રાજ્યના ભીષ્મપિતામહ કેશુભાઇ પટેલ પંચમહાભૂતમાં વિલિન

 • પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા કેશુભાઇ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
 • મુખ્યમંત્રી,ના.મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
 • ગોકુળિયા ગામના પ્રણેતા અને ગ્રામિણ સમૃદ્ધિના શિલ્પીની વસમી વિદાઇ
 • ખેડૂતપુત્ર તરીકે અને લોકસેવક તરીકે ગુજરાતમાં લોકચાહના મેળવી હતી, પાટીદાર આગેવાનના નિધનથી સમગ્ર ગુજરાત શોકમાં ડૂબ્યુ

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગાંધીનગર ખાતે આવેલ સેક્ટર-૩૦ના સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. જ્યાં ગણતરીની મિનિટોમાં તેમનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું હતું. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના અંતિમ દર્શનમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિતના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહૃાું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના ભાજપના નેતાઓએ આજે કેશુભાઈ પટેલના નિવાસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને ૧ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
  કેશુબાપાની તબિયત એકાએક લથડતાં ૧૦ દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સારી થતાં બે દિવસ પહેલાં જ તેઓને રજા અપાઈ હતી. પરંતુ અચાનક આજે વધુ તબિયત લથડતાં ફરીથી કેશુબાપાને સ્ટર્લિન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટર અક્ષય પટેલ તેમની સારવા કરી રહૃાા હતા. તેમણે ઘણાં પ્રયાસો કર્યા. પરંતુ તેઓને સફળતા ન મળી. કેશુબાપાને હાર્ટએટેક નીસાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેઓને હોસ્પિટલ લવાયા ત્યારે બેભાન અવસ્થામાં જ હતા અને એકાદ કલાકમાં જ તેઓનું નિધન થયું હતું.
  સ્ટ્રિંલગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુબાપાનું નિધન ૧૧:૫૫ કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની ૩૦ મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા. કેશુબાપાને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા લાવ્યા ત્યારે તેમને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા એક કલાક બાદ તેઓનું અવસાન થઈ ગયું હતું
  દરમિયાન ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ મુજબ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી.
  કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.
  મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં કેશુભાઈ પટેલે ગોકુળિયું ગામ યોજના શરૂ કરી હતી. આ યોજના પાછળનો ઉદેશ્ય ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધા ઊભી કરવાનો હતો. આ યોજનાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભૂકંપ વખતે પણ તેમણે ખૂબ જ સારી એવી કામગીરી કરી હતી.
  કેશુભાઈ પટેલ વર્ષ ૧૯૯૫ અને વર્ષ ૧૯૯૮થી ૨૦૦૧ સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ૧૯૪૫માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
  ચોથી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે GPP એટલે કે ’ગુજરાત પરિવર્તન પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. ૨૦૧૪માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દીધું હતું.