રાજ્યમાં ભારે વરસાદને પગલે ૧૨૦ ડેમ હાઈએલર્ટ જ્યારે ૧૪ ડેમ એલર્ટ પર

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં અનેક મોટા ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો ૧૨૦ ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે ૧૪ ડેમ એલર્ટ પર છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો તેમાં ઉત્તરોતર જળસપાટી વધી રહી છે. એક અહેવાલ પ્રમાણે, સરદાર સરોવર ડેમમાં દર કલાકે ૧૦ સેમી જેટલી જળસપાટી વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમાંથી ૯૫,૬૫૯ ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની હાલની જળસપાટી ૧૨૮.૫૫ મીટરે વહી રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં ડેમની સપાટીમાં ૧.૩૧ મીટર વધી છે. ડેમમાં ૨૮૮૯ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે રાજ્યભરના અન્ય મોટા ડેમોની સ્થિતિ વિશે વાત કરીએ તો, સરદાર સરોવર ડેમમાં ૧,૧૨,૫૧૫ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની સપાટી ૧૨૮.૫૧ મીટરે પહોંચી છે અને આ ડેમ ૭૦.૬૨% ભરાયો છે.

વણાકબોરી ડેમમાં ૧,૪૩,૩૨૯ ક્યુસેક પાણીની આવક થઈ છે અને ૧,૪૩,૩૨૯ ક્યૂસેક પાણીની જાવક છે. વડોદરાના કરજણ ડેમમાં ૬૨૮૮ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ૧૮,૪૮૮ ક્યૂસેક પાણીની જાવક છે. ડેમના ૪ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. હડફ ડેમમાં ૨૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે, તેમાંથી ૨૦૦૫ ક્યૂસેક પાણીની જાવક છે. આ ડેમના ૩ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ સિવાય કડાણા ડેમમાં ૭૯,૪૩૦ ક્યુસેક પાણીની આવક છે અને ૨૦,૦૦૦ ક્યૂસેક પાણીની જાવક છે. ઉકાઈ ડેમમાં ૧,૦૬,૩૨૭ ક્યુસેક પાણીની આવક અને ૭૬,૩૮૬ ક્યુસેક પાણીની જાવક છે. ૬ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. શેત્ર્ાુંજી ડેમમાં ૧૮,૫૦૦ આવક અને ૧૮,૫૦૦ કયુસેક પાણીની જાવક છે. રાજકોટના ભાદર ૧મા ૧૬,૦૩૯ આવક સામે એટલી જ જાવક છે, આ ડેમના ૧૦ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે,

તેવી રીતે ભાદર-૨માં ૬૬,૬૪૯ની આવક સામે એટલી જ જાવક છે, આ ડેમના ૬ દરવાજા ૨.૪ મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. મોરબીના મચ્છુ ૨ ડેમમાં ૨૫,૮૫૬ ક્યુસેક પાણીની આવક એટલી જ જાવક છે. આ ડેમના ૮ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. ઝોન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના ૧૪૦ ડેમમાં ૮૮.૫૬ ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના ૨૦ ડેમમાં ૫૫.૮૭ ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૪૬.૧૫ ટકા પાણીનો જથ્થો છે તો મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૮૦.૨૯ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૩.૧૩ ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૫.૬૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.