રાજુલાના રામપરા ગામમાં મધરાતે ઘૂસી આવ્યું ૫ સિંહોનું ટોળું,ગ્રામજનોના જીવ તાળવે ચોટ્યા

ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહના ટોળા ના હોય. પણ રાજુલાના રામપરા ગામમાં મધરાતે સિંહનું ટોળુ ઘૂસી આવ્યું હતું. રાતે ૫ સિંહના ટોળાએ ગામની શેરીઓમાં લટાર મારતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહોની લટારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે નાના એવા ગામમાં મધરાતે ૫ સિંહો આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ૫ સિંહોની લટાર કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો વાઇરલ થયો છે. ગામમાં જેટલો સમય સિંહ રહૃાા ત્યાં સુધી ગામ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સિંહોના ગયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.