રાજ્યમાં છેલ્લાં ૩૦ વર્ષમાં આઠમી વખત ૪૦ ઇંચથી વધુ વરસાદ

ગુજરાત માટે મોટા રાહતના સમાચાર મળી રહૃાા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં ૬ લાખ ૨૩ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી ૫ લાખ ક્યુસેક પાણીનો ઘટાડો નોંધાયો છે. ડેમના ૨૩ દરવાજામાંથી ૬ લાખ ૧૪ હજાર કયુએક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહૃાું છે. ગુજરાતના માથેથી એક મોટી ઘાત ટળી છે. નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઓછી થઈ ગઈ છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૧૨૧% વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં ૮મી વખત ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧૧ ડેમ ઓવરલૉ થયો છે, જ્યારે ૨૨ ડેમ ૯૦%થી વધુ ભરાયા છે. સદીમાં ચોથી વખત ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ૪૭ વર્ષ બાદ ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી ૨૬.૬% વધુ વરસાદ પડ્યો છે.
અગાઉ ૧૯૨૬, ૧૯૩૩, ૧૯૭૩માં આટલો વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. ચાલુ સીઝનમાં ૧૧૦% વરસાદ નોધાયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ ૪૦ ઇંચથી વધારે થયો છે. રાજ્યમાં ૯૪ તાલુકાઓમાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ, ૧૩૪ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મીમી સુધી, ૨૩ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મીમી સુધી વરસાદ છે. રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી રાજ્યમાં સરેરાશ ૧૨૧ ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે.
કચ્છમાં આ વર્ષે સરેરાશ ૨૫૫ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે ૧૦૪ ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં સૌથી ઓછો ૮૮.૫૦ ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં ૧૬૩ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ ૧૦૩ ટકા વરસાદ પડ્યો છે. વરસાદને કારણે રાજ્યનાં કુલ ૨૭૧ રસ્તાઓ અસરગ્રસ્ત થતા તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં ૨૨૩, સ્ટેટ હાઇવેનાં ૨૨, નેશનલ હાઇવેનો એક અને અન્ય ૨૫ રસ્તાઓનો સમાવેશ થાય છે. રાજયમાં ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ૪૦.૧૬ ઇંચ વરસાદ પડ્યો છે. જે ત્રીસ વર્ષની ૩૩.૨૪ ઇંચની એવરેજની તુલનાએ ૧૨૦.૯૧ ટકા છે.