રાજ્યમાં કરોડો રૂપિયાના નવા રોકાણો વચ્ચે પાક વીમો ચૂકવવામાં કંપનીઓના ઠાગાઠૈયા

ગુજરાતનો વિકાસ વિપરીતકાળે પણ ચાલુ છે તે એક શુભ સંકેત છે. પ્રતિકૂળતાને અનુરૂપ સરકારની નીતિને ઢાળી તે પરિસ્થિતિને અનુકૂળતામાં બદલવાની કુશળતા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ સિદ્ધ કરી બતાવી છે. અત્યારે કોરોનાના મુશ્કેલ કાળમાં દેશભરના ઉદ્યોગો ટકી રહેવાનો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ચાર ઉદ્યોગ ગૃહોએ ગુજરાતમાં રૂ.10,500 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. સરકારની નીતિ અત્યાર સુધી ઉદ્યોગોને સબસિડીની કાખઘોડી આપ્યા વિના તેમને માટે રોકાણનું અનુકૂળ વાતાવરણ અને સુવિધાઓ આપવાનું રહ્યું હતું, પરંતુ અત્યારના સમયમાં આ પૂરતું નથી તેવું જણાતા સરકારે ત્રણ સપ્તાહ પહેલા ઉત્પાદકો માટે નવી નીતિ જાહેર કરી તેમાં મોટા ઉદ્યોગોને મૂડી રોકાણમાં 12 ટકા સુધીની સબસિડી આપવાની જાહેરાત કરી તેનું પ્રથમ સરકારને ડિવિડન્ડ મળ્યું છે. ચાર મોટા ઉદ્યોગ ગૃહોએ રાજ્યમાં રૂ.10,500 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. આ રીતે નવી ઔદ્યોગિક નીતિ કસોટીમાં પાર ઉતરી જણાય છે.

ઉદ્યોગ સાહસિકોમાં આપત્તિમાંથી અવસર શોધવાની સહજ વૃત્તિ હોય છે. સરકાર તેમનામાં વિશ્વાસ પ્રેરે તો તેમનો ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ સરળ બને છે. આ રોકાણ એવા ઉદ્યોગો કરવા ધારે છે જેઓ કોરોનાની મહામારી જેવી કટોકટીમાં અવસર જોઈ રહ્યા છે. આ ઉદ્યોગ ગૃહો- વેલસ્પન, વેદાંત, કિરી ઇન્ડસ્ટ્રીઝ અને યુનો મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ મધ્યમ અને નાના ઉદ્યોગો માટે મૂલ્યવર્ધિત ઉત્પાદનોની સપ્લાય ચેઇન બનશે, જેની કુલ અસરરૂપે રાજ્યની જીડીપી અને રોજગારીના અવસર વધશે. તેમનું અનુકરણ અન્ય મોટા ઉદ્યોગ ગૃહો પણ કરશે તેમાં કોઈ શંકા નથી.આના પગલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ક્ષેત્રના ઉદ્યોગોને પણ નવું રોકાણ માટેનું પ્રોત્સાહન મળશે.

મુખ્ય પ્રધાન વિજયભાઈએ ગયા સપ્તાહના અંતે સીઆઈઆઈ અને ફિક્કીના સહયોગમાં આયોજેલા વેબિનારમાં થયેલી આ રોકાણની જાહેરાત સરકાર અને રાજ્યના ઉદ્યોગોનો નૈતિક જુસ્સો વધારનારી છે. સ્વપ્નસેવી વિજયભાઈએ આ નીતિની જાહેરાત કરતા કહ્યું હતું કે, સંશોધન અને વિકાસ ઉપર આધારિત રોકાણનું વાતાવરણ ”આત્મનિર્ભર ગુજરાત`ની દિશામાં રાજ્યને આગળ લઇ જશે જેથી એક એવું આધુનિક ગુજરાત ઘડાશે જે આધુનિક ભારતના નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બનશે. અત્યારના સંયોગોમાં આવતા વર્ષના ફેબ્રુઆરીમાં ”વાઇબ્રન્ટ ગુજરાત ” અધિવેશનના આયોજન વિષે અત્યારે કઈ કહેવું વહેલું ગણાશે. આ અનિશ્ચિતતામાંથી માર્ગ કાઢી સરકારે આ અગાઉ નવા ઉદ્યોગો માટે કામદાર નીતિમાં મોટી છૂટછાટ જાહેર કરી હતી. તે પછી ઉદ્યોગો માટેની નીતિ જાહેર થઇ અને હવે સર્વિસ ક્ષેત્ર માટેની નીતિની પ્રતીક્ષા થઇ રહી છે.

