રાજ્યમાં જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે. રાજ્ય ચૂંટણી પંચ ૬ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતાઓ લાગી રહી છે. કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષોએ ચૂંટણીઓ માટેની કવાયત તેજ કરી છે. રાજયમાં પેટાચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ૬ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકા માટેની ચૂંટણીઓ યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ સ્થાનિક કક્ષાએ તૈયારીઓ માટે સૂચના આપી દીધી છે.
આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ થવાની છે. આ ૬ મહાનગરપાલિકાની મુદત આગામી ૧૩ ડિસેમ્બર સુધી પૂર્ણ થવાની છે. ભાજપ દ્વારા ૬ મહાનગરપાલિકા માટે કામગીરી કરાઈ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વર્તમાન જનપ્રતિનિધિઓ પાસેથી ૫ વર્ષ ની કામગીરીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. નવા સીમાંકન બાદ જાતિગત સમીકરણ આધારે વોર્ડની પરિસ્થિતિ પર વોર્ડ પ્રમુખો પાસે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આગામી સપ્તાહથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર પણ બેઠકોના દોરનો પ્રારંભ થઈ જશે.
આમ પણ શહેરી મતદાર હંમેશા ભાજપ સાથે રહૃાો છે. પરંતુ વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કોંગ્રેસનો જનાધાર વધ્યો હતો. ત્યારે આ શહેરોમાં ચોકસ રણનીતિ સાથે ભાજપ મેદાનમાં ઉતરે તેવું લાગી રહૃાું છે. રાજ્ય ચૂંટણી કમિશનરે પણ ૬ મહાનગરપાલિકાના કલેકટરને પત્ર લખી વર્તમાન પરિસ્થિતિ અંગે ચિતાર માગ્યો છે. ત્યારે એમ લાગી રહૃાું છે કે ચૂંટણી કમિશનર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર થાય એવી શક્યતા છે.