રાજુલા બેઠકમાં મતદારોને લાંચ આપવાની કોશીશ કરવાના બે કિસ્સા ઝડપાયા : ગુના નોંધાયા

અમરેલી,ચુંટણીમાં હિન્દી ભાષી રાજ્યોમાં મતદારોને લલચાવવાની ડરાવવાની પ્રથા ફિલ્મોમાં દેખાડવામાં આવે છે તે પૈકીની મતદારોને લલચાવવાની શરૂઆત રાજુલા વિધાનસભા બેઠકમાંથી થઇ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે અહીં કોંગ્રેસ તરફી મતદાન કરવા અને અપક્ષ ઉમેદવાર તરફી મતદાન કરવા માટે રાશન કીટ ભરીને જતા વાહનો ઝડપાયા છે અને અલગ અલગ બે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઇ સોનગરાએ જાફરાબાદ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભાકોદર ગામે બપોરે પોણા બે વાગ્યે બોલેરો નં.જીજે 03 બીટી 1660 અને જીજે 1 ડીવાય 7638 માં રાશનની કીટ ભરી રાજુલા વિધાનસભા મત વિસ્તારનાં અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભરતકુમાર પરમાર રે. દશાડા, જિ.સુરેન્દ્રનગર અને તેની સાથેનાં અન્ય 15 ભાકોદર ગામે અપક્ષ ઉમેદવાર તરફે મત આપવા માટે પ્રલોભન દેવા જઇ રહયા હોવાનું ઝડપાતા 16 સામે લોકપ્રતિનિધીત્વ ધારા હેઠળ કાર્યવાહી કરવા પોતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે. આવી જ રીતે રાજુલાના તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઇ જેઠાભાઇ પરમારે રાજુલાના ખાખબાઇના મનસુખભાઇ ખોડાભાઇ બાબરીયા અને રાજુલાનાં ભાવેશભાઇ નરેન્દ્રભાઇ પરમાર સામે ડુંગરમાં બપોરે 3 વાગ્યે પોતાની બોલેરો પીકઅપ વાહનમાં રાશનકીટ ભરી ડુંગર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસપક્ષના ઉમેદવાર તરફે મત આપવા પ્રલોભન આપવા જઇ રહયા હોય પકડાઇ જતા બંને સામે લોક આઇપીસી 171 ઇ તથા લોક પ્રતિનિધીત્વ ધારા કલમ 123 હેઠળ ગુનો નોંધાવ્યો છે.