આ નીતિઓની કુલ અસરરૂપે વિજયભાઈના ગતિશીલ નેતૃત્વ હેઠળ આધુનિક ગુજરાતનું નિર્માણ વહેલી તકે થશે તે આશા વધુ પડતી નથી. ભારતનો આર્થિક વિકાસ દર (જીડીપી) એપ્રિલ-જૂન 2020 ત્રિમાસિકમાં 23.9 ટકા ઘટ્યો છે પણ  જ્યારે અર્થતંત્ર અસાધારણ તબક્કામાં હોય  ત્યારે તેના આંકડાની સરખામણી આગલા વર્ષના સમાન સમયગાળાની સાથે કરી શકાય નહીં. તેની માસિક/ત્રિમાસિક ધોરણે સરખામણી જ સાચું ચિત્ર આપે. પહેલા ત્રિમાસિકનો આ ઘટાડો 20 ટકાના ઘટાડાની સામાન્ય ધારણાથી વધુ આવ્યો છે, પણ સાથે એ નોંધવું જોઈએ કે મે મહિનાથી અર્થતંત્રના કેટલાક સૂચકાંકોએ માસિક સરખામણીએ સુધારો બતાવવાનું શરૂ કર્યું છે. ઓગસ્ટ માસનો પરચાઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) બાવન આવ્યો છે, જે જુલાઈમાં 46 હતો. પચાસથી ઉપરનો અંક સુધારો સૂચવે છે.

પાંચ મહિના પછી પહેલી વાર દેખાયેલા આ નક્કર સુધારાને અર્થતંત્રને તાળાબંધીમાંથી મુક્ત કરવાની (અનલોક) પ્રક્રિયાની સાથે સબંધ છે. આ પ્રક્રિયા ચોથા તબક્કામાં પ્રવેશી છે. આ તબક્કા જેમ આગળ વધશે તેમ અર્થતંત્રની નાવ સ્થિર થવા લાગશે. પરંતુ સરકારે અર્થતંત્રની અનલાકિંગ પ્રક્રિયાને કોરોનાના કેસની સાથે સાંકળવાની ભૂલ કરવી  જોઈએ નહીં. અદાલતે અને સરકારે જિ-નીટની પરીક્ષા યોજવામાં વલણ લીધું હતું કે કોરોનાને કારણે પરીક્ષા અચોક્કસ મુદત સુધી મુલતવી રાખી શકાય નહીં તેમ આ વાત અર્થતંત્રને તાળાબંધીમાંથી મુક્ત કરવાની પ્રક્રિયાને પણ એટલી જ  લાગુ પડે છે. આમ છતાં, સરકારે એપ્રિલથી જાહેર કરેલા વિવિધ નાણાકીય રાહતો અને પ્રોત્સાહનોની અસર જેમ દેખાવી શરૂ થશે તેમ બાકીના ત્રિમાસિકમાં અર્થતંત્રનો દેખાવ સુધરતો જણાશે. મુખ્ય ઉત્પાદન ક્ષેત્રનો  મે માસમાં આવેલો 9.6 ટકાનો ઘટાડો આગલા  જૂન માસના 12.9 ટકાની સખામણીએ ધીમો હતો.

