખેલું.
આ બધું જોયા ને સાંભળ્યા પછી પાઈલટ ભાજપના પગ પકડીને કોગ્રેસને રામ રામ કરી દેશે એવું લાગતું હતું પણ પાઈલટે એવું કરવાના બદલે શાંતિ રાખી હતી. ગહલોત કે બીજા કોંગ્રેસના નેતાઓ વિશે ઘસાતું બોલવાનું ટાળીને ગૌરવ જાળવ્યું. પાઈલટનો ભાજપમાં જવાનો કે ગહલોત સરકારને ગબડાવવાનો ઈરાદો હતો કે નહીં એ ખબર નથી પણ તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વાત માનીને સમાધાન કરી લીધેલું. પાઈલટે નાયબ મુખ્યમંત્રીપદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદ જેવા મહત્ત્વના હોદ્દા પણ છોડી દીધેલા. પક્ષની આબરૂ જાળવવા કોઈ બીજો શું ભોગ આપી શકે?
સચિન પાઈલટની સામે અશોક ગહલોતે શું કર્યું એ નજર સામે છે. સોનિયા અને રાહુલ ગાંધી ગહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માગતાં હતાં પણ ગહલોતની રાજસ્થાન છોડવાની ઈચ્છા નહોતી તેથી તેમણે બળવાનું નાટક કરાવીને કોંગ્રેસનું નાક વાઢી લીધેલું. ગહલોતે કરાવેલા ડ્રામાના મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ આરંભે શૂરું સાબિત થયું છે.
કોંગ્રેસમાં શિસ્ત છે અવું બતાવવા ગહલોતના ત્રણ સમર્થકોને નોટિસ આપ્યા પછી કોઈ પગલાં નથી લેવાયાં. ગહલોતે પ્રમુખપદની ચૂંટણીમાં કરેલા નાટક પછી કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જાહેર કરેલું કે, બે-ત્રણ દિવસમા રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે કોંગ્રેસ જલદી નિર્ણય લેશે. સોનિયા ગાંધીએ અશોક ગહલોતને રાજીનામું આપવા કહી દીધું હોવાનો દાવો પણ કરાયો હતો. વેણુગોપાલે એલાન કર્યું હતું કે, કોંગ્રેસના નીરિક્ષકો ફરી એકવાર જયપુર જઈને વિધાનસભા પક્ષની બેઠક બોલાવશે. આ બેઠકમાં ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા પછી ગહલોતને મુખ્યમંત્રીપદે ચાલુ રાખવા કે નહીં તેનો નિર્ણય લેવાશે. આ વાતને મહિનાઓ ખઈ ગયા હોવા તાં કંઈ નથી થયું. કોંગ્રેસના પ્રમુખ બદલાઈ ગયા ને મલ્લિકાર્જુન ખડગે આવી ગયા પણ વાત ત્યાંની ત્યાં જ છે.
આ ઘટનાક્રમ સાબિત કરે છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડમાં પક્ષ ચલાવવાની ત્રેવડ નથી.