રાજ્યમાં તમામ ખાનગી તથા ટ્રસ્ટની હોસ્પિટલોમાં કીડની, હાર્ટ, કેન્સર સહિતનાં ગંભીર તથા અન્ય રોગોની સારવાર શરૂ કરવા માંગણી

અમરેલી,અમદાવાદ શહેરની જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ કરાવતા દર્દીઓ દ્વારા કરવામાં આવેલ તા. 9-4-2020ની રજૂઆતની નકલ આ સાથે સામેલ છે.તાજેતરમાં જીવરાજ એ મહેતા હોસ્પિટલ ખાતે કીડનીના દર્દીને કોરોના પોઝીટીવ આવેલ, જેના કારણે આ હોસ્પિટલમાં કીડની વિભાગના સ્ટાફને ક્વોરન્ટાઈન કરી કીડની વિભાગ તા. 19-4-2020 સુધી બંધ કરી દેવામાં આવેલ છે. આ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલ છે અને હાલ તેમાં 63 જેટલા કીડનીના પેશન્ટ ડાયાલીસીસ અર્થે આવેલ છે. આ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટોકન ચાર્જથી કરવામાં આવે છે, જેના કારણે ગરીબ દર્દીઓને ખૂબ જ મોટો લાભ મળે છે. જો આવા દર્દી ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા જાય તો તેમના પર ખૂબ જ મોટું આર્થિક ભારણ આવી શકે તેમ છે અથવા તો ખાનગી હોસ્પિટલ દ્વારા તેમના કેસ ન સ્વીકારાય તેવી પણ ભીતિ રહેલી છે. ડાયાલીસીસ અતિ આવશ્યક છે અને જો દર્દીને ડાયાલીસીસ ન કરવામાં આવે તો તેનું મૃત્યુ થવાનો ભય રહેલો છે.રાજ્યમાં કીડની, કેન્સીર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર પ્રકારના રોગોની સારવાર બંધ કરવામાં આવશે તો કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓ કરતાં સારવારના અભાવે ગંભીર રોગોથી મૃત્યું પામનાર વ્યક્તિઓની સંખ્યા વધી જશે તેવું જણાઈ રહ્યું છે, ત્યારે દર્દીઓના હિતમાં ફક્ત જીવરાજ મહેતા હોસ્પિટલ જ નહીં પરંતુ રાજ્યમાં ખાનગી અને ટ્રસ્ટની એમ તમામ હોસ્પિટલો કીડની, કેન્સર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર રોગોની સારવાર માટે ચાલુ રહે તે અત્યંત જરૂરી છે.તેમ રજુઆતમાં પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ છે.