રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોએ ખુલીને કરી પીરિયડ્સ પર વાત, લોકોએ કર્યા વખાણ

ભારતમાં આજે પણ પીરિયડ્સ કે માસિકચક્રને લઈને ખૂલીને વાતો કરવામાં આવતી નથી. તેવામાં રાજસ્થાન રોયલ્સના સ્ટાર રોબિન ઉથ્થપાએ પોતાની આઈપીએલ ટીમના ૩ ખેલાડીઓની સાથે રેપિડ ફાયર રમ્યો હતો. જેમાં પુરુષોને સેનેટરી પેડ્સ ખરીદવાથી લઈને પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ અંગે વાતચીત કરી હતી. જેનો એક વીડિયો રાજસ્થાનની ટીમે ટ્વીટર પર શેર કર્યો હતો. જે બાદ લોકોએ તેના ભરપેટ વખાણ કર્યાં હતા.

માસિક ધર્મને લઈને વાતચીત કરતાં આજે પણ પુરુષો બચતાં હોય છે. અને શક્ય હોય તો આ મુદ્દાઓ પર વાતો કરવાનું ટાળે છે. પણ રાજસ્થાન રોયલ્સની આ વીડિયોમાં રાજસ્થાનના ક્રિકેટર રાહુલ તેવતિયા, જોસ બટલર અને ડેવિડ મિલરે ઉથપ્પાને આ વિષય પર ખુલીને જવાબ આપ્યો હતો. વીડિયોનું કેપ્શન આપવામાં આવ્યું હતું કે,

એવી વસ્તુઓ કે જે તમે રોજ જોતાં નથી. રાજસ્થાનની ટીમે શેર કરેલાં વીડિયોમાં આગળ લખવામાં આવ્યું છે કે, ઈમાનદારી, સૂચના અને ગેરસમજ તોડનારી વાતચીત છે. અમે આમ કર્યું છે અને તમે પણ કરી શકો છો. ચાલો પીરિયડ્સ પર વાત કરીએ. આ વીડિયોને જ્યારે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો તો લોકો તરફથી તેને ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને લોકોએ આ ખેલાડીઓનાં વખાણ પણ કર્યાં હતા.