રાજુલાના વાવેરામાં રહેણાંક મકાનમાંથી પોલીસે ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

અમરેલી જિલ્લાના રાજુલાના વાવેરામાં પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ૧૯ જેટલા વાહનો મળી આવતા કબ્જે કર્યાં છે. ૭ કાર અને ૧૨ મોટરસાયકલ સહિત ૧૯ વાહનો કબ્જે કરી કુલ ૧૪ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રહેણાંક મકાનમાંથી એક સાથે ૧૯ જેટલા વાહનો શંકાસ્પદ રીતે મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી.
હાલ તો સમગ્ર મામલે કાર્યવાહી ચાલુ છે. રાજુલા પોલીસને રાજુલા તાલુકાના વાવેરા ગામમાં સબ સ્ટેશન ચોક વિસ્તારમાં રહેતા ભરતભાઈ વલ્કુભાઈ ધાખડાના રહેણાંક મકાનમાં ગેરકાયદૃેસર વાહનો રાખ્યા હોવાની બાતમી મળી હતી.
જેથી રાજુલા પોલીસે ભરતભાઈ ધાખડાના ઘરમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ૧૯ જેટલા વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે તમામ વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. વાહનોનું કટીંગ કૌભાંડ હોવાની પોલીસને શંકા છે.
પોલીસે સ્થળ પરથી ગેસ કટરની ગન, ડ્રિલ મશીન, કમ્પ્રેશન મશીન, સાંકળની ચેન, ૨ ડિફેશન, ૩ એન્જીન, ૧ ગેર બોક્સ સહિત ૧૯ વાહનો સાથે કુલ ૧૪ લાખ ૮૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.