રાજુલામાં વિમા કૌભાંડ 14 કરોડનું નિકળ્યું : સીટની રચના

અમરેલી,
ગઇ કાલે રાજુલા પોલીસે પકડી પાડેલા ચાર શખ્સોની તપાસમાં જબરજસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. મરનાર લોકોને જીવતા કરી તેના નામે વિમો લઇ અને એક બે પ્રિમીયમ ભર્યા પછી તેનું મૃત્યું થાય તેવી કાગળ ઉપરની પ્રક્રિયા કરી વિમા કંપનીઓને ઠગવાનું મોટુ કૌભાંડ તપાસ દરમિયાન ખુલ્યું ેછેઆ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમારની સુચના અને એસપીશ્રી હિમકરસિંહનાં માગર્દર્શનમાં અને ડીવાયએસપીશ્રી હરેશ વોરાની રાહબરી હેઠળ રાજુલા પો.ઇન્સ શ્રી જે.એન.પરમારની ટીમે પોતાને ડોક્ટર ગણાવતા હનુભાઇ હમજીભાઇ પરમાર તથા વનરાજભાઇ મધુભાઇ બલદાણીયા તથા ઉદયસિંહ રામસિંહ રાઠોડ , જીતેશભાઇ હિંમતભાઇ પરમારને મૃત્યુ પામેલ જીંજાળા અંકુશભાઇ ભીખુભાઇના નામે ખોટા આધાર કાર્ડ તથા અલગ અલગ વીમા કંપનીઓની ચાર વીમા પોલીસી મેળવેલ હોવાનું જણાતા ગુનો દાખલ કરી કોર્ટમાંથી આરોપીઓના દિન-07 ના રીમાન્ડ મેળવેલ છે.આ બનાવમાં તપાસ દરમિયાન ભવદીપ ભરતભાઇ ખસીયા રહે.તરસરાનું નામ પણ ખુલ્યું છે.એસપીશ્રી હિમકરસિંહે આ બનાવ અંગે વિગતો આપતા પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસની જીવણટભરી તપાસમાં આ આરોપીઓએ 21 વિમા કંપનીઓ પાસેથી રૂા. 2,63,00,000 ની રકમ ફ્રોડ કરી મેળવી લીધી છે. 1,81,58,000ની બનાવટી પોલીસીઓ ચાલુ છે. 3,47,00,000ની પોલીસીઓ કેન્સલ થઇ છે અને તકરાર વાળી 5,10,00,000ની પોલીસીઓનાં કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. આ આરોપીઓએ કુલ 13,01,58,000નું ચીટીંગ કર્યુ છે અને પાંચ કાર તથા નવ બાઇક આ ફ્રોડ કરી લોન ઉપર લીધા છે અને એ 52,18,000નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. મરણજનાર 31 લોકોનાં પરિવાર પાસેથી 10 ટકાનું પ્રલોભન આપી તેના આધાર મેળવી વડોદરાની બરોડા ગ્લ્લોબલ સાયન્સ સેન્ટરનાં માધ્યમથી આધાર કાર્ડમાં છેડછાડ કરી છે. તથા આ સમગ્ર તપાસ માટે ત્રણ પોલીસ ઇન્સપેક્ટરની ટીમ બનાવી સીટની રચના કરાશે. જેનું સુપર વિઝન સાવરકુંડલાનાં ડીવાયએસપીને સોંપવામાં આવશે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ ભાવનગરનો જીતેશ હિંમત પરમાર છે. અને આ કૌભાંડમાં મરનારનાં દાખલા આપનાર તલાટી મંત્રીઓ, વિમા એજન્ટો અને જેણે જાણી જોઇને પોતાના પરિવારજનોનાં નામે કમીશન લીધ્ાુ છે તેવા લોકોને પણ આરોપી તરીકે જોડવામાં આવશે અને પોતાની જાતને ડોક્ટર કહેતા ડુંગરનાં શખ્સની સામે વગર ડીગ્રીએ પ્રેક્ટીસ કરવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવશે.