રાજ્યસભામાં જ્યારે વડાપ્રધાનની આંખો આડે જળના પડળ રચાયા

હમણાં રાજ્યસભામાં બિલકુલ અલગ માહોલ જોવા મળ્યો. મંગળવારે ચિત્ર લાગણીમય હતું. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મુ અને કાશ્મીરના ચાર સભ્યો રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. આઝાદ અને મહેબૂબા મુફતીની પીડીપીના નઝીર અહમલ લોયની મુદત 15 ફેબ્રુઆરીએ પૂરી થાય છે જ્યારે ભાજપના સમશેર સિંહ મન્હાસ અને પીડીપીના મોહમ્મદ ફયાઝની મુદત તો આજે એટલે કે 10 ફેબ્રુઆરીએ જ પૂરી થાય છે. મંગળવારે રાજ્યસભામાં આ ચારેય સાંસદોને વિદાય અપાઈ ને આ વિદાયમાન દરમિયાન જે દૃશ્યો સર્જાયાં એ જોઈને ખરેખર આનંદ થઈ ગયો. , જે વાતો થઈ ને પ્રવચન થયાં એ સાંભળીને દિલ બાગ બાગ થઈ ગયું.
આપણે ત્યાં લોકો સંસદનું જીવંત પ્રસારણ બહુ જોતાં નથી કેમ કે સંસદની જીવંત કાર્યવાહીમાં ખાસ કશું જોવા જેવું નથી હોતું. લોકશાહીની ગરિમાને નેવે મૂકીને આપણા સાંસદો વર્તે છે એ જોઈને શરમ થઈ આવે એવી સ્થિતિ હોય છે. સંસદમાં મોટા ભાગે મોટે મોટેથી બૂમબરાડા, ઘાંટાઘાંટી, કોલાહલ, કાગળોની ફેંકાફેંકી જ જોવા મળે છે તેથી સામાન્ય લોકો સંસદની કાર્યવાહી જોતા જ નથી. મંગળવારનો દિવસ કમ સે કમ રાજ્યસભામાં તો અપવાદ હતો જ ને જેમણે પણ આ કાર્યવાહી ના જોઈ એ લોકોએ એક લહાવો ગુમાવ્યો એવું કહી શકાય. આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ તેનો અહેસાસ એક દિવસ પૂરતો તો એક દિવસ માટે પણ આપણી રાજ્યસભાએ આ દેશનાં લોકોને કરાવી દીધો ને એ માટે રાજ્યસભાના સાંસદોનો આભાર માનવો જોઈએ.
અટલ બિહારી વાજપેયીએ 1996માં સ્પષ્ટ બહુમતી નહીં હોવા છતાં સરકાર રચી હતી. આ સરકાર 13 દિવસ ચાલી હતી ને વાજપેયી 13 દિવસમાં બહુમતી માટે જરૂરી સાંસદોનો ટેકો ના મેળવી શકતાં તેમણે રાજીનામું ધરી દીધેલું. આ રાજીનામા પહેલાં વિશ્વાસના મત વખતે લોકસભામાં જે ચર્ચા થઈ એ યાદગાર હતી. એ વખતે ગૌરવપૂર્ણ નેતાઓ વધારે હતા તેનું એ પરિણામ હોય કે ગમે તે પણ જેમણે પણ એ ચર્ચા જોઈ તેમના દિલોદિમાગમાં તેની યાદ કાયમ માટે તાજી થઈ ગઈ. આ ચર્ચાની હાઈલાઈટ વાજપેયી દિવસના અંતે પોતાની સરકાર સામે થયેલા આક્ષેપોનો જવાબ આપવા ઊભા થયા એ હતી. વાજપેયીએ દોઢ કલાકના પ્રવચનમાં જે શાલિનતા અને ગૌરવ સાથે પ્રવચન આપ્યું, જરાય કાદવ ઉછાળ્યા વિના પોતે કેમ સરકાર રચી એ કહ્યું એ પ્રવચન કદી ન ભૂલી શકાય. મંગળવારે રાજ્યસભામાં એ વિશ્ર્વાસના મતની યાદ અપાવે એવો માહોલ જોવા મળ્યો એવું કહી શકાય.
ગુલામ નબી આઝાદ છેલ્લાં 28 વર્ષથી રાજ્યસભાના સભ્ય હતા ને રાજ્યસભામાં સૌથી લાંબો સમય સુધી રહેનારા નેતાઓમાં એક હતા. કોંગ્રેસ અને વિપક્ષોનાં શાસન તેમણે જોયાં ને રાજ્યસભાના બદલાતા રંગ પણ તેમણે જોયા તેથી તેમને દિગ્ગજ સાંસદ તરીકે સ્વીકારવા જ પડે. આવા દિગ્ગજ સાંસદને વિદાય આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહ્યા ને મોદીએ ખરેખર દિલથી પ્રવચન આપ્યું. પક્ષીય રાજકારણથી પર રહીને તેમણે આઝાદના સાંસદ અને વિપક્ષના નેતા તરીકેના યોગદાનને તો વખાણ્યું જ પણ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે આઝાદે ગુજરાતના આતંકવાદી હુમલા વખતે બતાવેલી સંવેદનશીલતાની વાત કરતાં કરતાં એ રડી પણ પડ્યા. મોદીના ગળે ડૂમો ભરાઈ ગયો ને એ બોલી જ નહોતા શકતા તેથી વારંવાર રોકાઈ જવું પડ્યું, વચ્ચે ઊભા રહીને આંસુ લૂછવાં પડ્યાં ને આ દૃશ્યે રાજ્યસભામાં નિરવ શાંતિ પ્રસરાવી દીધી હતી.
સંસદમાં કોઈ રાજકારણી રડે એવું પહેલાં પણ બન્યું છે પણ કોઈ સભ્યને વિદાય આપતી વખતે, કોઈનાં વખાણ કરતી વખતે દેશના વડા પ્રધાન રડી પડે એવું પહેલી વાર બન્યું. આ ખરેખર વિરલ દૃશ્ય ગણાય ને તેમાં પણ મોદી રડે એ તો મોટી વાત જ છે. તેનું કારણ એ કે, મોદીની ગણના ખડ્ડુસ રાજકારણી તરીકે થાય છે. મોદી પોતાની લાગણીઓ, સંવેદનાઓ જાહેરમાં વ્યક્ત કરતા નથી ને વિરોધીઓ તો છોડો પણ પોતાના પક્ષના રાજકારણીઓનાં પણ એ ભાગ્યે જ વખાણ કરે છે ત્યારે એ કોંગ્રેસના એક નેતા પર આટલા બધા વરસી પડ્યા એ સુખદ દૃશ્ય કહેવાય. પોતાના હરીફની શક્તિને પણ વખાણવી એ તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ છે. મોદીએ એ પરંપરાને માન આપ્યું એ જોઈ ખરેખર આનંદ થઈ ગયો.
ગુલામ નબી આઝાદે આપેલું પ્રવચન પણ યાદ રહેશે. આઝાદની ગણના નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારોમાં થાય છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા નેતાઓના મોવડી બન્યા તેમાં આઝાદ રાહુલ-સોનિયાની નજરમાંથી અત્યારે ભલે ઊતરી ગયા હોય પણ તેના કારણે નહેરૂ-ગાંધી ખાનદાન તરફ વરસો લગી તેમણે બતાવેલી વફાદારી ભૂંસાઈ જતી નથી. આઝાદે વિદાય વેળાએ એ વફાદારીનાં દર્શન કરાવીને સંજય ગાંધીને પોતાના ઉદય માટે જવાબદાર ગણાવ્યા ને ઈન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધીએ પોતાનામાં મૂકેલા વિશ્ર્વાસને પણ યાદ કર્યો. વાસ્તવિકતા આપણને ખબર નથી પણ ઈન્દિરા પાસેથી વિપક્ષને માન આપવાના ને બીજા પાઠ શીખ્યા એ બધી વાતો સાંભળવામાં ખરેખર સારી લાગે છે.
