રાજુલા, ખાંભા, બગસરામાં બે, અમરેલી અને કુંડલામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો

  • શ્રાવણમાં અમરેલીની ધરતીને હેતથી ભીંજવતા મેઘરાજા
  • ધાતરવડી ત્રીજી વખત છલકાયો : ખેતી પાક ઉપર કાચુ સોનુ વરસતા ખેડૂતો ખુશ

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં સખ્ત ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડીબાગ વાદળો છવાયા હતા. કયાંક હળવો કયાક ભારે વરસાદ પડતા ખેતીપાક ઉપર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. અમરેલી જીલ્લામાં બપોરના સમયે કાળા ડીમાંગ વાદળો છવાયા હતા અને ધીમી ધારે સવાઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. સારા વરસાદના કારણે માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. અમરેલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. અવધ ટાઇમ્સના પ્રતિનીધિઓેના જણાવ્યા અનુસાર ચિંતલમાં તેમજ લાઠીના અંકાળામાં
અડધો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અને જયારે લાઠી શહેરમાં વરસાદનું હળવુ ઝાપટુ પડયુ હતું. બાબપુરમાં વરસાદનું હળવુ ઝાપટુ પડયુ હતું. ગાવળકા અને નવા ખીજડિયામાં ધોધમાર વરસાદ પડયાના સમાચાર મળી રહયા છે. બગસરા શહેર અને પંથકમાં દોઢ થી પોણા બે ઇંચ જેવો સારો વરસાદ પડવાથી ખેતી પાકને મોટો ફાયદો થશે. લીલીયા તાલુકાના હાથીગઢમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે આસપાસના ગામોમાં વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. લીલીયા અને બગસરા પથકમાં હળવા ભારે વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. જયારે ધારીમાં પણ વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતાં માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. અમરેલી જીલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર અમરેલી 34 મી.મી., ખાંભા 48 મી.મી., ધારી 10 મી.મી., બગસરા 41 મી.મી., બાબરા 17 મી.મી., રાજુલા 52 મી.મી., લાઠી 5 મી.મી., લીલીયા 16 મી.મી., સાવરકુંડલા 33 મી.મી. વરસાદ નોંધાયો હતો.