રાજ્યમાં જીએસટીના અધિકારીઓની દાદાગીરી, એકતરફી કાર્યવાહીથી વેપારીઓમાં રોષ

ગુજરાતના જીએસટી કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ અને નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના વર્ષના આકારણીના ઓર્ડર કરવાની છેલ્લી તારીખ માર્ચ ૨૦૨૧ છે અને ૨૦૧૭-૧૮ના વર્ષના રિટર્નની આકારણી કરવાની છેલ્લી તારીખ માર્ચ ૨૦૨૨ છે, તેમ છતાંય એક્સપોર્ટી ઓર્ડર કરી દેવાની સૂચના અપાઈ છે.
ગુજરાતના જીએસટીના ચીફ કમિશનર જે.પી. ગુપ્તાને આજે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કરદાતાને વધુ કોમ્પ્લાયન્સ કરવાની તક આપ્યા વિના જ લેવામાં આવેલો નિર્ણય અન્યાય કર્તા છે. કોરોના વાઈરસના ચેપની સમસ્યા પણ તેમના કોમ્પ્લાયન્સ આપવામાં થયેલા વિલંબ માટે જવાબદાર છે. વેપારીઓને જે અન્ય રાજ્યોમાંથી સ્ટેચ્યુટરી ફોર્મ કે અન્ય વિગતો મેળવવાની છે તેવા રાજ્યો અને શહેરોમાં કોરોનાના કહેરની સ્થિતિ હજીય થાળે ન પડી હોવાનું જોવા મળે છે. મુંબઈમાં હજીય કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિ નોર્મલ થઈ નથી તે તેનું એક જીવંત ઉદાહરણ છે. આ સંજોગોમાં ડેપ્યુટી કમિશનરોની સૂચનાનું પાલન કરવામાં આવશે તો તેને પરિણામે આકારણીના કેસો ઓછા જરૂર થઈ જશે, પરંતુ અપીલના કેસોમાં મોટો વધારો થશે.
ડેપ્યુટી કમિશનરોના આદેશના પાલનને પરિણામે હાઈપીચ એસેસમેન્ટ થવાની શક્યતા પણ ઘણી જ વધી જાય છે. કાગળ ઉપર વેપારીઓ સામેની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થઈ જવાની સંભાવના છે. આ નિર્ણયને પરિણામે કાગળ પર સારી રિકવરી આવી હોવાનું ચિત્ર જરૂર ઊભું થશે. વાસ્તવમાં રિકવરી આવશે નહિ. તેનાથી કરદાતાઓની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થશે. આ સંજોગોમાં ડેપ્યુટી કમિશનરો દ્વારા વોર્ડ અધિકારીઓને આપવામાં આવેલી સૂચનાઓ પાછી ખેંચાવવા માટે પગલાં લેવાની માગણી ટેક્સ બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. આકારણીના કેસોમાં એક્સપાર્ટી ઓર્ડ ર પાસ ન કરવામાં આવે અને ડિસેમ્બર માસમાં તે અંગે હિયિંરગ રાખવા જણાવવામાં આવ્યું છે.