રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ અઠવાડિયું “સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવાશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

અમરેલી,

રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ “સ્વાગત’ કાર્યક્રમ તા.ર4 એપ્રિલ-ર003 થી શરૂ કર્યો હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ “”સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’-સ્વાગત હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે. “સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર4 એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર1માં વર્ષમાં પ્રવેશ કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ “સ્વાગત સપ્તાહ’ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવારે તા.ર7 એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમની અધ્યક્ષતા કરશે તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રીશ્રી કરવાના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના ગ્રામીણ નાગરિક સુધી ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તારી ગ્રામ કક્ષાએ જ તેના પ્રશ્નો રજુ કરી શકાય અને નિવારણ પણ આવી જાય તેવી “ઘર આંગણે સરકાર’ની પરંપરા “સ્વાગત’થી ઊભી કરી છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બે દાયકાની આ સુશાસન પરંપરાને વધુ લોકાભિમુખ બનાવી પ્રજાજનોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે પ્રતિબદ્ધ છે તેની જન અનૂભુતિ આ સ્વાગત સપ્તાહથી લોકોને થાય તેવું સુદ્રઢ આયોજન સમગ્ર વહીવટીતંત્રએ હાથ ધર્યુ છે.