અર્થતંત્રમાં સ્થિરતા વહેલી લાવવી હોય તો સરકારે પહેલા તો લોકોનો વિશ્વાસ વધે તેવા વધુ પગલાં લેવા જરૂરી છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાનો મૃત્યુદર ઓછો અને દર્દીઓનું સાજા થવાનું પ્રમાણ વધુ છે એ સાચું, પણ લોકોનો પોતાનામાં અને ઉદ્યોગ-ધંધામાં વિશ્વાસ ત્યારે જ દ્રઢ બને જયારે નવા સંક્રમણના કેસોની સંખ્યા પણ ઘટવા લાગે. આ ટૂંકા ગાળામાં શક્ય ન હોય ત્યારે અનલોકીંગની પ્રક્રિયામાં પૂરતી સાવધાની જાળવવાની શરત સાથે લોકોની હેરફેરને મુક્ત કરવી જરૂરી છે. આ માટે ટ્રેન અને વિમાન વહેવાર વહેલી તકે પૂર્વવત શરૂ કરવા  જરૂરી છે. લોકો જાહેર પરિવહનો દ્વારા તેમના ધંધા-રોજગારના સ્થળે પહોંચી શકશે તો જ વિશ્વાસ પ્રસ્થાપિત થશે અને તેમની આવક તથા ખરીદ શક્તિ વધશે. આ સાથે કોરોનાના સંક્રમણના નવા કેસની વધી રહેલી સંખ્યા ઉપર અંકુશ લાવવાના પ્રયાસો થવા જોઈએ.

ભારતીય અર્થતંત્ર માટે સાવચેતી સાથે આશાવાદી બનીને કહી શકાય કે દુ:સ્વપ્ન જેવો આ ત્રિમાસિક કાળ પૂરો થયો છે . આ વર્ષના બાકીના ત્રણ ત્રિમાસિકો આટલા ખરાબ નહીં હોય. પાક નિષ્ફળ જાય ત્યારે પાક વીમો સૌથી વધારે મદદગાર પૂરવાર થતો હોય છે. જોકે વીમા કંપનીઓ ખેડૂતોને પાક વીમો કરવામાં કાયમ ઠાગાઠૈયા કરતી આવી છે. ગુજરાતમાં 44 હજાર કરતા વધારે ખેડૂતોનો ગયા વર્ષની ખરીફ સીઝનનો કરોડો રુપિયાનો પાક વીમો ચૂકવવાનો બાકી છે. એમાં હવે ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ફરીથી પાક વીમાનો મુદ્દો ઉછળ્યો છે.”
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષમાં કુલ 7 વીમા કંપનીઓએ કેન્દ્ર – રાજ્ય સરકાર પાસેથી 5863 કરોડ રૂપિયા પાક વિમાના પ્રીમિયમ પેટે ઉઘરાવ્યા હતા. ખેડૂતો પાસેથી પણ 858 કરોડ રૂપિયા લીધા અને સામે વીમો ચૂકવવાનો થયો તો આપ્યા માત્ર 2892 કરોડ જ. મતલબ કે વીમા કંપનીને 2 વર્ષનો ચોખ્ખો નફો 3829 કરોડ રૂપિયા થયો તેમ કહેવાય.’
ખેડૂત હિતરક્ષક સમિતિએ તો કહ્યું છે કે `જે અતિ વૃષ્ટિના આકરાણીના નિયમો છે તેમાં બદલાવ કરવાની જરૂર છે, નહીંતર સરકારની પાક વીમાની બધી યોજનાઓ નિષ્ફળ જ ગણાશે.’

વીમા કંપનીની વ્યાખ્યા પ્રમાણે 48 કલાકમાં 25 ઇંચ વરસાદ હોઈ તો જ તેને અતિવૃષ્ટિ ગણવામાં આવે છે. આવો નિયમ હવે બદલાવવાની જરુર છે. કારણકે હાલ તો 25 ઇંચથી ઓછા વરસાદમાં પણ ખેતરો તળાવ બની ગયા છે.હવે જયારે ગુજરાતમાં 100 ટકા થી 251 ટકા સુધી વરસાદ વરસી ચુક્યો છે અને ગમે ત્યારે આગળ પણ વરસાદ આવી શકે તેમ છે ત્યારે ખેડૂત ખરેખર સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે તે સાંભળવું ખૂબ જરુરી બની ગયું છે. ગુજરાતમાં 12 જિલ્લાના 44,105 ખેડૂતો ખરીફ પાક 2019ના પાક વીમાથી વંચિત છે. સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 26,773 ખેડૂતો પાક વીમાથી વંચિત છે. વર્ષ 2019 માં અતિ વૃષ્ટીથી ખેડૂતોને કુલ 3500 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ વહેતો થયો હતો.