આઝાદે અટલ બિહારી વાજપેયીને પણ પ્રેમથી યાદ કર્યા ને તેમાં કશું નવાઈ પામવા જેવું નથી. વાજપેયી સંઘની પેદાશ હતા પણ તેમની માનસિકતા સંઘથી અલગ હતી. વાજપેયી સાચા અર્થમાં ઉદાર મનના ને લોકશાહીના સિદ્ધાંતોમાં માનનારા હતા. તેના કારણ તેમના તરફ સૌને માન થાય જ. આ દેશમાં વાજપેયી જેવા નેતા બહુ ઓછા પેદા થયા છે ને આઝાદે એ જ વાત કરી. આઝાદે વાજપેયી વડા પ્રધાન હતા એ સમયને વિરોધ પક્ષના નેતા તરીકેના પોતાના કાર્યકાળને સૌથી સરળ ને સહજ ગણાવ્યો છે તેમાં કશું નવાઈ પામવા જેવું નથી. અલબત્ત આઝાદે વિપક્ષના વડા પ્રધાનને એ યશ આપ્યો એ મોટી વાત કહેવાય.
જો કે આઝાદના પ્રવચનમાં સૌથી નોંધવા જેવું કંઈ હોય તો આ દેશના મુસ્લિમોની સ્થિતિ વિશે તેમણે કરેલી વાત છે. આઝાદે ખુલ્લેઆમ કહ્યું કે, એક હિંદુસ્તાની મુસ્લિમ હોવાનો મને ગર્વ છે અને દુનિયામાં ભારતના મુસ્લિમો જેટલી સારી સ્થિતિ બીજા કોઈ દેશના મુસ્લિમોની નથી. આઝાદે કહ્યું કે, હું એવા નસીબદાર લોકોમાં એક છું કે જે કદી પાકિસ્તાન નથી ગયો પણ પાકિસ્તાનમાં કેવા સંજોગો અને સમસ્યાઓ છે તેની મને ખબર છે. બીજા દેશોના મુસ્લિમોને પણ મેં જોયાં છે ને તેમના શા હાલ છે એ પણ મેં જોયું છે. હું આશા રાખું છું કે, આ સમસ્યાઓ ભારતના મુસ્લિમોને કદી નડે નહીં, કનડે નહીં.
આ દેશના મુસ્લિમોની વફાદારી સામે શંકા રાખનારા ને જેમને આ દેશ કરતાં પાકિસ્તાન કે બીજા મુસ્લિમ દેશ સારા લાગે છે એ બધાંને આઝાદે બે વાક્યમાં જ બધું કહી દીધું છે. આઝાદે પહેલાં કાશ્મીરમાં પાકિસ્તાન તરફીઓની સંખ્યા વધારે હતી તેની પણ કબૂલાત કરી છે. એ વાત મહત્ત્વની છે પણ વધારે મોટી વાત બીજા દેશોના મુસ્લિમોની સ્થિતિ ને આ દેશના મુસ્લિમોની હાલત વિશે કરેલી વાત છે. આ દેશના દરેક મુસ્લિમે યાદ રાખવું જોઈએ કે એ હિંદુસ્તાની મુસ્લિમ છે ને તેના માટે તેમને ગર્વ થવો જોઈએ.
રાજ્યસભામાં જે દૃશ્યો સર્જાયાં એ જોઈ ખરેખર ગદગદ થઈ જવાય પણ સાથે સાથે સવાલ પણ થાય કે, આપણા રાજકારણીઓ આ માહોલ ગૃહની બહાર કેમ નથી રાખી શકતા? આપણે એવી અપેક્ષા નથી રાખતા કે રાજકારણીઓ એકબીજા વિશે સારું સારું જ બોલે પણ કમ સે કમ રાજ્યસભામાં બન્યું એમ ગૌરવપૂર્ણ રીતે તો બોલી જ શકે. એકબીજા સામે વ્યક્ગિત આક્ષેપો અને ગંદવાડ ફેંકવાના બદલે મુદ્દા આધારિત વિરોધ કરે. લોકશાહીનું ગૌરવ તેમાં છે ને ગરિમા પણ તેમાં છે. એક દિવસ જે થઈ શકે એ રોજ થઈ જ શકે.