રાજ્યમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની વકી

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દક્ષિણ પશ્ર્ચિમના પવન ફૂંકાતા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દૃેવામાં આવ્યું છે. બીજી બાજુ શુક્રવારથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે.
હજુ આજે આવતી કાલે અને પરમદિવસે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૫થી ૨૭ જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે. આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતઅને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઇ છે. તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે વરસાદની આગાહી કરી છે. આવતી કાલે પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૭ જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે. ૨૭ જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.