રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૮ તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહૃાો છે. ગઈકાલે ૧૨૮ તાલુકામાં અડધાથી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ કચ્છના મુન્દ્રા તાલુકામાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહિસાગર, જામનગર,

બનાસકાંઠા સહિતમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, ગાંધીનગરમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી ૧૪(આજે) અને ૧૫ સપ્ટેમ્બરે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે અમરેલી, ગીરસોમાથ, ગોંડલ, ભાવનગર, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ભાવનગર, બાબરા, સાબરકાંઠા અને જામનગરમાં વરસાદ પડ્યો હતો.

વરસાદના પગલે વાતાવારણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી. જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. સૌરાષ્ટ્રની સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકા, ભરૂચ, નવસારી, સુરત, વેરાવળ, ભાવનગર, અમરેલી,પોરબંદર, વલસાડમાં વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ, દ્વારકા અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટાં પડશે.