રાજુલા પંથકમાં બંધાણીઓ સ્મશાન યાત્રામાં નખાતી સોપારીઓ પણ વીણીને ખાઇ ગયાં

અમરેલી,કોરોનામાં લોકોને ફાસ્ટફુડ, જંકફુડ, કોલ્ડ્રીક્સ અને પાણીપુરીની તકલીફ પડી છે તેના કરતા સો ગણી તકલીફ પાન બીડી તમાકુના બંધાણીઓને પડી છે પુજાપાની ગોરબાપાની સોપારીઓ શોધી શોધીને બંધાણીઓ લોકડાઉન દરમિયાન ખાઇ ગયા હતા પણ હવે એક નવી ચોકાવનારી વિગતો સામે આવી છે જેમાં સ્મશાને જતી અંતિમ યાત્રામાં વેરવામાં આવતી સોપારીઓને પણ બંધાણીઓએ મુકી નથી.બાર ગામે બોલી બદલે તરોવર બદલે શાખા પણ લખણ નો બદલે લાખા એવી એક કહેવત છે તે સાચી પડતી હોય તેમ પાન માવાના બંધાણીઓ કેટલી હદે વ્યસનમાં ડુબેલા છે તેનો ચિતાર અવધ ટાઇમ્સને રાજુલા પંથકના ગામડાઓની મુલાકાત દરમિયાન જોવા મળ્યો હતો.દરેક વિસ્તારમાં મરણની અને જન્મની અલગ અલગ વિધીઓ હોય છે દાખલા તરીકે અમરેલી પંથકમાં મરણ થાય ત્યારે સ્મશાન યાત્રાની સાથે સાથે શ્ર્વાનોને ગુંદી અને ગાંઠીયા ઠેક ઠેકાણે નાખવામાં આવતા હોય છે અને સ્મશાને જવાના માર્ગ ઉપર સ્મશાન યાત્રાને જોઇ શ્ર્વાનોના ટોળા પણ જોવા મળતા હોય છે પરંતુ રાજુલા પંથકમાં અમુક ગામોમાં મરણ થાય અને સ્મશાન યાત્રા નીકળે ત્યારે જુવાર, સોપારી અને એક બે રૂપીયાના સિક્કાઓ સ્મશાન યાત્રામાં રોડ ઉપર વેરવામાં આવતા હોય છે.કાચી પાત્રીના બંધાણીઓના કમનસીબે સોપારીનો જથ્થો ખુટી પડતા આવા ગામડાઓમાં બે મહિના દરમિયાન થયેલા મરણની અંતિમ યાત્રામાં વેરવામાં આવેલ સોપારીઓ પણ બંધાણીઓએ હળવેકથી ઉઠાવી લીધી હોવાનું બહાર આવ્યું છે.