રાજ્યમાં વધુ ત્રણ દિવસ વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો

રાજ્યમાં વરસાદની વિદાયનાં સમાચાર વચ્ચે કમોસમી વરસાદે માઝા મૂકી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઇ રહૃાું છે જેના કારણે જગતનો તાત ચિંતામાં છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં ૨૨ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૦મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૨૧ અને ૨૨ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સામાન્યથી હળવો વરસાદ વરસી રહૃાો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. એક તરફ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરીથી ધોધમાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે.

ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રવક્તા ભાવેશ ભાસાએ ખેડૂતો માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમાં ઉલ્લેખ કર્યો છે કે, જિલ્લાના ગોંડલમાં ૩ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હોવાથી સત્વરે સહાય આપવી. તંત્રના ચોપડે ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકા તરીકે ગોંડલ, કોટડાસાંગાણી અને ધોરાજી છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, અડદ સહિતના પાકને નુકસાન થયુ છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે ડિપ્રેશનમાં ફેરવાઈ અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદ લાવ્યું હતું. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચતા નબળી પડી હતી અને લો પ્રેશરમાં ફેરવાઈ હતી. પરંતુ દરિયા પાસે પહોંચતા જ તેને ભેજ મળતા ફરી મજબૂત બન્યું હતું. જે બાદ આગળ વધતા ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જેને કારણે સૌરાષ્ટ્રમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે.